Grab the discounts and offers while the stocks last

Nagendra Vijay Community Science Centre Charitable Trust

મારી 62 વર્ષ લાંબી કારકિર્દીમાં એક નવું સોપાન

એક વાત કહેવાનું મન થાય છે. છે તો અંગત, પરંતુ ‘સફારી’ના વાચકો પણ મારી અંગત મૂડી હોવાને લીધે દિલ ખોલીને લખું છું. લખવા માટે સપરમું કારણ સાંપડ્યું છે. વિજ્ઞાન સાહિત્યના વધુ પ્રસાર માટે ચાલુ મહિને ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું છે. નામ છે Nagendra Vijay Community Science Centre Charitable Trust, જેમાં Community તથા Charitable શબ્દો ભારવાચક છે. પહેલો શબ્દ તે ટ્રસ્ટ બહુજનહિતાય હોવાનું સૂચવે છે અને બીજાે શબ્દ ટ્રસ્ટ દ્વારા વહેંચાય તે જ્ઞાનને નિઃશુલ્ક અનુદાન ઠરાવે છે. 

જિંદગીના ૭૯મા વર્ષે આજે સહેજ પાછળ ફરીને નજર કરું છું તો મને પંદરેક વર્ષનો નગેન્દ્ર યાદ આવે છે, જે ક્રાંતિવીર ખુદીરામ બોઝની બલિદાનગાથા વાંચીને ખૂબ રડ્યો. બે-ત્રણ દિવસ અનાજનો દાણો ન ખાધો. ઊંઘી પણ શક્યો નહિ. ખુદીરામ બોઝ પછી રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, બટુકેશ્વર દત્ત, જતીન દાસ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારોનાં જીવનચરિત્રો વાંચ્યા પછી મારો જન્મ રહી રહીને છેક ૧૯૪૪માં થયાનો અફસોસ માનસિક પીડા બન્યો. ભારતમાની સેવા કરવામાં મોડો પડ્યો હતો. રહી રહીને હવે શું કરી શકવાનો હતો?

કંઇક તો કરવું રહ્યું. એક સાંત્વનદાયક વિચાર મનમાં આવ્યો. તરત અમલમાં મૂક્યો. મુંબઇના પરા અંધેરી (પૂર્વ)માં હું રહેતો હતો. પેલી તરફ અંધેરી (પ​શ્ચિમ)માં શિવજીનું મંદિર હતું. ધાર્મિક રિવાજ પ્રમાણે નાની ટબૂડી દૂધ ચડાવવા રોજ જતો હતો. એક દિવસ આચમનીભર પાણી લીધું અને પ્રતિજ્ઞા લીધી કે ‘આજ પછી હું મારા માટે નહિ, પણ મારા સમાજ માટે અને મારા દેશ માટે જીવીશ!’

આજે ૭૯ વર્ષની વયે એ જ ભોલેનાથની સાક્ષીએ કહી શકું કે પ્રતિજ્ઞા લીધા પછી હું ડગ્યો નથી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવ્યું છે. છએક દસકાઓમાં બે-અઢી હજાર પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવ્યું છે અને મેળવેલું જ્ઞાન વહેંચ્યું છે. કોઇ નાણાંકીય અપેક્ષા તેના બદલામાં રાખી નથી. કંઇક આપ્યાનો આનંદ જો કે ભરપૂર માણ્યો છે. જાન્યુઆરી ર૬, ૧૯૭પથી શરૂ કરીને લગભગ ૩પ૦ લેખો ‘ફ્લેશ’ સાપ્તાહિકમાં લખ્યા, ૩૬ લેખો વિજ્ઞાન સામયિક ‘સ્કોપ’માં લખ્યા અને ‘સફારી’નો તો પ્રસ્તુત અંક ૩૪રમો છે. છેલ્લાં ૪ર વર્ષ થયે એક પણ વ્યાપારી જાહેરખબર વગર ‘સફારી’ ચલાવું છું. ઘણી ખરી જાહેરખબરો ખોટા દાવા કરતી હોય છે, જેમનો વિજ્ઞાનમાં આધાર હોતો નથી. પ્રોટિન કે ઓમેગા-3 ધરાવતું શેમ્પૂ તથા હેર ક્રીમ અથવા તો વિટામિનયુક્ત કન્ડિશનર જેવી ચીજોની જાહેરખબરો છેતરામણી હોય છે. વિટામીન કે પ્રોટિન આહાર દ્વારા મળે છે. માણસની ત્વચા તેમને ગ્રહણ કરી શકતી નથી. ફરે એન્ડ લવલી તો વાહિયાત પ્રોડક્ટ છે. આ પ્રકારની જાહેરખબરો છાપીને જે પૈસા મળે તે સાત્વિક ગણાય નહિ, માટે ઘરમાં ન લાવવા જોઇએ. મારા આવા બીજા ઘણા સિદ્ધાંતો છે, જે મેં પોતે ધર્માચરણને ખાતર મારા પર ઠોકી બેસાડ્યા છે. સિદ્ધાંતોને કારણે મારે સતત અગ્નિપથ પર ચાલવું પડ્યું છે, પણ મને તેનો સહેજ પણ રંજ નથી.   મારા ત્રણેય મેગેઝિનોમાં સુશીલ ભાટિયા, બી. એમ. પુરોહિત, દિગંબર વ્યાસ, ડી. એન. કૌશિક, સમર્થ વ્યાસ અને કેપ્ટન વિજય કૌશિક જેવા ૮-૧૦ ઉપનામો હેઠળ ઘણું બધું લખ્યું. ‘ફેક્ટ ફાઇન્ડર’ વિભાગમાં આશરે ૪,૦૦૦ પ્રશ્નોના જવાબો આપ્યા. ‘એક વખત એવું બન્યું’ વિભાગ માટે તો તેનાં દસ-બાર પુસ્તકો થાય એટલું લખ્યું. વિજ્ઞાનલેખો પણ ઓછા નહિ. 

