Grab the discounts and offers while the stocks last

આ લેખ કેટલાંક વર્ષ પહેલાં ભારતની વર્તમાન પેઢીને એ બાબતે ચેતવવાના આશયે લખવામાં આવેલો કે જે ભૂતકાળમાં નાસમજીથી જે ભૂલો કરવામાં આવી તે ‘આપણે’ ફરી વખત ન કરીએ. આથી હાલના માનનીય વડા પ્રધાને કાશ્મીરના શર્મનાક ઇતિહાસ પર બુલડોઝર ફેરવી દીધાની સુવિદિત બાબતનો પ્રસ્તુત લેખમાં પુનરોચ્ચાર કર્યો નથી. લેખ જેના તે સ્વરૂપે રજૂ કર્યો છે.

નગેન્દ્ર વિજય

એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામે ઓળખાતા મહારાજાને (નીચેનું ચિત્ર) સરહદી ગિલગિટમાં અંગ્રેજોની હાજરી ખપતી ન હતી. લીઝનો સોદો કરવાની તેમણે ના પાડી દીધી.

ગિલગિટ સરહદી પ્રાંત હોવાને લીધે જ ભારતના બ્રિટિશ શાસકો તેને પોતાના વહીવટ નીચે લાવવા માગતા હતા. વિસ્તારવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિનનું લાલ સૈન્ય ગમે ત્યારે ભારત પર આક્રમણ લાવે એવો ફડકો અંગ્રેજોના મનમાં હતો, માટે તેઓ ગિલગિટમાં પોતાની લશ્કરી ચોકીઓ તેમજ સંદેશવ્યવહારનાં મથકો સ્થાપવા માગતા હતા. મહારાજા હરિસિંહને તેમણે ભાડાપટ્ટા બદલ મોટી રકમની ઓફર કરી, છતાં હરિસિંહે રસ ન દાખવ્યો.

સૌ જાણે છે તેમ પંજાબના મહારાજા રણજિતસિંહે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ૧૮૧૯માં જીતી તેને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો. (જુઓ, નકશો). વિજયકૂચ ત્યાર પછીયે અફઘાનિસ્તાન તરફ ચાલુ રહી, જેમાં રણજિતસિંહના અશ્વારોહી ખાલસા શીખ સૈનિકોની આગેવાની વેન્તુરા તથા એલાર નામના ફ્રેન્ચ અફસરોએ લીધી હતી. (બન્ને અફસરો નેપોલિયનના વોટરલૂ યુદ્ધમાં અંગ્રેજો સામે લડ્યા હતા). રણજિતસિંહના સર્વોચ્ચ સેનાપતિ જો કે ગુલાબસિંહ ડોગરા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૪૬માં શીખોને હરાવી પંજાબ સર કર્યા બાદ જમ્મુ-કાશ્મીરનો પ્રદેશ ગુલાબસિંહ ડોગરાને ₹૭૫,૦૦,૦૦૦માં વેચી દીધો. મહારાજા હરિસિંહ ડોગરા તેમના પુત્ર રણવીરસિંહ તથા પૌત્ર પ્રતાપસિંહ બાદ ચોથી પેઢીએ ગાદીવારસ હતા. હવે કાશ્મીરી ગિલગિટમાં અંગ્રેજોનો જ પ્રવેશ તેમને રોકવો હતો.

કારસા ઘડવામાં માહેર અંગ્રેજો મહારાજાની દુખતી નસ જાણતા હતા. કાશ્મીરની ૭૭% પ્રજા મુસ્લિમ, જ્યારે તેમના પર રાજ કરતા મહારાજા હિંદુ ડોગરા કોમના હતા. દિલ્લીના બ્રિટિશ ગુપ્તચર વિભાગે પેશાવરથી અબ્દુલ કાદિર નામના ખેપાની અહમદી મુસ્લિમને શ્રીનગરના સ્થાનિક ગોરાસાહેબના નિવાસસ્થાને રસોઇયા તરીકે નિમણૂક કરવાનો ડોળ રચીને તેડાવ્યો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ભણીને આવેલા રાજકીય ચળવળકાર શેખ અબ્દુલ્લાને પણ તેમના ડોગરા શાસન પ્રત્યેના આક્રમક વલણ બદલ યોજનામાં સાથે લીધા.

શ્રીનગરમાં શાહ-એ-હમદાન નામના સ્થળે ભાડાના ટટ્ટુ અબ્દુલ કાદિરે ‘હિંદુરાજ’ સામે ઝેર ઓકવા જાહેરસભા યોજી અને કુરાનનાં અવતરણો ટાંકી શ્રોતાઓને ઉશ્કેર્યા. ગોવધ પર મહારાજા હરિસિંહના રાજમાં વર્ષો થયે અમલી બનેલા પ્રતિબંધને પણ અગનગોળા જેવા શબ્દોમાં વખોડ્યો. ‘હિંદુરાજ’ને ખતમ કરવાનું લોકોને એલાન તેણે આપ્યું ત્યારે મહારાજાના આદેશ મુજબ પુલિસે તેને ગિરફતાર કર્યો અને જેલમાં નાખ્યો. રાજદ્રોહના આરોપસર તેની સામે રાજ્યની અદાલતમાં ખટલો ચલાવવાનું મહારાજાએ ફરમાન આપ્યું.

આપત્તિની તે શરૂઆત હતી. કેસની સુનાવણી માટે નક્કી થયેલા જુલાઇ ૧૩, ૧૯૩૧ના દિવસે ઝનૂની લોકોના બેકાબૂ ટોળાએ અબ્દુલ કાદિરને મુક્તિ અપાવવા જેલ પર ધસારો કર્યો, પુલિસ ચોકિયાતો સામે પથ્થરમારો ચલાવ્યો, જિલ્લા મેજિસ્ટ્રેટે આવીને લાઠીચાર્જ કરાવતાં તોફાનકારો ભાગ્યા અને શક્ય એટલાને પકડી લેવા તેમણે પીછો કર્યો. અહીંથી મામલો એકદમ જ હદપાર જતો રહ્યો. ઝનૂને ચડેલા લોકોએ હિંદુ માલિકોની દુકાનોમાં માલસામાનની તથા રોકડની લૂંટફાટ કર્યા બાદ આંગ ચાંપી, માલિકોને ઝૂડ્યા અને પ્રતિકાર કર્યો તેમને છરા ભોંક્યા. ઘણીખરી દુકાનો જેમાં હિંદુઓની હતી એ મહારાજ ગંજ, ભોરી કદાલ, લાલ ચોક, હિર માર્કેટ વગેરે બજારો જોતજોતામાં ભડકે બળવા લાગી. પેશાવરી અબ્દુલ કાદિરની ગેરહાજરીમાં શેખ અબ્દુલ્લા પડદા પાછળ રહી હિંસક તોફાનોનો દોરીસંચાર કરતા હોવાનું દિલ્લીનાં બે વર્તમાનપત્રોએ નોંધ્યું.
 
હિંદુ પ્રજામાં ડોગરા કરતાં વધુ સંખ્યા કાશ્મીરી પંડિતોની હતી, જેઓ રાજ્યના મૂળ વતનીઓ હતા. મોતનું આભ તેમના માથે ફાટ્યું. માત્ર શ્રીનગર નહિ, પુંચ, મિરપુર, રાજૌરી, કોટલી વગેરે સ્થળોએ પણ સેંકડો કાશ્મીરી પંડિતોને નિર્દયતાપૂર્વક મારી નાખવાનો, જીવતા બાળી મૂકવાનો, હાથપગ બાંધી સરોવરમાં ફેંકી દેવાનો તથા ઘરોને આગમાં ભસ્મ કરવાનો આતંક દિવસો સુધી ચાલ્યો. જીવતા બચવા અમુકે હિંદુ ધર્મ તજી ઇસ્લામ ધર્મ સ્વીકારી લેવો પડ્યો. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો આજે પણ જુલાઇ ૧૩, ૧૯૩૧ના તે ગોઝારા દિવસનો પ્રત્યેક વર્ષે શોક મનાવે છે. પંડિતો તેને કાશ્મીરી ભાષામાં ‘અઠ્ઠાસી ના શૌરાંસ’ યાને ૮૮નાં રમખાણો તરીકે ભારે હૃદયે યાદ કરે છે. ઘટના વિક્રમ સંવત ૧૯૮૮માં બની. બ્રિટિશ હકૂમતે અપપ્રચાર કર્યો કે આંદોલન રાજ્યમાં લોકશાહીની સ્થાપના માટેનું હતું. અનેક હિંદુ મંદિરોનો તથા શીખોના કેટલાક ગુરુદ્વારાઓનો પણ ધ્વંસ કરાયો તે લોકશાહીને અમલમાં લાવવાની કાર્યવાહી ગણાય નહિ. રમખાણો કોમી હતાં. નિશાન મહારાજા હરિસિંહ જ હતા.

અલગતાવાદની છૂપી કાતર પેટમાં રાખીને ફરતા શેખ અબ્દુલ્લા કાશ્મીરને પોતાની અંગત સત્તા-જાગીર બનાવવાની અદમ્ય મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. આ મુરાદ બર લાવવા માટે તેમણે પંડિત નેહરુને પોતાની ગહેરી રાજકીય ચાલના પ્યાદા બનાવ્યા

આ હિંસાખોરીમાં શેખ અબ્દુલ્લાની પણ છૂપી ભૂમિકા હોવાનું બહાર આવતાં તેમની સામે રાજદ્રોહનો કેસ ચલાવાયો, જેમાં તેઓ કસૂરવાર સાબિત થતાં કોર્ટે લાંબી જેલસજાનો ચુકાદો આપ્યો. રાજ્યમાં શાંતિ બહાલ થાય એ હેતુસર મહારાજાએ જો કે બીજે વર્ષે ૧૯૩૨માં છોડી મૂક્યા. વખત જતાં ‘શેર-એ-કાશ્મીર’નું બિરુદ પામનાર શેખ અબ્દુલ્લા ૧૯૩૧નાં રમખાણોમાં આદમખોર શેરની જેમ (સત્તાનું) લોહી ચાખી ગયા હતા. મહત્ત્વાકાંક્ષા તો આસમાનને સ્પર્શતી હતી. જેલમાંથી છૂટી તેમણે મુસ્લિમ કોન્ફરન્સ નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો અને પોતે તેના સ્થાપક પ્રમુખ બન્યા. આ તેમનો બહારવટિયા પ્રવૃત્તિવાળી રાજકીય કારકિર્દીનો આરંભ હતો, જેની પરાકાષ્ટા તેઓ ભારતના રાજ્યબંધારણમાં જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો અપાવતી કલમ નં. ૩૭૦ બ્લેકમેઇલિંગ વડે દાખલ કરાવીને લાવવાના હતા. જમ્મુ-કાશ્મીરને આતંકવાદનો ચેપ ૧૯૩૧માં જ લગાડી દીધો એ તો શેખ અબ્દુલ્લાનું ભયંકર દુષ્કૃત્ય હતું. વર્ષોનાં વર્ષો સુધી આપણે તેનાં લોહી નીતરતાં પરિણામો વેઠ્યાં કરવાનાં હતાં.

એક વાત શેખ અબ્દુલ્લાને બૂરા ખબર તરીકે રહી રહીને જાણવા મળી કે ૧૯૩૧નાં આતંકમાં જેમણે લૂંટફાટ અને ખૂનામરકી ચલાવી તેમાં બહુમતી સંખ્યા તેમના કાશ્મીરી મુસ્લિમોની નહિ, પરંતુ રાતોરાત (વર્તમાન પાકિસ્તાનના) પંજાબ પ્રાંતમાંથી આવેલા પંજાબી મુસ્લિમોની હતી. આશરે ૪,૫૦૦ પંજાબી મુસ્લિમોનું આગમન થયું હતું, જેમને ૧૯૨૯માં સ્થપાયેલા મજલિસ-એ-અહરાર-એ-ઇસ્લામ રાજકીય પક્ષે મોકલ્યા હતા, જેઓને હિંદુ મહારાજાની હકૂમત સામે જેહાદે ચડવાનું મિશન અપાયું હતું. (અહરાર કે પછી આર્ટિકલ Theના અલ પર્યાય સાથેનો અલ અહરાર શબ્દ અરબી ભાષાનો છે. ‘આઝાદ’ યા ‘મુક્ત’ એવો તેનો અર્થ થાય છે). ઇસ્લામના નામે પંજાબી મુસ્લિમો કાશ્મીરમાં વગ જમાવે તો પછી વખત જતાં કદાચ સત્તા પણ જમાવે એ શક્યતાએ ચબરાક શેખ અબ્દુલ્લાના દિમાગમાં અલાર્મ વગાડ્યો. ૧૯૩૧નાં રમખાણોએ કાશ્મીરમાં જે કોમી ઉત્તેજના પેદા કરેલી તેનો ઉભરો ધીમે ધીમે શમે ત્યાં સુધી રાહ જોયા બાદ ૧૯૩૯માં તેમણે પોતાના રાજકીય પક્ષ મુસ્લિમ કોન્ફરન્સનું નામ બદલીને નેશનલ કોન્ફરન્સ કરી નાખ્યું. બિનસાંપ્રદાયિકતાને તેમણે પોતાનો અજેન્ડા બનાવ્યો.

