કઇ રીતે બદલાયા પાકિસ્તાનના ઇતિહાસ અને ભૂગોળ?
આજથી બરાબર પ૦ વર્ષ પહેલાં ભારતના શૂરા જવાનો દેશ માટે જાન ન્યોછાવર કરી દેવાની સંપૂર્ણ તૈયારી સાથે આક્રમણખોર શત્રુ સામે દિવસરાત લડ્યા ત્યારે આજના ઘણાખરા ભારતવાસીઓનો હજી જન્મ પણ થયો ન હતો. પાકિસ્તાનની સબમરિનનો શિકાર બનેલી આપણી ફ્રિગેટ મનવાર ખુકરી ના કેપ્ટને ઉન્નત પ્રણાલિકાને અનુસરી પોતાના જહાજ સાથે કેવી રીતે સ્વસ્થતાપૂર્વક જળસમાધિ લીધી, એક વિંગ કમાન્ડરે ભારતીય વાયુસેનાના સૈનિકવાહક / માલવાહક વિમાનને શી યુકિત વડે તાંડવકારી બોમ્બરમાં ફેરવી નાખ્યું, ભારતની ટચૂકડી મિસાઇલ બોટની ટુકડીએ કરાંચી બંદરે પહોંચી તેનાં જાજરમાન યુદ્ધજહાજોનો ખાત્મો શી રીતે ર્ક્યો વગેરેની તલસ્પર્શી જાણકારી દેશના બહુમતી લોકોને નથી.
માર્ચ રર-ર૪, ૧૯૪૦માં લાહોરના ઇકબાલ પાર્કમાં ઑલ-ઇન્ડિઆ મુસ્લિમ લીગનું અધિવેશન ભરાયું હતું. અવિભાજિત બંગાળના વડા પ્રધાન એ. કે. ફઝલુબ હકે પોતાના વક્તવ્ય દરમ્યાન ટાઇમ બોમ્બ જેવો પ્રસ્તાવ મૂક્યો, જે સાત વર્ષ પછી ફાટીને જાનમાલની ભયંકર તારાજી કરવાનો હતો. પ્રસ્તાવ Two Nation Theory નામે પહેલાં ધૂળની ડમરી અને પછી વાવાઝોડું બનવાનો હતો. ફઝલુબ હકે એક રાષ્ટ્ર ભારતના હિન્દુઓનું અને બીજું રાષ્ટ્ર ભારતના મુસ્લિમોનું એમ બે રાષ્ટ્રો સ્થાપવાની માગણી રજૂ કરી હતી.

અફઘાનિસ્તાનનો લોહિયાળ ઇતિહાસ અતઃ થી આતંક સુધી
અંગ્રેજીમાં કહેવાય છે કે તમારા મિત્રોને પસંદ કરી શકો, પણ પડોશીઓને નહિ. આપણે ભારતીયો તો એ વાત સારી રીતે જાણીએ છીએ, કેમ કે ખરાબ રીતે વેઠતા આવ્યા છીએ. ત્રણ પડોશીઓ આપણા પડખામાં શૂળની જેમ ભોંકાયેલા છે. અફઘાનિસ્તાનને પણ તેના ભૌગોલિક સરનામાએ શાપિત દેશ બનાવી દીધો છે. આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ અગાઉ ત્યાં કાયમી માનવવસાહતો સ્થપાયા પછી બહુ ઓછા કાળખંડ એવા વીત્યા કે જ્યારે એકાદ પરદેશી સૈન્ય અફઘાનિસ્તાન પર ચડી ન આવ્યું.
તાજેતરમાં કાબુલ પર તાલિબાનોનું શાસન સ્થપાયું તે ભારત માટે ગંભીર ખતરો છે. બે સંભવિતતાઓ દેખાય છે : (૧) પાકિસ્તાનની ISI ભારતમાં પુલવામા જેવી આતંકી પ્રવૃત્તિ વધારવા તાલિબાનીઓને કામે લગાડી દે; (૨) તકવાદી ચીન, પાકિસ્તાન અને તાલિબાન ભેગા મળી ભારતને બધી રીતે ભીંસમાં લે.
ભવિષ્યમાં આપણા દેશના માથે આફતનાં જે વાદળો ઘેરાવાનાં છે તેનો પૂરો અંદાજ મેળવવો હોય તો અફઘાનિસ્તાનનો તરખાટભર્યો ભૂતકાળ તે માટે તપાસવો જોઈએ.