અગાઉ મેં અંક નં. ૩૦૦માં જણાવ્યું તેમ  લખવા માટે સતત બેસી રહેવાની આદતને લીધે આખરે કરોડરજ્જુએ જવાબ માગ્યો. નવેમ્બર, ર૦૦૭માં કરોડરજ્જુના L3 તથા L4 મણકાની ગાદી ફાટી, જેલી બહાર નીકળી અને સિઆટિકા નર્વનું ૭૩% જેટલું કોમ્પ્રેશન કરી નાખ્યું. જમણો પગ પેરેલિસિસને કારણે ખોટો પડી ગયો અને ચાલવાનું અશક્ય બન્યું. તાત્કાલિક ઑપરેશન કરાવ્યું. આજે તો હલનચલન કરી શકાય છે, પરંતુ જમણા પગમાં સંવેદના નથી. લાલ કીડીઓ ચટકા ભરતી હોય એવું લાગે, ક્યારેક વળી કરન્ટ જેવો આંચકો વરતાય અને ચાલતી વખતે શરીરનું સંતુલન બરાબર જળવાય નહિ. આ સ્થિતિમાં ૧પ વર્ષ વીતાવી ચૂક્યો છું અને તે પંદર વર્ષમાં ‘સફારી’ના ૧૭પ અંકો પણ લખ્યા છે. જ્ઞાનની આટલી વહેંચણી કર્યા પછીયે સંતોષ નથી,  કેટલાંક વર્ષ થયે જોતો આવ્યો છું કે બાળકો મોબાઇલ ફોન તરફ ઢળી વાંચનવિમુખ થતાં થાય છે. બૌધિક વિકાસ થવાનાં જે વર્ષો / formative years ગણાય તેમાં વાંચનનો અભાવ તથા મોબાઇલની લત મગજને ખીલવા ન દે. આ વાત ઘણાં માતાપિતાઓ સમજતાં નથી. નાનો અમથો પ્રસંગ મને શી અસર કરી જાય તેનો દાખલો આપું. મુંબઇથી અમદાવાદના પ્રવાસ વખતે મારી બાજુની સીટ પર બેઠેલી મહિલાએ તેના ‘કકળાટિયા’ બાળકને મોબાઇલ પકડાવી દીધો. બાળકે કચકચ બંધ કરી, પણ મારાથી રહેવાયું નહિ. મહિલાને formative year વિશે સમજાવવાનું હજી તો શરૂ કર્યું ત્યાં એ બોલીઃ ‘તમે મારા અંગત મામલામાં દખલ કરી રહ્યા છો!’ વિચાર આવ્યો કે બાળકો માટે હું કંઇક કરી શકું કે નહિ? જવાબ પણ સૂઝયો, એટલે ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની શનિવારીય પૂર્તિ ‘બાળ ભાસ્કર’ માં લખવાનું શરૂ કર્યું છે. પૈસા કમાવાની મને બિલકુલ જરૂર નથી. લખવાનું એક જ કારણ છેઃ ‘Joy of Giving – કંઇક આપ્યાનો આનંદ.’

હવે ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યાનું એ જ છેઃ ‘કંઇક આપ્યાનો આનંદ.’. મારા નામે શરૂ થયેલા ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું. મારા સદાયના શુભચિંતક અને સંસ્કાર સમૃદ્ધ એવા અશ્વિનભાઇ અનમ મેનેજિંગ ટ્રસ્ટીના હોદ્દો સંભાળવા તૈયાર થયા એ બદલ હું એમનો ઋણી છું. અશ્વિનભાઇની વહીવટી કુશળતાનો લાભ ટ્રસ્ટને મળે તે જરૂરી છે. 

‘સફારી’ના અનેક ચાહકો હર્ષલ પબ્લિકેશન્સને આર્થિક સહાય આપવાની ઇચ્છા દર્શાવતા હોય છે, પણ હર્ષલ પબ્લિકેશન્સના માલિક હોવાના નાતે હું એ રીતે પૈસા સ્વીકારી શકું નહિ. હવે તેઓ ટ્રસ્ટને અનુદાન મોકલી શકે છે.

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options