આ ગહેરી ચાલ હતી, પણ અહરારના પંજાબી મુસ્લિમોને દૂર રાખવા પૂરતી માત્ર કામચલાઉ હતી. એક નિવેદનમાં તેમણે જાહેર કર્યું : ‘મારો નેશનલ કોન્ફરન્સ પક્ષ બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષ રહેશે. આપણે કોમવાદને તજી દેવો જોઇએ. મુસ્લિમ અને બિનમુસ્લિમ એવો ભેદ પાડીને વિચારવાનું બંધ કરી દેવું જોઇએ. બેઉને સમાન મતાધિકાર હોય તે જરૂરી છે, કારણ કે એ બન્ને વગરની લોકશાહી તો નિર્જીવ જ રહી જવા પામે.’

૧૯૩૧નાં હિંદુવિરોધી રમખાણોનું બેક-સીટ ડ્રાઇવિંગ કરનાર શેખનો કેવો ગજબનો યુ-ટર્ન! આ રાજનીતિને તેઓ પોતાની કાયમી રણનીતિ બનાવવાના હતા. બિનસાંપ્રદાયિકતાની સોગઠી વડે તેમણે બે પક્ષીઓ માર્યા. પંજાબી મુસ્લિમોની જમ્મુ-કાશ્મીરમાં રહેલી દિલચસ્પી પર ઠંડું પાણી રેડ્યું અને સાથોસાથ કાશ્મીરી પંડિત જવાહરલાલ નેહરુની સહાનુભૂતિ મેળવી લીધી. આ બીજો ‘શિકાર’ વધુ મહત્ત્વનો હતો. અલગતાવાદની છૂપી કાતર પેટમાં રાખીને ફરતા શેખ અબ્દુલ્લા કાશ્મીરને પોતાની અંગત સત્તા-જાગીર બનાવવાની અદમ્ય મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. આ મુરાદ બર લાવવા તેમને ફરી ફરીને પંડિત નેહરુના સહકારની જરૂર પડવાની હતી. નેહરુના ખભે બંદૂક રાખી તેમને મહારાજા હરિસિંહની રાજાશાહી સામે ફાયરિંગ કરવું હતું. નેહરુ ખભો આપે પણ ખરા, કેમ કે શિક્ષિત અને સુધારક પંડિત હોવાના નાતે તેઓ બિનસાંપ્રદાયિકતા તેમજ લોકશાહીના સમર્થક હતા. દુર્ભાગ્યની વાત કે સહેલાઇથી હિપ્નોટાઇઝ થાય એવા પણ હતા. શિયાળ અને વરુ બેયની મિરશ્રત વૃત્તિના શેખ અબ્દુલ્લા લાંબે ગાળે આપણા પ્રજાસત્તાક દેશના રાજ્યબંધારણ પર કલમ નં. ૩૭૦ ઠોકી બેસાડે અને તે કલમની હાથકડીમાં આખા દેશને બાન પકડી રાખે તેની પંડિત નેહરુને લગીરે કલ્પના ન હતી.

કાશ્મીરના રાષ્ટ્રવાદી ક્રાંતિકારી પંડિત પ્રેમનાથ બજાજ તેમના અભ્યાસપૂર્ણ પુસ્તક ‘The History of Struggle for Freedom in Kashmir’માં લખે છે કે, ‘અબ્દુલ્લાની દ્વીરંગી કપટનીતિ એ હતી કે કાશ્મીરમાં તેઓ મુસ્લિમ લીગની વિચારધારાનો છૂપો અજેન્ડા ચલાવતા હતા, તો કાશ્મીરની બહાર તેઓ બિનસાંપ્રદાયિકતાનો દેખાડો કરતા હતા.’

શેખ અબ્દુલ્લાની રાજકીય કારકિર્દીનો સિતારો એ વખતે પ્રકાશવો શરૂ થયો કે જ્યારે મે, ૧૯૪૦માં જવાહરલાલ નેહરુએ કાશ્મીરની ૧૦ દિવસીય મુલાકાત લીધી. ખેતરની વાડે શેરડી પાછળ એરંડોય પાણી પામે તેમ નેહરુની સાથે રહીને શેખ અબ્દુલ્લા પણ બહોળી પ્રસિદ્ધિ પામ્યા. ‘મુસ્લિમ કોમના દિલોજાન હિરો અને ડોગરાશાસિત કાશ્મીરની આઝાદીના લડવૈયા’ તરીકેની અગાઉ સ્થાપિત કરેલી પોતાની ઓળખ પર સલૂકાઇપૂર્વક પોતું ફેરવી દીધું અને મહારાજા હરિસિંહના માર્ગદર્શન નીચે હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ એમ સૌ કાશ્મીરીઓનો ઉત્કર્ષ કરવાની નેમવાળા પ્રગતિશીલ નેતાનું મહોરું પહેરી લીધું. નેહરુની મુલાકાત બાદ તેમની સત્તાલાલસાને પાંખો ફૂટી, એટલે લાંબી ગણતરી માંડી તેમણે કોંગ્રેસ જોડે હાથ મિલાવ્યા. પવનની બદલાતી દિશા મુજબ સઢ ફેરવવાની અસાધારણ કોઠાસૂઝ તેમનામાં હતી.

કાશ્મીરને લગતા કેટલાય ઐતિહાસિક વિરોધાભાસોમાં જેને શિરમોર ગણી શકાય તે નિઃશંકપણે એ કે વિદેશી આક્રમણખોર મુસ્લિમોએ ત્યાં લગભગ ૪૦૦ વર્ષ સુધી જુલ્મી શાસન ચલાવ્યા પછી જે પહેલો મૂળ કાશ્મીરી મુસ્લિમ શાસક બનવાનો હતો એ પંડિત હતો. નામ પૂછો છો? નામ : શેખ અબ્દુલ્લા.

આશ્ચર્ય ન પામતા, કેમ કે શેખ અબ્દુલ્લાના દાદા હિંદુ હતા. કાશ્મીરી પંડિત હતા, માટે બ્રાહ્મણ હતા. પરિવારનો વસવાટ અંચાર સર તરીકે ઓળખાતા સરોવર નજીક રળિયામણા પ્રદેશના સોરાહ ગામમાં હતો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પંડિત દાદાએ મીર અબ્દુર રશીદ બૈહાકી નામના સૂફી ઉપદેશકનાં વક્તવ્યો સાંભળી ધર્મપરિવર્તન કર્યું. અસલ વ્યવસાય કયો હોય એ તો કોણ જાણે, પરંતુ એટલું પ્રતિપાદિત છે કે મુસ્લિમ બનેલો પરિવાર ઊનની શાલના વણાટકામ થકી ગુજરાન ચલાવતો હતો.

પંડિત નેહરુ સાથે શેખ અબ્દુલ્લા : નેહરુએ ૧૯૪૦માં લીધેલી કાશ્મીરયાત્રા વખતે

પરિવારમાં ડિસેમ્બર ૫, ૧૯૦૫ના રોજ પુત્રનો જન્મ થયો, જેની પહેલાં પાંચ પુત્રો તથા એક પુત્રી તો ઉછરી રહ્યાં હતાં. જન્મની ખુશાલીમાં થોડીક માયૂસી પણ ભળેલી હતી, કેમ કે પુત્રનું દુનિયામાં આગમન થયું તેના બે મહિના અગાઉ પિતા શેખ મોહમ્મદ ઇબ્રાહિમે દુનિયામાંથી વિદાય લીધી હતી. આર્થિક રીતે જીવન કઠોર બન્યું હતું. સૌથી નાનો પુત્ર શેખ મોહમ્મદ અબ્દુલ્લા જરા સમજણો થયો ત્યારે તેની મા ખૈરુન નિસાને તેમજ મોટા ભાઇઓને ખ્યાલ આવી ગયો કે અબ્દુલ્લાની બુદ્ધિમત્તા તેની વયની સરખામણીએ ઘણી તેજ હતી. પરિવારમાં સૌ અશિક્ષિત, પરંતુ અબ્દુલ્લાને શાલવણાટનું કામ સોંપવાને બદલે ભણાવવાનું નક્કી થયું અને તે માટે અખુન મુબારક શાહ નામના શિક્ષકને રોકવામાં આવ્યો. ભણતરનું બીજું પગથિયું સ્થાનિક શાળા હતી, ત્રીજું શ્રીનગરની પ્રતાપ કોલેજ, ચોથું લાહોરની ઇસ્માલિયા કોલેજ, પાંચમું ૧૯૨૮માં ગ્રેજ્યુએશન માટે પંજાબ યુનિવર્સિટી અને છઠ્ઠું તેમજ આખરી M.Sc.(કેમિસ્ટ્રી)માં ડબલ ગ્રેજ્યુએશન માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કે જ્યાંથી ભણીને ૨૫ વર્ષીય શેખ મોહમ્મદ અબ્દુલ્લા કાશ્મીર પાછા આવ્યા.

કાશ્મીરના તવારીખકાર સતીષ વશિષ્ટ ૧૯૬૮માં પ્રગટ થયેલા તેમના ખૂબ રસાળ પુસ્તક Sheikh Abdulla Then and Nowમાં લખે છે કે, ‘રાજ્ય પર (ત્યારે) હિંદુ ડોગરાનું શાસન હતું. મુસ્લિમો માટે સૈન્યના દરવાજા બંધ હતા. મહારાજાની રેજિમેન્ટો જમ્મુના ડોગરા, કાંગડાના રાજપૂત અને પંજાબના શીખોની બનેલી હતી. નાગરિક વહીવટી તંત્રમાં પણ એ જ રીતે ઊંચા હોદ્દાઓ પર વધુ શિક્ષિત અને ટેક્નિકલી તેમજ વધુ લાયકાતવાળા કાશ્મીરી પંડિતો હતા.’

આ માહોલ વચ્ચે સિવિલ સર્વિસ નિમણૂક બોર્ડે શેખ અબ્દુલ્લાની નોકરી અરજી જ્યારે નામંજૂર કરી ત્યારે અબ્દુલ્લાનો પારો ગયો અને ડોગરા હિંદુ મહારાજાની રાજાશાહી જ સમૂળગી ખતમ કરવા માટે તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. શિક્ષણની જેમ રાજકારણનું પણ એક પછી એક પગથિયું ચડતા ગયા અને સત્તા અંતે તેમને હાથવેંતમાં દેખાવા લાગી.

મંઝિલ જો શેખ અબ્દુલ્લાને ક્ષિતિજે દેખાતી હોય તો થોડા વખત પછી માર્ચ, ૧૯૪૨માં બ્રિટિશ સરકારના ક્રિપ્સ મિશને તે ક્ષિતિજને મૃગજળ બનાવી દૂર ધકેલી દીધી. બીજા વિશ્વયુદ્ધમાં ગળા સુધી ડૂબેલું બ્રિટન અમુક શરતે ભારતને સત્તાનું હસ્તાંતર કરવા તૈયાર હતું, એટલે કોંગ્રેસી આગેવાનો સાથે તેની ફોર્મ્યુલા શોધવા તેણે સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યો હતો. બે વર્ષ અગાઉ માર્ચ, ૧૯૪૦માં મુહમ્મદ અલી ઝીણાનો મુસ્લિમ લીગ પક્ષ મુસ્લિમોના અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કરી ચૂક્યો હતો. શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં આવી પડ્યા કે ઝીણાની છાવણીમાં જવું કે નેહરુની ? બે વચ્ચે પસંદગી તો કર્યે જ છૂટકો હતો, પરંતુ રાજકીય વાતાવરણ ગાઢ ધુમ્મસવાળું હોવાને લીધે સત્તાનો મતલબ સાધી આપતો માર્ગ પરખાતો ન હતો.