યુગપુરૂષ શ્રીમદ્ રાજચંદ્ર
ઇતિહાસના પ્રવાહની જેમ કેટલાંક ઐતિહાસિક પાત્રોની જીવનસફર પણ અણધારી રીતે જ પાટા બદલી નાખતી હોય છે. જિંદગીમાં ગજબનો પલટો આવી જાય છે. કોઇ વાર એકાદ વ્યક્તિ તે પરિવર્તન માટે નિમિત્ત બની હોય છે, પણ તવારીખના પાને તેની નોંધ ક્યારેક ફૂટનોટ તરીકે જ લેવાય છે—અને ક્યારેક તો એટલી પણ નહિ.
ગાંઘીજીની 150મી જન્મજયંતી નિમિત્તે એક પારસમણિ વ્યક્તિની કથા અહીં રજૂ કરી છે. નામ છે શ્રીમદ્ રાજચંદ્ર.

370મી કલમનો પૂરો ઇતિહાસ
1949માં શેખ અબ્દુલ્લાની પોઇઝન પેન વડે લખાયેલી બંધારણની 370મી કલમનો પૂરો ઇતિહાસ. આ લેખ કેટલાંક વર્ષ પહેલાં ભારતની વર્તમાન પેઢીને એ બાબતે ચેતવવાના આશયે લખવામાં આવેલો કે જે ભૂતકાળમાં નાસમજીથી જે ભૂલો કરવામાં આવી તે ‘આપણે’ ફરી વખત ન કરીએ. આથી હાલના માનનીય વડા પ્રધાને કાશ્મીરના શર્મનાક ઇતિહાસ પર બુલડોઝર ફેરવી દીધાની સુવિદિત બાબતનો પ્રસ્તુત લેખમાં પુનરોચ્ચાર કર્યો નથી. લેખ જેના તે સ્વરૂપે રજૂ કર્યો છે.

તપાસ પંચ સમક્ષ જલિયાઁવાલા બાગના જલ્લાદનું તડ ને ફડ
‘સફારી’ના અંક નં. ૨૯૯માં જલિયાઁવાલા બાગ હત્યાકાંડની ૧૦૦મી વરસીના દુઃખદ પ્રસંગે તે ઘટનાની તદ્દન અજાણી પૂર્વભૂમિકા ન વાંચી હોય તો હજી અંક ખરીદી લેજો. ઇતિહાસકારો જેને આલેખવાનું ચૂકી ગયા તે ઘટનાક્રમ અંક નં. ૨૯૯માં (એપ્રિલ, ૨૦૧૯ના અંકમાં) વર્ણવ્યો છે.
એપ્રિલ ૧૩, ૧૯૧૩ના રોજ થયેલા હત્યાકાંડ પછી જનરલ ડાયર સામે જે તપાસસમિતિ બેઠી અને તપાસકારોને ડાયરે જે તડ ને ફડ જવાબો આપ્યા તેનું પણ ચોંકાવી દેતું વિવરણ પસિદ્ધિમાં આવ્યું નથી.
વિવરણ અહીં રજૂ કર્યું છે, પણ શક્ય હોય તો પહેલાં એપ્રિલ, ૨૦૧૯ના અંકમાં હત્યાકાંડની પાશ્વાદ્દભૂમિકા વાંચી જજો. હૃદયદ્રાવક છે.

પાક જેલોમાં સબડતા ૫૪ ભારતીય યુદ્ધકેદીઓ જયારે ગંદી રાજરમતનાં લાચાર પ્યાદાં બની ગયા
વિંગકમાન્ડર અભિનંદનની ‘ઘર વાપસી’ થઇ, પણ પાક જેલોમાં રહી ગયેલા ૫૪ ભારતીય ફૌજીઓનાં આપ્તજનો પૂછે છે કે અમારા વીરોનું શું ?
અહીં રજૂ કરેલો દિલદ્રાવક લેખ વર્ષોની જહેમત અને દડમજલ બાદ આકાર પામ્યો છે. આપણા માટે દિલદ્રાવક, પરંતુ આપણા તમામ રાજકારણીઓ માટે શર્મનાક છે. છેલ્લાં ૩૯ વર્ષ થયે એક પણ વ્યાપારી જાહેરખબર વિના પ્રગટ થતું જ્ઞાનવિજ્ઞાનનું ‘સફારી’ દર અંકે આવી માહિતીપૂર્ણ લેખો માટે પંકાયેલું અને પ્રતિષ્ઠા પામેલું માસિક છે.