કાશ્મીરના સ્થાનિક મુસ્લિમોને વિશ્વાસમાં લઇ શેખ અબ્દુલ્લા સત્તાનો નવો ચોકો રચી રહ્યા હતા, પરંતુ નેહરુ તેમજ મહારાજાને તે ગહેરી ચાલની ગંધ સુધ્ધાં ન આવી

ટૂંક સમય બાદ કોંગ્રેસે ઓગસ્ટ ૮, ૧૯૪૨ના રોજ ‘હિંદ છોડો !’ આંદોલન જાહેર કર્યું અને પંડિત નેહરુને અંગ્રેજ હકૂમતે જેલમાં પૂર્યા ત્યારે શેખ અબ્દુલ્લા પંડિતજીનો આધાર ગુમાવી બેઠા. પવનની દિશા ફરી, એટલે મનમેલા શેખે સઢ પણ ફેરવ્યો. નેહરુ પ્રત્યેની ‘વફાદારી’ તજીને મુસ્લિમ લીગના કાઇદ-એ-આઝમ (મહાન નેતા) મુહમ્મદ અલી ઝીણાની સોબતે ચડ્યા. મે ૧૦, ૧૯૪૪ના દિવસે ઝીણા તેમનું આમંત્રણ સ્વીકારી શ્રીનગર ગયા ત્યારે શેખ અબ્દુલ્લાએ તેમને ‘ભારતીય મુસ્લિમોના લાડીલા નેતા’ તરીકે ઓળખાવી વાજતેગાજતે આવકાર્યા. શેખ અબ્દુલ્લા ઉપરાંત નેશનલ કોન્ફરન્સના જ સીનિઅર આગેવાનો જી. એમ. સાદિક તથા મિરઝા અફઝલ બેગ સાથે મુલાકાતો યોજી અને પછી શ્રીનગરમાં ફરી ઘણા સ્થાનિક મુસ્લિમ નાગરિકોને મળ્યા.

નાગરિકોનો ભેટો કર્યો એમાં લોચો વાગ્યો. વિદાય લેતા પહેલાં તેમણે શેખ અબ્દુલ્લાને કહ્યું : ‘હું જેમને મળ્યો તેમાંના નેવું ટકાથી વધુ લોકોએ જણાવ્યું કે તેમના મતે કાશ્મીરમાં તો નેશનલ કોન્ફરન્સ જ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એ જ માન્ય છે.’ ઝીણાના કહેવાનો મતલબ સાફ હતો. કાશ્મીરમાં મુસ્લિમ લીગ નામના ડુંગરાને સ્થાનિક નેશનલ કોન્ફરન્સ નામના તરણા ઓથે રહેવું પડે એ સ્થિતિ ન જોઇએ.

આ રીતે જાકારો મળતાં શેખ અબ્દુલ્લાનો મૂડ બગડ્યો અને પછી મિજાજ પણ બગડ્યો. ઝીણાએ હજી વળતા પ્રવાસ માટે કાશ્મીર છોડ્યું નહોતું એટલામાં તો અબ્દુલ્લાએ જાહેર સભા યોજી બફાટ જેવી વરાળ કાઢીઃ ‘જનાબ ઝીણા જો આપણા રાજકારણમાં ચંચુપાત કરવાની આદત છોડી શકવાના ન હોય તો અહીંથી તેમણે માનભેર પાછા જવાનું મુશ્કેલ બનશે !’ દિમાગની પ્રેશર કૂકર સ્થિતિના માર્યા અબ્દુલ્લા બોલી પડ્યા, પણ એ ભૂલ કરીને તેમણે મગરૂર ઝીણા સાથે ફરી હાથ મિલાવવાની તક ગુમાવી દીધી. આ તરફ પંડિત નેહરુ વળી જેલમાં હતા. સત્તા માટેની થનગનતી મહત્ત્વાકાંક્ષાનો વેલો જેના પર ચડાવી શકાય તે વાડ હવે શી રીતે શોધવાની ?

ખાન અબ્દુલ ગફાર ખાને તથા પંડિત નેહરુએ તેમનાં પ્રવચનો વડે શેખ અબ્દુલ્લાને લોકનજરમાં મહાન બનાવી દીધા. આ ગંભીર ભૂલ હતી, જે વખત જતાં ભારે પડવાની હતી

શોધવાની જરૂર ક્યાં હતી ? યુરોપના પ્રવાસે ગયેલા મહારાજા હરિ સિંહનું પુનરાગમન તુરતમાં થવાનું હતું. ખુદપરસ્ત શેખે તેમના ભવ્ય સત્કાર માટે આયોજન કર્યું. શ્રીનગરના રસ્તા પર ભપકાદાર ફૂલો વડે શોભતી કમાનો દર થોડા અંતરે ખડી કરાવી, રસ્તાની બેય તરફ પ્રજાજનોને તેમજ નેશનલ કોન્ફરન્સ પક્ષના કાર્યકરોને ‘રિસેપ્શન કમિટી’ તરીકે હાજર રાખ્યા અને રાજમહેલ સુધી કલરફૂલ પતાકાઓ બંધાવવાનું પણ ભૂલ્યા નહિ. મહારાજા હરિ સિંહનો મોટરકાફલો હંકાર્યો ત્યારે શેખ અબ્દુલ્લાએ પોતે અને પછી તેમનો સાદ દોહરાવી લોકોએ ‘મહારાજા બહાદુર કી જય !’ના પોકારો કર્યા. બગાવતી મિજાજ બદલ જતે દહાડે ‘શેર-એ-કાશ્મીર’નું બિરુદ પામનાર શેખ અબ્દુલ્લાની ‘રાજભક્તિ’નો છલકાટ દેખી હરિસિંહને આનંદ કરતાં આશ્ચર્ય વધુ થયું હોય તો કહેવાય નહિ. હકીકતે તો આશ્ચર્ય પામવાનુંય કારણ ન હતું. આદમખોર વાઘ પોતાનો મતલબ સાધવા ક્યારેક અગિયારસ કરે પણ ખરો.

જેલવાસી પંડિત નેહરુ મે, ૧૯૪૫માં છૂટ્યા, એટલે શેખ અબ્દુલ્લાએ છૂટકારાનો દમ ખેંચ્યો. લોકપ્રિયતાનાં નવાં શિખરો સર કરવાનો મોકો ભાળી તેમણે પંડિત નેહરુને તથા સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનને નેશનલ કોન્ફરન્સના વાર્ષિક અધિવેશનમાં મુખ્ય મહેમાનો તરીકે આમંત્ર્યા. અધિવેશન કાશ્મીરના સોપોર ખાતે ઓગસ્ટ, ૧૯૪૫ દરમ્યાન યોજાયું, જેમાં ૨૦,૦૦૦ જણાએ હાજરી આપી. સરહદના ગાંધી અને નેહરુ પણ મંચ પર હતા. નેશનલ કોન્ફરન્સે ઠરાવ મૂકી કાશ્મીરના ભાવિ અંગે self-determination/ આત્મનિર્ણયની માગણી કરી, જેમાં દેખીતી રીતે અલગતાવાદની તીવ્ર ગંધ આવતી હતી.

નવાઇ છે કે સરહદના ગાંધી કે પંડિત નેહરુ ગંધ પારખી શક્યા નહિ. ઊલટું, બેય જણાએ બહારવટિયા પ્રકૃતિના શેખ અબ્દુલ્લાને પાનો ચડે એવાં પ્રવચનો કર્યાં. અધિવેશનના શ્રોતાઓને સંબોધન કરતી વખતે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનના શબ્દો : ‘શેખ અબ્દુલ્લા અલ્લાહ દ્વારા મળેલી ભેટ છે, માટે જો તેમને ન અનુસરો તો દુઃખી થવાના છો.’

નખશિખ રાષ્ટ્રવાદી અને ધર્મનિરપેક્ષ સરહદના ગાંધીને એ સાદી વાતનો ખ્યાલ કેમ ન આવ્યો કે તેઓ અલગતાવાદી શેખ અબ્દુલ્લાને રોકવા-ટોકવાને બદલે રીતસર બગાવતે ચડવાની નિસરણી આપી રહ્યા હતા ? પંડિત નેહરુએ તો તેમના પ્રવચનમાં હદ કરી નાખી. આ હતા તેમના શબ્દો : ‘બિનમુસ્લિમોએ જો કાશ્મીરમાં રહેવું હોય તો તેમણે નેશનલ કોન્ફરન્સમાં જોડાવું રહ્યું–નહિતર પછી તેઓ વતનને (કાશ્મીરને) ગુડબાય કરી દે. નેશનલ કોન્ફરન્સ સાંગોપાંગ રાષ્ટ્રવાદી સંગઠન છે. હિંદુઓ તેમાં ન જોડાય તો પણ તે રાષ્ટ્રવાદી જ રહેવાનું છે. પંડિતો જો તેના સભ્ય ન બને તો પછી તેમની સુરક્ષાની કશી જ ગેરન્ટી નથી.’ કહેવું પડે નેહરુના ‘જ્યોતિષજ્ઞાન’નું, કારણ કે ૪૬ વર્ષ પછી કાશ્મીરના લગભગ ૫,૦૦,૦૦૦ પંડિતોને રાતોરાત તેમનાં ઘરબાર છોડાવીને હાંકી કાઢવામાં આવ્યા. કબૂલવું પડે કે નેહરુ મૂલ્યનિષ્ઠતાના આદર્શોને વરેલા પ્રભાવશાળી નેતા હતા, પરંતુ રાજનીતિના તેમજ રાષ્ટ્રીય એકતાના મામલે કેટલાક આદર્શો તદ્દન અનાવશ્યક, અવહેવારુ તેમજ ક્યારેક તો ભયંકર હદે અનિષ્ટકારી હોય એ વાત કદી તેમના ધ્યાનમાં આવતી ન હતી.

સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનના તથા પંડિત નેહરુના મોઢે પ્રશસ્તિગાન સાંભળીને શેખ અબ્દુલ્લાની સત્તા મેળવવાની તલપ અને સાથે તુંડમિજાજ પણ આસમાને પહોંચ્યા. ગાંધીજીએ ‘હિંદ છોડો !’નું એલાન ૧૯૪૨માં આપેલું તેમ શેખે મહારાજા હરિ સિંહને રુખસત આપવા ‘કાશ્મીર છોડો !’ આંદોલન શરૂ કર્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૪૬ની સાલમાં જે ‘અમૃતસર કરાર’ની રૂએ શીખ મહારાજા રણજિત સિંહના ડોગરા સેનાપતિ ગુલાબ સિંહને (હરિ સિંહના પરદાદાને) જમ્મુ-કાશ્મીર ₹૭૫,૦૦,૦૦૦માં વેચેલું તે સમજૂતી પણ રદ કરવા માટે શેખ અબ્દુલ્લાએ જાહેર દેખાવો યોજાવ્યા. તોફાનો પણ કરાવ્યાં, એટલે મહારાજાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા નછૂટકે તેમને જેલમાં નાખ્યા. નેહરુએ તે પગલું ભરવા બદલ આકરા શબ્દોમાં મહારાજા હરિ સિંહને ઠપકાનો પત્ર લખ્યો એટલું જ નહિ, પણ અબ્દુલ્લાને તાત્કાલિક છોડી મૂકવા તેમને હુકમ કર્યો. હુકમ ફરમાવવાની તેમને સત્તા ન હતી. આઝાદી પહેલાંના તે અરસામાં જમ્મુ-કાશ્મીર સ્વતંત્ર રાજ્ય હતું અને મહારાજા હરિ સિંહ તેના સ્વામી હતા.

બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્રતા આપવાનું નક્કી કર્યું અને દેશના ભાગલા પાડ્યા એ સાથે ભારતની તવારીખમાં ‘કાશ્મીર પ્રશ્ન’ નામનું કેવું લોહિયાળ અને દસકાઓ લાંબું પ્રકરણ લખાવું શરૂ થાય તેની નેહરુ સહિતના નેતાઓને કલ્પના ન હતી. શેખ અબ્દુલ્લાનો ખરો વિલનપાઠ પણ ત્યારે જ શરૂ થવાનો હતો અને તેનાં વિઘાતક પરિણામો આપણે રોજેરોજના ખૂનખરાબા તરીકે વેઠ્યાં કરવાનાં હતાં.

રાજકીય નિરીક્ષકો પૈકી કેટલાકનું અનુમાન છે કે સરદાર પટેલ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર માટે ખાસ આગ્રહી ન હતા. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં આક્રમણ કર્યું એ પછી જ તેમનું વલણ બદલાયું હતું. આમાં તથ્ય કેટલું તે કોણ જાણે !

આઝાદી વખતના પ્રસંગો એકંદરે જાણીતા હોવા છતાં કેટલીક અજાણી વિગતો : વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને કરેલી જાહેરાત મુજબ દેશી રાજ્યો-રજવાડાં પોતપોતાની મરજી અનુસાર ભારત સાથે અગર તો પાકિસ્તાન સાથે જોડાવા મુક્ત હતાં. ભાગલા બાદ ભારતના હિસ્સે જે પ્રદેશ આવે ત્યાંનાં દેશી રાજ્યો-રજવાડાંને ભારતમાં વિલીનીકરણ માટે સમજાવવાની જવાબદારી વચગાળાની સરકારના વડા પ્રધાન પંડિત નેહરુની હતી. સરદાર પટેલ એ વખતે ગૃહપ્રધાન હોવા ઉપરાંત માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા. વાઇસરોય માઉન્ટબેટને રાજ્યો-રજવાડાં સાથે કામ પાડવા States Department નામનું અલગ મંત્રાલય સ્થાપ્યું. આ મંત્રાલયનો ચાર્જ સ્વાભાવિક રીતે વડા પ્રધાન નેહરુને સોંપવાનો થાય, પણ અન્ય રાજ્યો-રજવાડાંને અવગણી ફરી ફરીને કાશ્મીરના જ મુદ્દા પર આવતા નેહરુ વાઇસરોયને ભારતના એકીકરણની કાર્યવાહી માટે અયોગ્ય લાગ્યા. સરદાર પટેલ તેમના મતે વિલીનીકરણ માટે રાજા-મહારાજાઓનો વિશ્વાસ જીતી શકે તેમ હતા. સરદારને તેમણે ભારત સાથે રાજ્યો-રજવાડાંના જોડાણની કામગીરી સોંપવા રૂબરૂ બોલાવ્યા એ વખતનો રોચક (અને વિચારપ્રેરક પણ) પ્રસંગ તેમણે જ વર્ષો બાદ વર્ણવ્યો :

‘સફરજનનો પૂરેપૂરો ભરેલો કરંડિયો મને આપવાના હો તો તમારી ઓફર મને કબૂલ છે.’ સરદાર પટેલે કહ્યું.

‘મતલબ ?’ માઉન્ટબેટને પૂછ્યું.

‘હું ૫૬૨ (રાજ્યો-રજવાડાંની સંખ્યા) સફરજનોનો કરંડિયો સ્વીકારવા તૈયાર છું. આમાં બે-ત્રણ પણ જો ઓછાં હોય તો આપણે સોદો પડતો મૂકીએ.’

‘હું કોશિશ જરૂર કરીશ, પણ ખાતરી આપી શકતો નથી.’ માઉન્ટબેટને પાળ બાંધી. ‘માનો કે ૫૬૦ સફરજનો હોય તો તમે કરંડિયો સ્વીકારો ?’

‘કદાચ સ્વીકારી લઉં.’ સરદારે જવાબ દીધો. ગર્ભિત રીતે કયો સંકેત તેઓ આપી રહ્યા હતા ? ખૂટતાં જે દેશી રાજ્યો તેઓ જતાં કરવા તૈયાર થયા તેમાં જમ્મુ-કાશ્મીર હતું. રાજકીય નિરીક્ષકો પૈકી કેટલાકનું અનુમાન છે કે સરદાર પટેલ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર માટે ખાસ આગ્રહી ન હતા. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં આક્રમણ કર્યું એ પછી જ તેમનું વલણ બદલાયું હતું. અનુમાનમાં તથ્ય કેટલું તે કહી શકાય નહિ.

હૈદરાબાદના નિઝામે તથા જૂનાગઢના નવાબે તો ભૌગોલિક વાસ્તવિકતા ઉપરાંત વસ્તીમાં હિંદુ બહુમતીને ગણકાર્યા વગર પાકિસ્તાન સાથેનું જોડાણ નક્કી કરી નાખ્યું, પણ જમ્મુ-કાશ્મીરના હરિ સિંહ અવઢવમાં હતા. પાકિસ્તાન સાથે રાજ્યને ભેળવાય તો હિંદુ ડોગરાઓનું તથા પંડિતોનું ભાવિ જોખમમાં આવી પડે તેમ હતું. વિલીનીકરણ ભારતમાં કરાય તો તેમણે રાતોરાત પોતાનું ૧૦૧ વર્ષ જૂનું રાજપાટ ગુમાવવાનું થતું હતું. વિચારશક્તિમાં અને તર્કશક્તિમાં હરિ સિંહ કાચા પડી રહ્યા હતા. ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ની તારીખ ક્યારની વીતી ચૂકી, છતાં તેઓ નિર્ણય પર આવી શક્યા નહિ. એકમાત્ર પગલું એ ભર્યું કે સપ્ટેમ્બર ૨૨, ૧૯૪૭ના રોજ કારાવાસી શેખ અબ્દુલ્લાને છોડી મૂક્યા.

કાચિંડાની જેમ સ્થિતિ તથા સ્વાર્થ પ્રમાણે રંગ બદલી શકતા અબ્દુલ્લાએ ચાર દિવસ પછી સપ્ટેમ્બર ૨૬, ૧૯૪૩ના રોજ શાહીને બદલે મધ ભરેલી ફાઉન્ટન પેન વડે મહારાજાને પત્ર લખ્યો : ‘ભૂતકાળમાં જે બન્યું તે, પણ (આજે) હું આપ નામદારને ખાતરી આપું છું કે આપના પ્રત્યે તથા આપની રાજગાદી અને રાજવંશ પ્રત્યે હું તેમજ મારો પક્ષ વફાદાર છીએ. આપના ધ્યેયને સિદ્ધ થતું રોકનાર દખલબાજોને અમે દુશ્મન ગણીશું.’

આ સરાસર છળ હતું, જેની પાછળ શેખની છૂપી ગણતરી ‘વિદેશી’ મહારાજાને હાંકી કાઢી ભારતના સૌથી વિશાળ દેશી રાજ્ય જમ્મુ-કાશ્મીરને પોતાની શેખાયત બનાવવાની હતી. પ્રપંચદાવ ખેલવા માટેનો સમય ક્યારનો પાકી ચૂક્યો હતો, કેમ કે ભારતને આઝાદી મળ્યાના ચાલીસેક દિવસ પછીયે જમ્મુ-કાશ્મીરનું ભાવિ હજી બે દેશો વચ્ચે લટકતું હતું. શેખ અબ્દુલ્લા જેલમાં રહીને સોગઠીઓ મારી શકે તેમ ન હતા. છૂટકારો થયો, એટલે કામ સરળ બન્યું.

શેખની પહેલી ચાલ સાચા અર્થમાં વજીર ચાલ હતી. વિલીનીકરણને લગતા State Departmentનો હવાલો સરદાર પટેલના હસ્તક હોય ત્યાં સુધી પોતાનો મનસૂબો ન ફળી શકે એ વાત સારી રીતે જાણતા શેખ અબ્દુલ્લાએ પંડિત નેહરુને શીશામાં ઉતાર્યા. કઇ જાતની સંમોહનવિદ્યા અજમાવી તે કોણ જાણે, પરંતુ થોડા વખત બાદ નેહરુએ જમ્મુ-કાશ્મીર પૂરતો ચાર્જ સરદાર પાસેથી છીનવી લીધો. સરદાર પટેલ બીજાં દેશી રાજ્યો-રજવાડાં સાથે કરે એવો જ વ્યવહાર જમ્મુ-કાશ્મીર સાથે કરે, એટલે મોટા ભાગે રાજ્ય ભારતમાં વિલીન થતાં અબ્દુલ્લા તેના એકચક્રી શાસક બની શકે નહિ. સરદારને ખસેડાવી શેખ અટક્યા નહિ. ગોપાલસ્વામી આયંગરને જમ્મુ-કાશ્મીરનો મામલો સોંપાય એવું તેમણે નેહરુને સૂચવ્યું અને નેહરુએ તે સ્વીકારી લીધું. ગોપાલસ્વામી આયંગર ૧૯૩૭-૧૯૪૩ દરમ્યાન જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન (હરિ સિંહના દીવાન બહાદુર) રહી ચૂક્યા હતા. શેખ અબ્દુલ્લાને તેમની જોડે સારો મનમેળ હતો. નેહરુએ આયંગરને પોતાની કેબિનેટમાં પોર્ટફોલિઓ વગરના પ્રધાન તરીકે સામેલ કર્યા, પણ સરદાર પટેલના હસ્તકનું કાર્ય આયંગરના હાથમાં ગયું એ સીરિઅસ વાત હતી. વિશેષ સીરિઅસ વાત એ કે અમુક હદે તેમના લીધે આપણા રાજ્યબંધારણમાં જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી ૩૭૦મી કલમનું ઉંબાડિયું ખોસાવાનું હતું. શેખ અબ્દુલ્લાએ બીજી ચાલ એ ખેલી કે સરદાર દ્વારા નીમવામાં આવેલા કાશ્મીરના તત્કાલીન વડા પ્રધાન મેહરચંદ મહાજનને કઢાવ્યા અને પોતે વડા પ્રધાનની ખુરશી પર બિરાજ્યા.

આ ઘટનાક્રમ ચાલ્યો એ દરમ્યાન ઓક્ટોબર ૨૨, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને કાશ્મીર પર ઓચિંતો હુમલો કર્યા બાદ પહેલું ભારત-પાક યુદ્ધ સળગ્યું હતું. યુદ્ધની કથા હવે તો જાણીતી હોવાને લીધે અહીં દોહરાવવાની ના થાય, છતાં કેટલાક મુદ્દાઓ તે દરેકમાં રહેલી ગંભીરતાને ધ્યાનમાં લેતાં નોંધવા રહ્યા. પાકિસ્તાનના મેજર-જનરલ અકબર ખાનની સરદારી હેઠળ પેશાવર બાજુના પઠાણ, મસૂદ, આફ્રિદી, હઝારા વગેરે પહાડી જાતિના આક્રમણખોરો મુઝફ્ફરાબાદ, દોમેલ, મીરપુર, તિથવાલ, ભિમ્બર તેમજ કોટલીના સરહદી નાકે ચડી આવ્યા તે પછીની જ વાત બહુ સંક્ષિપ્તમાં બનાવોના ક્રમ મુજબ કરીએ.

વિલીનીકરણના મામલે ‘જો’ અને ‘તો’ વચ્ચે લાંબો સમય ઝોલાં ખાતા રહેલા મહારાજા હરિ સિંહ

ઉપર્યુક્ત બધાં ગામો-નગરો દુશ્મનોના હાથમાં ગયા બાદ શ્રીનગર પણ જોખમમાં આવી પડ્યું ત્યારે મહારાજા હરિ સિંહ ૨૫મી ઓક્ટોબરે શ્રીનગર છોડી આખી રાત મોટરપ્રવાસ કર્યા બાદ સવારે જમ્મુ પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કરવાનો દસ્તાવેજ તેમણે બનાવી દીધો હતો. રવાના થતાં પહેલાં ભારતને પાઠવેલો લશ્કરી સહાયનો વિનંતીપત્ર નવી દિલ્લીને મળી ચૂક્યો હતો. મેહરચંદ મહાજન એ વખતે મહારાજાના માજી વડા પ્રધાન હતા. સમય ગુમાવ્યા વગર તેઓ પણ નવી દિલ્લી પહોંચી ગયા હતા.

ઇમરજન્સીના ધોરણે મીટિંગ યોજવામાં આવી, જેમાં મેહરચંદ મહાજન, વડા પ્રધાન નેહરુ, સરદાર પટેલ, દેશી રાજ્યો-રજવાડાંને લગતી બાબતોના સવિચ વી. પી. મેનન અને સંરક્ષણ મંત્રી બલદેવ સિંહ સામેલ હતા. મહાજને ભારપૂર્વક જણાવ્યું કે, ‘કોઇ પણ ભોગે શ્રીનગરને બચાવવું જોઇએ.’ (મહારાજા હરિ સિંહની જેમ મહાજન પણ કાશ્મીરના ડોગરા હતા). તાબડતોબ લશ્કર મોકલવાની તેમણે દરખાસ્ત મૂકી ત્યારે નેહરુ પોતાને સૂઝ્યાં તેવાં બહાનાં કાઢવા લાગ્યા. નેશનલ કોન્ફરન્સ પક્ષના શેખ અબ્દુલ્લા તરફ નેહરુનો ઝોક હોવાનું જાણતા મહાજને પિત્તો ગુમાવ્યો : ‘વિલીનીકરણનો દસ્તાવેજ તમને મળી જશે–અને પછી કાશ્મીરની લોકપ્રિય કહેવાતી પાર્ટીને બધી સત્તા આપી તમારા મનોરથો પૂરા કરજો ! બાકી આજે સાંજ સુધીમાં જો ભારતીય લશ્કર શ્રીનગર નહિ પહોંચે તો હું લાહોર પહોંચીને ઝીણા સાથે વાટાઘાટો કરીશ !’

આ સાંભળીને નેહરુનું મગજ છટક્યું અને તેમણે કહી દીધું : ‘મહાજન, અહીંથી જતા રહો !’ મહાજન તરત રૂમની બહાર નીકળવા ઊભા થયા, પણ સરદાર પટેલ તેમનો હાથ પકડી બોલ્યા : ‘નહિ મહાજન, તમે પાકિસ્તાન જતા નથી.’ ઇતિહાસની કેટલી નાજૂક ઘડી હતી ! શ્રીનગરનું પતન થવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા હોય ત્યારે મહારાજા હરિ સિંહના એકમાત્ર પ્રતિનિધિને કાઢી મૂકવાનું અવિચારી પગલું ભરનાર નેહરુ માટે શું કહીએ ? આ કાશ્મીરી પંડિતને એટલો પણ ખ્યાલ કેમ ન આવ્યો કે ખુદ તેમનું મૂળ વતન શત્રુદેશનો કોળિયો થવાનું હતું અને ત્યાર પછી તેમના જ લાખો જ્ઞાતિબંધુ કાશ્મીરી પંડિતોએ સાંપ્રદાયિક પાકિસ્તાનમાં અન્યાયો તથા અપમાનો વેઠીને જીવવું પડે તેમ હતું !

આટલેથી નેહરુની બેફિકરાઇનો છેડો આવ્યો નહિ. ઇતિહાસ તથા ભૂગોળ બન્ને હંમેશ માટે બદલાય એવી નોબત વખતે લશ્કર મોકલવા અંગે ફરી ખાસ મળેલી બેઠક દરમ્યાન નેહરુ અલકમલકની વાતો કરવાના મૂડમાં હતા. વર્ષો પછી ડિસેમ્બર ૧૮, ૧૯૯૪ના રોજ એક વરિષ્ઠ લેખક-પત્રકારને આપેલી મુલાકાતમાં ફીલ્ડ માર્શલ (૧૯૪૭માં લેફ્ટનન્ટ-કર્નલ) સામ માણેકશાએ જણાવ્યું તેમ નેહરુ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા, રશિયા, આફ્રિકા, ઇશ્વર અને બીજા કેટલાય વિશે બોલતા રહ્યા. આખરે સરદાર પટેલ ગુસ્સે ભરાયા અને કડક અવાજે નેહરુને પૂછ્યું : ‘જવાહરલાલ, તમારે કાશ્મીર જોઇએ છે ? કે પછી આપી દેવું છે ?’ નેહરુએ કહ્યું, ‘બેશક, મને કાશ્મીર જોઇએ છે.’ સરદાર બોલ્યા : ‘તો પછી મહેરબાની કરીને લશ્કર મોકલવાનો ઓર્ડર આપો !’ નેહરુના જવાબની રાહ જોયા વિના સરદાર પટેલ લેફ્ટનન્ટ-કર્નલ સામ માણેકશા તરફ ફર્યા : ‘જાવ, તમને ઓર્ડર મળી ગયો!’ ડાયરેક્ટર-જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ/ DGMOનું પ્રતિનિધિત્વ કરતા માણેકશા તરત બહાર નીકળી ગયા. વિમાનો દ્વારા તાકીદે લશ્કર મોકલવાનું શરૂ કર્યું.

વિલંબનું માઠું ફળ તો જાણે ભોગવવાનું થયું, પણ ત્યાર બાદ વધુ બે કારણોસર બાજી ઓર બગડી જવા પામી. (૧) પાકિસ્તાન અને ભારત બેયના સેનાપતિઓ અંગ્રેજ હતા.
પાક હુમલાખોરોનું ઘોડાપૂર આપણા જવાનોએ જાનના જોખમે અટકાવ્યું એટલું જ નહિ, પણ દુશ્મને જીતેલો કેટલોક પ્રદેશ પાછો મેળવ્યો
‘ઓપન સિક્રેટ’ છે કે ૧૯૪૭-૪૮ના એ યુદ્ધ દરમ્યાન તેઓ એકમેકના રેડિઓ સંપર્કમાં હતા. વિસ્તારવાદી રશિયાને અરબી સમુદ્ર તરફ અને ત્યાંથી આરબજગતના પેટ્રોલિયમ ભંડારો તરફ આવતું રોકવા બ્રિટન કાશ્મીરનો કંઇ નહિ તો ઉત્તરી વિસ્તાર ‘બફર ઝોન’ તરીકે પાકિસ્તાનના હાથમાં જાય તેમ ઇચ્છતું હતું. આથી ભારતનો અંગ્રેજ સેનાપતિ જનરલ રોબર્ટ લોકહાર્ટ આપણા સૈન્યની આગેકૂચમાં રોડાં નાખતો રહ્યો. લેફ્ટનન્ટ-જનરલ એલ. પી. સેન તેમના પુસ્તક Slander was the Threadમાં લખે છે તેમ હિમાચ્છાદિત પહાડોના એક મોરચે ભારતીય જવાનો શત્રુને મારી હટાવતા હોય ત્યારે જનરલ લોકહાર્ટનું દિલ્લીસ્થિત આર્મી હેડક્વાર્ટર્સ તેમને એ મોરચો છોડી બીજે મોરચે તાબડતોબ પહોંચવાનો હુકમ વાયરલેસ દ્વારા આપતું હતું અને ત્યાં જવાનોએ ભીષણ હુમલા વેઠવા પડતા હતા ! (૨) આમ છતાં દુશ્મનના હાથમાં ગયેલા પ્રદેશને આપણા જવાનો સંગીન લડત આપી પાછો મેળવ્યે જતા હતા. (જુઓ, નકશો). ચાલબાજ લોર્ડ માઉન્ટબેટન પલટાતી બાજીને કેવી રીતે સાંખી લે ? પંડિત નેહરુને તેમણે યુનોની સલામતી સમિતિના આંગણે ટહેલ નાખવા જણાવ્યું. નેહરુએ સલાહ માન્ય રાખી. યુદ્ધવિરામ જાહેર કરી દીધો. જમ્મુ-કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ ‘હાથમાં તેના મોંમાં’ના ન્યાયે પાકિસ્તાનના હાથમાં જતો રહ્યો, જે કદી પાછો મળવાનો ન હતો.
શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના સર્વસત્તાધીશ બનવાનો જે અજેન્ડા ઘડેલો તેના અમલમાં હવે શું ખૂટતું હતું ? ભારત સાથેનો છેડો ફાડી નાખવાનું અને તે જો શક્ય ન જણાય તો પછી જમ્મુ-કાશ્મીર માટે વિશિષ્ટ એટલે કે વિશેષાધિકાર ભોગવી શકાય એવો ખાસ બંધારણીય દરજ્જો મેળવવાનું કામ હજી બાકી હતું. આ મેલી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તેમણે પેંતરાઓ રચવાનું શરૂ કર્યું. ઇન્ટેલિજન્સ બ્યૂરો/ IBના પ્રથમ ભારતીય ડાયરેક્ટર ટી. જી. સંજીવી પિલ્લઇએ શેખનું બંડખોર વલણ જોતાં (ગૃહપ્રધાન સરદાર પટેલની સૂચનાથી) કાશ્મીરમાં અમુક કાગડોળાના જાસૂસો નીમ્યા હતા. એક બાહોશ IB ઓફિસરના હાથ નીચે તેઓ કાર્ય બજાવતા હતા.
 
જાન્યુઆરી, ૧૯૪૯માં ભારત સરકારને ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા રિપોર્ટ મળ્યો કે શેખ અબ્દુલ્લાએ બે વિદેશી પત્રકારોને મુલાકાત આપી હતી, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. મુંબઇથી પ્રગટ થતા Blitz સાપ્તાહિકના ફાયરબ્રાન્ડ તંત્રી આર. કે. કરંજિયાએ પોતાનાં સૂત્રો દ્વારા બાતમી મેળવીને તે મુલાકાતને લગતો અહેવાલ છાપ્યો. વડા પ્રધાન નેહરુએ શેખ અબ્દુલ્લા પાસે જવાબ માગ્યો ત્યારે ખંધા શેખે પત્તો લગાવ્યો કે કાશ્મીર ખાતેના કયા IB ઓફિસરે નવી દિલ્લીને ખૂફિયા રિપોર્ટ પાઠવ્યો હતો. નેહરુને તેમણે પત્ર લખી તે IB ઓફિસરને પાછો બોલાવી લેવા જણાવ્યું અને જો તેમ ન કરાય તો ઓફિસરને જેલમાં પૂરી દેવાની ધમકી પણ નેહરુને આપી.
 
કાશ્મીરના મહારાજા હરિ સિંહના પુત્ર યુવરાજ કરણ સિંહ, જેઓ પણ પિતાની જેમ ફક્ત નામ પૂરતા યુવરાજ રહી ગયા હતા
આ તો હદુપરાંતનું બ્લેક મેઇલિંગ હતું. રાજ્ય સરકારનો વડો ભારત સરકારના વડાને હુકમ ફરમાવી રહ્યો હતો–એટલે કે પૂંછડી કૂતરાને પટપટાવતી હતી. કાશ્મીરની એ વખતની નાજૂક અને સ્ફોટક રાજકીય પરિસ્થિતિ જોતાં નેહરુ લાચાર બન્યા. સરદારની માફક પડકારોને સામી છાતીએ ઝીલવાને બદલે ‘કજિયાનું મોં કાળું’ જેવું વલણ અપનાવી નમતું જોખી દેવું તે આમેય નેહરુની મોટી કમજોરી હતી. ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર ટી. જી. સંજીવી પિલ્લઇએ વિરોધ કર્યો છતાં વડા પ્રધાન નેહરુએ કાશ્મીર ખાતેના IB ઓફિસરને પાછો બોલાવી લીધો. દસ ટકા આશ્ચર્યની, તો નેવું ટકા આઘાતની વાત છે કે ત્યાર પછી જમ્મુ-કાશ્મીરનો ચાર્જ ઇજવંત સિંહ હસનવાલિયા નામના શીખ ઓફિસરને ‘જહાઁપનાહ’ અબ્દુલ્લાની રીતસર અનુમતિ મેળવ્યા બાદ સોંપ્યો. ઇજવંત સિંહ આર્મી માજી લેફ્ટનન્ટ-કર્નલ હતા. અબ્દુલ્લાના દુર્ભાગ્યે બુદ્ધિચાતુર્યના મામલે એ સરદારજી ચાણક્યના બીબામાં ઢળેલા હતા. શેખની એકેય હિલચાલ તેમના ધ્યાનબહાર જવાની ન હતી.
 
ઇન્ટેલિજન્સ બ્યૂરો / IBનું છૂપું મથક શ્રીનગરના ગુપકર રોડ પર હતું. ઇજવંત સિંહ હસનવાલિયા ત્યાં બેસતા હતા, જ્યારે તેમના ઉપરી (IBના ડેપ્યૂટી ડાયરેક્ટર) ડી. ડબ્લ્યૂ. મેહરાનું મુખ્યાલય અમૃતસરમાં હતું. ઇન્ટેલિજન્સ બ્યૂરોની દિલ્લી કચેરી સાઉથ બ્લોકમાં હતી. ‘રાવ બહાદુર’ એવા તખલ્લુસ વડે ઓળખાતા ટી. જી. પિલ્લઇ ત્યાંથી IBના સંપૂર્ણ નેટવર્કનું સંચાલન કરતા હતા. સૌથી ભારે જવાબદારી ઇજવંત સિંહ હસનવાલિયાના શિરે હતી. આ રાષ્ટ્રવાદી શીખનાં સરાહનીય જાસૂસી પરાક્રમો ખાસ પ્રકાશમાં આવવાનાં ન હતાં. થોડોક પ્રકાશ અહીં પાડીએ.
 
જમ્મુ-કાશ્મીરને અને તેના ભેગો પોતાને વિશિષ્ટ દરજ્જો અપાવવા માગતા શેખ અબ્દુલ્લા નવી દિલ્લીને બ્લેક મેઇલ કરવામાં થોડા વખત પછી છેલ્લા પાટલે જઇ બેઠા. વિલીનીકરણ બાદ અને ત્યાર પછીના ભારત-પાક વિગ્રહ, ૧૯૪૭-૪૮ બાદ મહારાજા હરિ સિંહ તેમના કારસાવ્યૂહમાં મોટી અડચણ હતા. જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન મેહરચંદ મહાજનને તગેડી મૂકવામાં શેખ કામિયાબ નીવડ્યા હતા અને પોતે વડા પ્રધાન થયા હતા. આમ છતાં હરિ સિંહ જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં નામ પૂરતાય મહારાજા હોય ત્યાં સુધી શેખ પોતાના રાજકીય કાવાદાવા સ્વતંત્ર રીતે અને ખાસ તો સ્વચ્છંદી રીતે ખેલી શકે તેમ ન હતા. આથી પંડિત નેહરુને તેમણે ફરી અલ્ટિમેટમ મોકલ્યું : ‘મહારાજા હરિ સિંહ ત્યાગપત્ર આપી રાજ્ય છોડી જાય, નહિતર જમ્મુમાં મુસ્લિમોની સામૂહિક હત્યા કરાવવાના આરોપસર તેમને જેલમાં નાખી દેવાશે !’
 
શેખ અબ્દુલ્લાની ગુસ્તાખી જુઓ. જમ્મુ-કાશ્મીરમાં મહારાજા હરિ સિંહ કેંદ્ર સરકારના પ્રતિનિધિની હેસિયત ધરાવતા હતા. શેખને અધિકાર નહોતો કે મહારાજાને તેઓ જેલભેગા કરે, છતાં શેખને પોતાની હેસિયતનું ભાન કરાવતો અરીસો દેખાડવાને બદલે કેંદ્ર સરકારે મહારાજા હરિ સિંહને ત્યાગપત્ર આપવા જણાવ્યું. મે, ૧૯૪૯માં મહારાજાએ ગાદી છોડી, ત્યાર બાદ રાજ્ય પણ છોડ્યું અને તેમના પુત્ર યુવરાજ કરણ સિંહે મહારાજાના એજન્ટ તરીકેનો હોદ્દો સંભાળ્યો. પરાધીનતાની આવી સ્થિતિ પિતા-પુત્ર બેય માટે અપમાનજનક હતી. હરિ સિંહ મુંબઇમાં સ્થાયી બન્યા. ફરી ક્યારેય પણ કાશ્મીર ગયા નહિ. મુંબઇ ખાતે ઘોડાઉછેરના કામમાં મન પરોવી બાકીનું જીવન વીતાવ્યું.

ઇજવંત સિંહ હસનવાલિયાએ જમ્મુમાં તથા કાશ્મીરમાં ગુપ્ત બાતમી પ્રાપ્ત કરવા ઘણી જગ્યાએ ખૂફિયા કેન્દ્રો સ્થાપ્યાં. પાકિસ્તાન ૧૯૪૭-૪૮ના યુદ્ધમાં રાજ્યનો સંપૂર્ણ પ્રદેશ જીતી શક્યું ન હતું, એટલે તેણે સેબોટાજની પ્રવૃત્તિ શરૂ કરી હતી. ઇજવંત સિંહને ખબરીઓ દ્વારા જાણવા મળ્યું કે શેખ અબ્દુલ્લાના સમોવડિયા તેમજ સ્પર્ધી ગુલામ મોહિનુદ્દીન કારાને વડા પ્રધાનપદથી વંચિત રાખવા ઉપરાંત તેમને કેબિનેટમાં પ્રધાનપદ સુધ્ધાં શેખે આપ્યું નહોતું, એટલે ગુલામ કારા પાકિસ્તાની કુહાડાનો હાથો બન્યા હતા. પાકિસ્તાન તેમની અને તેમના સાથીદાર પીર મકબૂલ ગિલાનીની મદદથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા લાગ્યું. ઇસ્લામના નામે બન્ને જણા કાશ્મીરી યુવાનોને ધાર્મિક ઝનૂનનો પાનો ચડાવતા, સેબોટાજની તાલીમ લેવા પાક કબજા હેઠળના કાશ્મીરમાં મોકલતા અને ત્યાંથી પાછા આવી શસ્ત્રસજ્જ યુવાનો ભાંગફોડ કરતા હતા.

ઇજવંત સિંહનું જાસૂસીતંત્ર સતર્ક હતું અને સર્વત્ર હતું. સ્થાનિક લોકોને પૈસા આપતાં તેઓ આતંકખોરોની હિલચાલ અંગેની માહિતી ઓકી કાઢતા હતા. પાકિસ્તાનથી રવાના કરાયેલાં શસ્ત્રોનાં ઘણાં કન્સાઇનમેન્ટ આંતરી લેવામાં આવ્યાં. વધુ પુરવઠો તેમાં ધડાકા માટેના દારૂગોળાનો હતો. ઇજવંત સિંહે ભારતવિરોધી તત્ત્વોના દરેક ભૂગર્ભ અડ્ડાનો પત્તો લગાવી ધીમે ધીમે આતંકખોરોને ઠેકાણે પાડી દીધા. કમનસીબે તે રાહત માત્ર વચગાળાની સાબિત થવાની હતી.

કાશ્મીરના વડા પ્રધાનનો દરજ્જો મેળવી લીધા પછી શેખ અબ્દુલ્લાની કલમમાંથી શાહીને બદલે ભારત વિરુદ્ધ વિષ ટપકવા માંડ્યું

સૌથી ખતરનાક ‘આતંકવાદી’ જો કે ખુદ શેખ અબ્દુલ્લા હતા. એક તરફ પંડિત નેહરુ જોડે સારાસારી જાળવી બીજી તરફ કેંદ્ર સરકાર સામેના છૂપા બળવાને છડેચોકનો બનાવ્યો. જબાનને છૂટી મૂકી જાહેરસભાઓમાં તેઓ જેહાદી હાકલ જેવાં ઝેરી ભાષણો કરવા લાગ્યા. પ્રજામાં ઝેર ફેલાવતા દરેક ભાષણ બાદ પંડિત નેહરુ તેમને હળવા ઠપકાનો પત્ર લખી પોતાનું દાયિત્વ પૂરું થયાનું માનતા હતા. ઠપકાની ભાષા માત્ર શિખામણ આપ્યા જેવી હતી. એક ભાષણમાં શેખે ગર્જના કરી કે, ‘કાશ્મીર માટે હું ભારત પાસે આર્થિક મદદની ભીખ માગવા કરતાં મરી જવાનું પસંદ કરું !’ કાશ્મીર જાણે ભારતનો હિસ્સો ન હોય એમ બેયને તેમણે એકમેક કરતાં જુદાં ઓળખાવ્યાં. નેહરુએ ફરી ઠપકાનો પત્ર મોકલ્યો, જેને શેખે અચૂક કચરાટોપલીના હવાલે કર્યો હોવો જોઇએ.

‘શેર-એ-કાશ્મીર’ ગણાતા અને જંગલના રાજા શેરની જેમ સમગ્ર જમ્મુ-કાશ્મીરના એકચક્રી સત્તાધીશ બનવા માગતા અબ્દુલ્લાએ મહારાજાની સત્તા નાબૂદ કરાવવામાં નેહરુની મદદ લીધેલી, છતાં જમ્મુ-કાશ્મીરમાં પોતાનું વર્ચસ્વ નેહરુની એકધારી મદદ વડે જ ટકી શકે એ સ્થિતિ તેમને મંજૂર ન હતી. નેહરુ પોતે આજે હોય ને કાલે નહિ. આમ પણ બન્ને વચ્ચે દોસ્તીભર્યા સંબંધોની આવરદા ટૂંકી હતી, કેમ કે શેખ મર્યાદા પર મર્યાદા ઓળંગી રહ્યા હતા.

બધી મર્યાદાઓને પાર કરી જતો આખરી દાવ ખેલવા માટે સરસ બહાનું હતું. યુનોના ઠરાવ મુજબ ભારતે જમ્મુ-કાશ્મીરમાં plebiscite/ જનમત યોજવાનું કબૂલ્યું હતું. મહારાજા હરિ સિંહે ભલે તેમના રાજ્યને ભારત સાથે જોડ્યું, પણ કાશ્મીરની પ્રજાએ તે નિર્ણયને સમર્થન આપ્યા પછી જ જોડાણ કાયદેસરનું અને કાયમી ગણાવાનું હતું. આ મુદ્દો શેખ અબ્દુલ્લાએ ઉઠાવ્યો. જોવાની વાત છે કે અગાઉ તેઓ જોડાણને પોતાનું સમર્થન આપી ચૂક્યા હતા. પાકિસ્તાનમાં રાજ્યને ભેળવ્યા બાદ ત્યાંના રાજકારણમાં તેમનો ગજ ન વાગે એ દેખીતું હતું, માટે ભારત સાથે અતૂટ બંધન થયાનો માહોલ તેમને એ વખતે ખડો કરવો હતો. હવે સ્થિતિ જુદી હતી. સત્તાનો અલગ ચોકો રચવા માટે અનુકૂળ હતી.

શેખે દાવપેચોની શતરંજનું એક પછી એક મહોરું શી રીતે ચલાવી અંતે ભારત સરકારને (આજની સ્થિતિ જોતાં તો ભારતને જ) બંધારણની ૩૭૦મી કલમ વડે checkmate કર્યું તેનો ક્રમ જરા તપાસીએ.

જમ્મુ-કાશ્મીરમાં યુનોની દેખરેખ હેઠળ જનમત લેવાય એ પહેલાં વચગાળાના સમય દરમ્યાન રાજ્યના સરકારી વહીવટને લગતાં તેમજ ભારત જોડે તેના સંબંધોને લગતાં અમુક ધારાધોરણો નક્કી કરવાં જોઇએ. આથી નવી દિલ્લીમાં મે ૧૪, ૧૯૪૯ના રોજ પંડિત નેહરુ, સરદાર પટેલ, શેખ અબ્દુલ્લા, ડો. રાજેન્દ્રપ્રસાદ વગેરે ચર્ચા-વિચારણા માટે ભેગા મળ્યા. મીટિંગમાં નક્કી થયું કે જમ્મુ-કાશ્મીરના પુખ્ત વયના પ્રજાજનો મતદાન વડે રાજ્યની બંધારણ સભા માટે સભ્યોને ચૂંટી કાઢે અને તે સભા ત્યાર પછી ધારાસભા તરીકેનું કાર્ય પણ સંભાળી લે. વચગાળાના સમયમાં જમ્મુ-કાશ્મીરના સંરક્ષણની, વિદેશનીતિની અને સંદેશાવ્યવહારની બાબતો કેંદ્ર સરકારને હસ્તક રહે, જ્યારે બાકીના વિષયોનો સવાલ હતો ત્યાં સુધી મહારાજા હરિ સિંહે ઓક્ટોબર ૨૬-૨૭, ૧૯૪૭ની રાત્રે લખી આપેલા વિલીનીકરણના દસ્તાવેજની કલમો મુજબ કાર્યવાહી ચલાવવાની હતી.

ન ભુલાય કે શેખ અબ્દુલ્લા શરૂઆતમાં તો જનમત લેવા તૈયાર જ ન હતા. યુનોની સલામતી સમિતિએ નીમેલા ચૂંટણી નિરીક્ષક એડમિરલ નિમિટ્ઝને તેમણે સાફ પરખાવેલું કે કાશ્મીર આવતા નહિ ! (દુનિયાના સૌથી વિશાળ કદના વિમાનવાહક જહાજ USS Nimitzનું તે એડમિરલની યાદમાં નામાભિધાન કરાયું છે). કાશ્મીરની પ્રજાકીય લાગણીને વાચા આપનારો ‘શેર-એ-કાશ્મીર’ બેઠો હોય ત્યાં સુધી જનમતની શી જરૂર ? હવે એ જ શેખસાહેબ રાજ્યની Constituent Assembly/ બંધારણ સભાના ગઠન માટે પ્રજામતનું જ પ્રતિબિંબ ઝીલતી ચૂંટણી યોજવા કેમ તૈયાર હતા ? સ્પષ્ટ કારણ એ કે હિંદુ બહુમતીના ભારતમાં અલ્પસંખ્યક કાશ્મીરી મુસ્લિમોની સલામતી ન જળવાય એમ સૂચવતાં ઝેરીલાં ભાષણો કરીને તેમણે લોકોના દિલોદિમાગ પર પોતાની ‘મસીહા’ જેવી છાપ પાડી દીધી હતી. ચૂંટણીમાં તેમનો નેશનલ કોન્ફરન્સ પક્ષ મેદાન મારી જાય એ નક્કી હતું.

બિલકુલ એમ જ બન્યું. મહારાજા હરિ સિંહ વતી રાજગાદી સંભાળતા યુવરાજ કરણ સિંહે ચૂંટણીને લગતો આદેશ મે ૧, ૧૯૫૧ના દિવસે જારી કર્યા પછી ઓગસ્ટમાં મતદાન યોજવામાં આવ્યું. શેખ અબ્દુલ્લાએ જાતે પસંદ કરેલા નેશનલ કોન્ફરન્સના ઉમેદવારોએ તમામ ૭૫ બેઠકો જીતી લીધી. ઇન્ટેલિજન્સ બ્યૂરો/ IBના નવા ડાયરેક્ટર ઇજવંત સિંહ હસનવાલિયાએ રિપોર્ટ પાઠવ્યો કે હરીફ પક્ષોના ઉમેદવારોએ ભરેલા કેટલાય અરજીપત્રો નકારી કાઢવામાં આવ્યા હતા. શેખસાહેબના રાજદરબાર જેવી બંધારણ સભાએ ત્યાર પછી તો રાજાશાહી નાબૂદ કરી, એટલે યુવરાજ કરણસિંહ રાજવી મટીને ફક્ત સરદ-એ-રિયાસત (ગવર્નર) રહ્યા. હવે જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ પણ હતો. (નીચેનું ચિત્ર). રાજ્ય સરકારનો વડો બીજાં રાજ્યોની જેમ મુખ્ય પ્રધાન નહિ, પણ વડો પ્રધાન ગણાવાનો હતો. વિશેષ આઘાતજનક વાત એ કે ભારત સાથે જમ્મુ-કાશ્મીરના સંબંધો ભવિષ્યમાં કેવા પ્રકારના રહે તે બંધારણ સભા નક્કી કરવા માગતી હતી.

સંબંધો કેવા પ્રકારના રહે તેનું ‘ટ્રેઇલર’ તો ખુદ શેખસાહેબ જ પોતાના બેફામ શબ્દો વડે કેંદ્ર સરકારને દેખાડવા લાગ્યા. પાકિસ્તાનને તેમજ ભારતને તેમણે આર્થિક તેમજ રાજદ્વારી પાર્ટનર તરીકે ઓળખાવ્યા. બન્ને દેશો સાથે મૈત્રી જાળવવાની ઇચ્છા તેમજ જમ્મુ-કાશ્મીરને ‘પૂર્વનું સ્વિટ્ઝરલેન્ડ’ બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો. અહીં નોંધવાનું થાય કે સ્વિટ્ઝરલેન્ડ એટલે હંમેશાં તટસ્થ રહેલો દેશ, જેને બીજા એકેય દેશ સાથે લશ્કરી કે રાજકીય જોડાણ નહિ. યુનોનું પણ સભ્યપદ ટાળનાર સ્વિટ્ઝરલેન્ડ દરેકેદરેક બાબતે સ્વતંત્ર, માટે તેનો નામોલ્લેખ કરનાર શેખ અબ્દુલ્લાની બદદાનત ખુલ્લી પડતી હતી. બળવાખોરીમાં હજી આગળ વધી તેમણે જાહેરમાં નવો ધડાકો કર્યો : ‘હું તમને યાદ અપાવું કે ઓગસ્ટ ૧૫થી ઓક્ટોબર ૨૨, ૧૯૪૭ સુધી આપણું રાજ્ય સ્વતંત્ર રાષ્ટ્ર હતું. પરિણામે આપણી કમજોરીનો લાભ ઉઠાવી પડોશી દેશે લશ્કરી હુમલો કર્યો. શી ખાતરી કે ભવિષ્યમાં આપણે પાછા એવા જ હુમલાનો શિકાર ન બનીએ ?’ ભાવિ હુમલાખોર પડોશી દેશ કયો તેનો ફોડ શેખે ન પાડ્યો, પણ દેખીતું છે કે ‘પડોશી’ શબ્દ પાકિસ્તાન ઉપરાંત ભારતને પણ લાગુ પડતો હતો. ખરું જોતાં બગાવતનાં વિધાનો દ્વારા પ્રપંચી શેખ છેવટે તો બીજાં રાજ્યો કરતાં વિશિષ્ટ દરજ્જો આપતી કલમ (૩૭૦) ભારતના રાજ્યબંધારણમાં સામેલ કરાવવાની ભૂમિકા તૈયાર કરતા હતા.

કયો દેશભક્ત આવી સદંતર વિપરિત અને વિકૃત પરિસ્થિતિને સાંખી લે ? સૌપ્રથમ તો જમ્મુમાં બહુમતી ધરાવતા હિંદુ, શીખ તથા ડોગરા પ્રજાજનો વિફર્યા. લોકતાંત્રિક ભારત સાથે તેમને ભળવું હતું. શેખ અબ્દુલ્લા ફક્ત કાશ્મીર ખીણના નેતા હતા, જમ્મુના નહિ. લદ્દાખના બૌદ્ધો સાથે પણ અબ્દુલ્લાને લેવાદેવા ન હતી અને ત્યાંના સર્વમાન્ય નેતા કુશાક બાકુલાને પ્રધાનમંડળમાં સ્થાન પણ આપ્યું ન હતું. કાશ્મીરી પંડિતોય ભારત સાથે જોડાણના આગ્રહી હતા.

જમ્મુના પ્રજા પરિષદ પક્ષે આપખુદ શેખના અલગતાવાદ સામે આંદોલન શરૂ કર્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેને ટેકો આપ્યો, તો બીજી તરફ આંદોલનનું નેતૃત્વ લેવા પંડિત નેહરુની કેંદ્ર સરકારના ઉદ્યોગમંત્રી ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામું મૂકી દીધું. રાજકીય લડત માટે તેમણે ઓક્ટોબર ૨૧, ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની (ભાજપના મૂળ અવતારની) સ્થાપના કરી. જમ્મુવાસીઓને તથા કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવા તેઓ ઝુંબેશ માટે કાશ્મીર ગયા ત્યારે રાજ્યમાં પરમિટ વગર દાખલ થયાના ગુનાસર શેખ અબ્દુલ્લાએ તેમને ગિરફતાર કરાવી નજરકેદની સજા આપી.

ધરપકડનું પગલું ભરવામાં શેખ અબ્દુલ્લાને પંડિત નેહરુનો પૂરો ટેકો હતો. નેહરુ એટલે સુધી બોલ્યા કે કાશ્મીરનું વાતાવરણ બગાડવામાં સંપૂર્ણ દોષ પ્રજા પરિષદનો હતો. નેહરુને શેખ પ્રત્યે અતિમાત્રાનો પક્ષપાત હોવાનું કારણ પામવું મુશ્કેલ હતું, પણ તે અંગે જાત જાતની અટકળો થયા કરવાની હતી. ચાલીસેક દિવસ પછી સંજોગોએ અણધાર્યો વળાંક લીધો. જૂન ૨૩, ૧૯૫૩ના દિવસે શ્રીનગર ખાતે જ નજરકેદ ભોગવતા શ્યામાપ્રસાદ મુખરજી (બાજુનું ચિત્ર) રહસ્યમય સંજોગોમાં અવસાન પામ્યા. આ મહાન દેશભક્ત સાથે કરાયેલા દુર્વ્યવહારે આખા ભારતમાં અને વધુ તો પશ્ચિમ બંગાળમાં સખત આક્રોશ ફેલાવ્યો. શ્યામાપ્રસાદના અંગત તબીબ ડો. બિધાનચંદ્ર રોયે (વખત જતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને) ક્રોધિત સાદે ફરિયાદ કરી કે, ‘શ્યામાપ્રસાદની માંદગી અંગે મને કેમ જણાવ્યું નહિ ?’ શેખ અબ્દુલ્લાએ ત્યારે પોતાના જાહેર ભાષણ દરમ્યાન તેજાબ ઓક્યો : ‘આ કોમવાદી લોકોના ભારતમાં આપણા જમ્મુ-કાશ્મીરને માનભર્યું સ્થાન મળે તેમ નથી !’ કેટલાક સમય પછી અમેરિકી રાજદૂત એડલાઇ સ્ટીવનસનને આપેલી (The New York Timesમાં છપાયેલી) મુલાકાતમાં જણાવ્યું : ‘એક સમય આવશે જ્યારે હું ગુડબાય કરી દઇશ ! જમ્મુ-કાશ્મીરે પાકિસ્તાનના કે ભારતના ઉપાંગ તરીકે રહેવું જરૂરી નથી.’

જમ્મુનું પ્રજા પરિષદ સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શ્યામાપ્રસાદે સ્થાપેલો જનસંઘ અને (જમ્મુ-કાશ્મીરમાં શીખ લઘુમતી કોમ પણ હોવાને લીધે) અકાલી દળના માસ્ટર તારાસિંહ નીચે મુજબના સ્લોગન વડે આંદોલન ચલાવી રહ્યા હતા.

एक देश में दो विधान

एक देश में दो निशान

एक देश में दो प्रधान

नहीं चलेंगे, नहीं चलेंगे

(विधान = કાશ્મીરનું જુદું સંવિધાન, निशान = કાશ્મીરનો જુદો ધ્વજ, प्रधान = કાશ્મીરનો વડો પ્રધાન)

શેખ અબ્દુલ્લા સાથે તાર્કિક રીતે કામ પાડવું અશક્ય હતું. બીજી તરફ (મુખ્યત્વે પંડિત નેહરુના મતે) શેખનો અનાદર પણ કરી શકાય તેમ ન હતો, કેમ કે પાકિસ્તાનનો ડોળો જમ્મુ-કાશ્મીર પર હતો અને રાજ્યનો ૩૫% કરતાં વધુ પ્રદેશ હજી પાક કબજા નીચે હતો. કોઇક વચલો માર્ગ કાઢવાનું જરૂરી હતું. આથી ‘વચગાળાની વ્યવસ્થા’ તરીકે રાજ્ય અને કેંદ્ર વચ્ચેના સંબંધોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. પંડિત નેહરુના પ્રતિનિધિ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોપાલસ્વામી આયંગર શ્રીનગર ગયા અને નેશનલ કોન્ફરન્સની કાર્યકારી સમિતિ સમક્ષ રજૂ કર્યો. સમિતિએ તેને નામંજૂર ઠરાવીને એ મુસદ્દો આયંગરને પકડાવ્યો કે જે શેખ અબ્દુલ્લાએ તૈયાર કર્યો હતો. સમજૂતી થવા ન પામી. આયંગર ખાલી હાથે દિલ્લી પાછા ફર્યા. શેખ અબ્દુલ્લાની કેટલીક માગણીઓને સ્વીકારતો નવો મુસદ્દો બનાવવામાં આવ્યો. આયંગર વળી શ્રીનગર પહોંચ્યા, પરંતુ એ નવો ઢાંચો પણ શેખને માન્ય ન હતો.

આ દરમ્યાન ભારતદ્વેષી પશ્ચિમી દેશોના પ્રભાવ નીચેની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા/ UNO ચૂકાદો આપી ચૂકેલી કે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાના ગઠન માટે ચૂંટણી યોજવામાં આવી તે plebiscite/ જનમત ગણાય નહિ. હવે યુનો સંસ્થા લશ્કર પાછું ખેંચી વહેલી તકે જનમત યોજવા ભારત પર દબાણ કરવા લાગી. પડકારો સામે ક્યારેય સામી છાતીએ લડી ન જાણતા પંડિત નેહરુએ આખરે શેખ અબ્દુલ્લાની લગભગ બધી શરતો ભારતના રાજ્યબંધારણની કલમ ૩૬૦A માં સામેલ કરી, જે કલમ અંતે વિવાદાસ્પદ અને લોકશાહીથી વિપરિત કલમ ૩૭૦ બની. ડો. ભીમરાવ આંબેડકરે તો એ કલમનો બહિષ્કાર જ કર્યો.

જમ્મુ-કાશ્મીરની તુલનાએ બાકીનાં રાજ્યોને ફાસફૂસિયાં સાબિત કરતી ૩૭૦મી કલમ અન્યાયપૂર્ણ હતી–અને છે. વાંધાજનક જોગવાઇઓ :

ભારતનો પ્રત્યેક નાગરિક ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે અન્ય રાજ્યોનો (તથા કેંદ્રશાસિત પ્રદેશોનો) નાગરિક પણ આપોઆપ ગણાય છે, પરંતુ ભારતનું નાગરિકત્વ મળ્યું એટલે જમ્મુ-કાશ્મીરનુંય મળી જાય એવું નથી. આપણા માનનીય રાષ્ટ્રપતિ ‘First Citizen of India’ ભલે કહેવાતા, છતાં તેઓ પણ કાશ્મીરના નાગરિક ગણાતા નથી. હાસ્યાસ્પદ નહિ, બલકે તદ્દન હાંસીપાત્ર વાત એ કે જમ્મુ-કાશ્મીરનો પ્રત્યેક નાગરિક ભારતનો પણ નાગરિક છે. ટૂંકમાં, બેવડું નાગરિકત્વ ભોગવે છે. આ તથા બીજા અનેક વિશેષાધિકારો તેને જમ્મુ-કાશ્મીરના ખૂબ જ વિસ્તૃત રીતે લખાયેલા રાજ્યબંધારણે આપ્યા છે. વિસ્તૃત એટલું કે ‘સફારી’ના ગ્રંથાલય માટે વસાવેલો (ફોટામાં બતાવેલો) તેનો ગ્રંથ ૫૭૮ પાનાંનો છે.

જમ્મુ-કાશ્મીરનો ધ્વજ ત્યાંનો ‘રાજ્યધ્વજ’ નહિ, પણ ‘રાષ્ટ્રધ્વજ’ ગણાય છે. શ્રીનગરનાં તથા જમ્મુનાં સરકારી મકાનો પર તેને આપણા ત્રિરંગા કરતાં ઊંચી પાયરીએ ફરકાવાય નહિ, તોય બન્નેનું લેવલ સમાન રખાય તે વાંધાજનક બાબત છે. વળી જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગાનું અપમાન કરવું એ ત્યાંના કાયદા મુજબ ગુનો નથી.

મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરનું ક્ષેત્રફળ માંડ ૧૫,૯૪૮ ચોરસ કિલોમીટર હોવા છતાં ૮૭ સભ્યોની વિધાનસભામાં તેને ફાળવાયેલી બેઠકો ૪૬ છે, જ્યારે ૨૬,૨૯૩ ચોરસ કિલોમીટરના હિંદુ બહુમતીવાળું જમ્મુ ફક્ત ૩૭ વિધાનસભ્યોને ચૂંટીને મોકલે છે અને ૯૬,૭૦૧ ચોરસ કિલોમીટરના લદ્દાખની બેઠકો તો ફક્ત ૪ છે. રાજ્યની વસ્તીમાં ૯૬.૪% મુસ્લિમો છે. સરકારી તંત્રમાં ઘણા ખરા હોદ્દાઓ તેમણે રોકી લીધા છે, માટે જમ્મુના હિંદુ લોકોની જરૂરિયાતો અને ફરિયાદો તરફ ધ્યાન અપાતું નથી. ભેદભાવથી ત્રાસીને લાખો હિંદુઓ રાજ્ય છોડી ગયા છે. ૧૯૪૧માં હિંદુઓની આબાદી ૧૫% નોંધાયેલી, ૧૯૮૧માં ૪% રહી અને હવે ફક્ત ૨.૪૫% છે. (જુઓ, ચાર્ટ). શીખો ૦.૯૮% કરતાં વધારે નથી.

રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા છે. રાજ્યોના ગવર્નરોની નિમણૂંક તેઓ કરે છે. કાશ્મીરમાં ગવર્નર નીમવો હોય તો એ માટે ત્યાંની સરકારની અનુમતિ મળવી આવશ્યક છે. રાષ્ટ્રપતિએ તો કેંદ્ર સરકારની સલાહને અનુસરવાનું હોય, તેથી મતલબ એ થયો કે ભારત સરકારે રાજ્ય સરકારની મંજૂરી લેવી જોઇએ. ભારત સરકાર એ રીતે નીચલી પાયરીની સાબિત થાય છે !

આપણે ત્યાં કોઇ પણ રાજ્યની વ્યક્તિને બીજા કોઇ પણ રાજ્યમાં જમીન-મકાન ખરીદવાની છૂટ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં નહિ. આ રાજ્યના ફક્ત permanent residents/ કાયમી રહીશોને ત્યાં મિલકત ખરીદવાની છૂટ છે.

જમ્મુ-કાશ્મીર સરકારે permanent residentsની વ્યાખ્યા એટલી હદે સીમિત બનાવી કે ત્યાંની યુવતી જો રાજ્ય બહારના રહેવાસીને પરણે તો રાજ્યનું નાગરિકત્વ એ ગુમાવી દે. પિતાની વારસાગત મિલકત તો ઠીક, જમ્મુ-કાશ્મીરમાં આવેલી ખુદ પોતાની મિલકત પર તેનો કાનૂની અધિકાર રહે નહિ. આ કાયદાકીય જોગવાઇને ૨૦૦૨માં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ફોક ઠરાવી, તો બે વર્ષ પછી મહેબૂબા મુફતીની PDP સરકારે વિધાનસભામાં Permanent Residents (Disqualification) Bill, 2004 નામનો ખરડો પસાર કરાવ્યો અને હાઇકોર્ટના ચુકાદાને રદબાતલ ઠરાવ્યો. મેહબૂબા મુફતીના રાજકીય હરીફ ઓમર અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ પક્ષે તેમાં ટેકો આપ્યો.

૧૯૪૭માં ભાગલા વખતે પંજાબ સરહદ પર ચાલતી કાપાકાપીથી બચવા પાકપ્રદેશના આશરે ૬,૦૦,૦૦૦ હિંદુ (તથા શીખ) નિરારશ્રતોએ ત્યાંથી દેશાંતર કરવાનું ટાળ્યું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અનેક શીખોએ સરહદ પાસેના ગુરદાસપુર કે અમૃતસર તરફ જવાને બદલે જમ્મુ જવાનું વધુ પસંદ કર્યું હતું અને આખરે તેઓ જમ્મુમાં જ વસી ગયા હતા. (જુઓ, નકશો). પાકિસ્તાને કબજે લીધેલા કાશ્મીરી પ્રદેશના જે મુસ્લિમો આવ્યા તેમને શેખ અબ્દુલ્લાએ રાજ્યનું નાગરિકત્વ આપ્યું, પણ હિંદુ-શીખોને નહિ. જમ્મુના હિંદુ-શીખને આજેય મતાધિકાર નથી. સરકારમાં નોકરી, સરકારી તબીબી સેવા, રેશનકાર્ડ, સબસીડીનો લાભ, ધંધો કરવા માટે સરકારી લોન, સ્થાવર મિલકતની ખરીદીછૂટ, અભ્યાસ માટે સ્કોલરશિપ, ગ્રામપંચાયતનું સભ્યપદ વગેરે મેળવવાનો તેમને અધિકાર નથી. સમગ્ર ભારતના તેઓ નાગરિક છે, પણ ભારતના જ ભાગરૂપ રાજ્યના નહિ.

બંધારણની ૩૭૦મી કલમના પાપે સર્જાયેલું ઓર ગંભીર અનિષ્ટ તો એ કે તેણે ‘કાશ્મીર પ્રશ્ન’ કહેવાતી બલાનું ઘંટીપડ આપણા ગળામાં પહેરાવ્યું. અન્ય ૨૮ પૈકી એકેય રાજ્યને એ પ્રકારની કલમ થકી અલગ દરજ્જો અપાયો નથી. કાશ્મીરને અપાયો છે, માટે એ રાજ્ય ‘પ્રશ્નરૂપ’ હોવાની છાપ વૈશ્વિક બની ચૂકી છે. ભારતને ઘોંચપરોણા કરવાની આદતવાળા પશ્ચિમી દેશો આપણી સરકારને ‘Kashmir Problem’નો શાંતિમય હલ લાવવાની વણમાગી શિખામણો છાશવારે આપ્યા કરે છે. આ બોગસ શબ્દપ્રયોગ પાકિસ્તાનને તો ખૂબ ફળ્યો છે, કેમ કે આપણે ત્યાં આતંક ફેલાવવાનું તેને એમાં સરસ કારણ મળી આવ્યું છે.

એક ઓર અનિષ્ટ : ૩૭૦મી કલમે કાશ્મીર અને શેષ ભારત વચ્ચે માનસિક જુદાઇની દીવાલ રચી દીધી છે. આ કલમ જ કાશ્મીરી મુસ્લિમોને હિંદુ બહુમતીવાળા ભારતમાં સુરક્ષા બક્ષતી હોવાનો ખ્યાલ અલગતાવાદી તત્ત્વોએ કાશ્મીરી પ્રજાના મગજમાં ઠસાવી દીધો, જ્યારે હકીકતે ઇસ્લામી પ્રજાસત્તાક તરીકે પોતાને ઓળખાવતા પાકિસ્તાન કરતાં વધુ મુસ્લિમો ભારતમાં વસે છે. કોઇને ૩૭૦મી કલમની જરૂર પડી નથી. આ કલમે ‘કાશ્મીર પ્રશ્ન’ નામની બલા પેદા કર્યાને લીધે જ પાકિસ્તાને ચાર વખત ભારત પર યુદ્ધો ઠોકી બેસાડ્યાં છે, જેમાં આપણા બધું મળીને ૯,૪૨૨ જવાનો શહીદ થયા છે. માત્ર કાશ્મીરના આતંકવાદ પૂરતી વાત કરો તો ૧૯૮૮થી મે ૨૫, ૨૦૧૭ સુધીમાં ૯,૭૪૮ જવાનોએ આતંકખોરોનો મુકાબલો કરવા જતાં બલિદાન આપવું પડ્યું છે. ૧૯૮૮ પહેલાંના છૂટપૂટ બનાવો ગણતરીમાં લો તો મૃત્યુઆંક ૧૦,૦૦૦થી વધી જાય છે.

આ ગોઝારા સિલસિલા પાછળ રહેલો અને જૂજ નિરીક્ષકોએ જ નોંધ પર લીધેલો કટાક્ષ વળી તેની પાછળ રહેલી કરુણતા પામવા ખાતર જાણી લો. લદ્દાખમાં ૮૮% આબાદી ધરાવતા બૌદ્ધો કે જમ્મુમાં ૬૫%ની જનસંખ્યાવાળા હિંદુઓ આતંકવાદ ચલાવતા નથી. ઘણીખરી આતંકી પ્રવૃત્તિ રાજ્યના હિસાબે માત્ર ૧૧.૪૮% ક્ષેત્રફળના પ્રદેશ પૂરતી સીમિત છે. આમાં પણ કાશ્મીરના બેડગામ જિલ્લામાં બહુમતી ધરાવતા શિયા મુસ્લિમો, ઉત્તરના ગુજ્જર તથા બકરવાલ અને કેટલાય સુન્ની મુસ્લિમો પણ આતંકવાદ તરફ વળ્યા નથી. આતંકવાદ વડે વિશેષ પ્રભાવિત પ્રાદેશિક વિસ્તાર ફક્ત ૭.૨% જેટલો છે. કેટલી હદની વિડંબના કે માંડ ખોબા જેવડા એ વિસ્તારે આખા ભારતને બાન પકડી રાખ્યું છે ! શા કારણે? સીધુંસાદું કારણ એ કે આપણે युध्दस्य कृतनिश्चय એવા ગીતાબોધને અપનાવ્યો જ નહિ.

ઇલાજ હવે શો છે ? ઇન્સ્ટન્ટ ધોરણે કારગત નીવડે તેવો ઇલાજ એ કે વિશાળ પ્રદેશના લદ્દાખને તથા જમ્મુને અલગ રાજ્યો જાહેર કરી દો અને ખોબલા જેવા કાશ્મીરને તેના ભરોસે પડતું મૂકી દો. આ ઇલાજ એકદમ રામબાણ છે. આમ છતાં શી વાતે ભારત સરકારના હાથ બંધાયેલા છે કે જેને કારણે આપણા રાષ્ટ્રસપૂત જવાનોના બલિ પર બલિ ચડવાની શૃંખલાને રોકી શકાતી નથી. કાનૂનને જો રાષ્ટ્રીય સુરક્ષા કરતાં ચડિયાતો ગણતા હો તો કાનૂની બંધન એ છે કે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાની મંજૂરી વિના તે રાજ્યનો ભૌગોલિક કે રાજકીય નકશો બદલી શકાય નહિ–અને હવે તો બંધારણ સભાનું અસ્તિત્વ જ નથી. મંજૂરી લેવી શી રીતે ? મંજૂરી લેવાની શી જરૂર ? લોજિકલ રીતે વિચારો : કલમ ૩૭૦ ભારતના રાજ્યબંધારણનો ભાગ છે કે ભારતનું રાજ્યબંધારણ કલમ ૩૭૦નો ભાગ છે? કઇ ફાઇવસ્ટાર હોટલ છે અને કયો તેની બહારનો પાનનો ગલ્લો છે ? જરા ચિંતન-મંથન કરી જોજો. સત્તા મળતી નથી. છીનવવી પડે છે એમ શાંતિ ક્યારેક મળતી નથી; છીનવીને લેવી પડે છે.

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options