Grab the discounts and offers while the stocks last

અહીં રજૂ કરેલો દિલદ્રાવક લેખ વર્ષોની જહેમત અને દડમજલ બાદ આકાર પામ્યો છે. આપણા માટે દિલદ્રાવક, પરંતુ આપણા તમામ રાજકારણીઓ માટે શર્મનાક છે. છેલ્લાં ૩૯ વર્ષ થયે એક પણ વ્યાપારી જાહેરખબર વિના પ્રગટ થતું જ્ઞાનવિજ્ઞાનનું ‘સફારી’ દર અંકે આવી માહિતીપૂર્ણ લેખો માટે પંકાયેલું અને પ્રતિષ્ઠા પામેલું માસિક છે.

નગેન્દ્ર વિજય

એક ચોંકાવનારો પ્રસંગ વર્ણવતા પહેલાં વર્ષ જણાવી દઇએ : ૧૯૭૯નું હતું. જ્ઞાનવિજ્ઞાનના મેગેઝિન ‘સફારી’ના તંત્રી એ સમયે ‘ફ્લેશ’ નામનું સામયિક ચલાવતા હતા, જેનું સ્લોગન ‘માંડીને વાત કરતું મેગેઝિન’ એવું હતું–અને સાચે જ તેમાં દરેક ઘટનાત્મક વિષય અંગે ‘સફારી’ની જેમ વિગતવાર લેખો અપાતા હતા. સામયિકના ચાર ખબરપત્રીઓ દિલ્લી ખાતે હતા, જેઓ અસલમાં તો ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્ટાફ રિપોર્ટર્સ હતા. એક ખબરપત્રીએ ૧૯૭૯માં તંત્રીની દિલ્લીની મુલાકાત દરમ્યાન જણાવ્યું : ‘આજે રાત્રે તમારો ભેટો એક દાણચોર સાથે કરાવવાનો છે.’ પ્રસ્તાવ નકારી કાઢવા જેવો હતો, કેમ કે લેખક-પત્રકારે દાણચોર સાથે અછડતી પણ લેવાદેવા રાખવાની હોય નહિ. આમ છતાં પોતાના આગ્રહને વળગી રહેલા ખબરપત્રીએ ફોડ પાડ્યો કે મામલો દાણચોરી અંગેનો ન હતો. કંઇક જુદી જ વાત હતી.

રાત્રે ચાંદની ચોક નજીકની પેશાવરી લાલાની રેસ્ટોરન્ટમાં ૩ જણા ભોજનના બહાને મળ્યા. દેખાવે પડછંદ છતાં પહેરવેશે લઘરા જણાતા દાણચોરે પંજાબી લઢણવાળી હિંદીમાં કેટલીક નિરર્થક વાતો કર્યા બાદ પોતાનો જે સાચો અનુભવ વર્ણવ્યો તે આશ્ચર્યની તેમજ આઘાતની મિરશ્રત લાગણી જન્માવે તેવો હતો. આ રીઢો દાણચોર જેમાં વધુ બરકત જણાય એવી ભારતીય ચીજોની પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ સોદાગરો માટે હેરાફેરી કરતો હતો. સરહદે પાકિસ્તાન રેન્જર ફોર્સના સૈનિકોના હાથ ‘ગરમ’ કર્યા પછી ઘૂસણખોરીનું કામ સરળ બનતું હતું. એકવાર જો કે રૂશ્વતની બાબતે રકઝક થતાં મેળ જામ્યો નહિ, એટલે તેને લાહોર ખાતેની કોટ લખપત જેલમાં પૂરી દેવામાં આવ્યો. જેલની લંબચોરસ કોટડીમાં સળિયા પાછળ કેદ થયા બાદ તેણે જે પહેલું દશ્ય જોયું તે અકલ્પ્ય હતું. એક સરદારજી કાળા પથ્થરના ટુકડા વડે પોતાના સંતાનનું નામ ફરી ફરીને લખી રહ્યા હતા. સારી એવી દીવાલને તેમણે એ નામ વડે ભરી દીધી હતી. દાણચોરને પૂછપરછ દ્વારા જાણવા મળ્યું કે સંતાનની યાદમાં ઝૂરતા એ શીખ ડિસેમ્બર, ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન પકડાયેલા ભારતીય યુદ્ધકેદી હતા, જેમને પાકિસ્તાને હજી જેલમાં ગોંધી રાખ્યા હતા. કોટડીમાં બીજા ભારતીય યુદ્ધકેદીઓ પણ હતા.

આ જાણકારી બાદ ‘સફારી’ના તંત્રીએ વધુ માહિતી એકઠી કરી. સૌથી વધુ બાતમી જેમણે આપી તે દેશપ્રેમી તો ખુદ ભૂતપૂર્વ ફૌજી અફસર હતા અને ૧૯૭૧ના યુદ્ધમાં છામ્બ-જુરિયા મોરચે લડ્યા હતા. જિનિવા કરારથી માંડીને ભારતના લશ્કરી કાયદાકાનૂનો સહિત અનેક પાસાં તેમણે સ્પષ્ટ કર્યાં, જે યુદ્ધકેદીઓને સ્પર્શતાં હતાં. (કેટલાક સમય પછી અમુક વિગતો દિલ્લીના ‘ધ સ્ટેટ્સમેન’ દૈનિકે પણ મેળવી હતી). દરમ્યાન પાક જેલોમાં ભારતીય યુદ્ધકેદીઓની તેમજ ભારતમાં તેમનાં પરિવારજનોની હૃદયદ્રાવક સ્થિતિને વર્ણવતો અને દેશના શાસકોની દેશદ્રોહ જેવી બેફિકરાઇને ખુલ્લી પાડતો તીખી શૈલીનો જે લેખ ‘ફ્લેશ’ સામયિકમાં પ્રગટ કરાયો તેણે વાચકોને ચોંકાવી દીધા. પહેલીવાર તેમણે જાણ્યું કે વતનનો સાદ પડ્યે જેઓ રણમોરચે ધસી ગયા એવા ભારતમાતાના કેટલાય વીરસપૂતો પાક જેલોમાં હજી સબડતા હતા. ‘ફ્લેશ’નો લેખ વાંચ્યા બાદ એક વાચકે પ્રતિભાવ દર્શાવતું પરબીડિયું મોકલ્યું. અંદરના કાગળ પર લખ્યું હતું : ‘મારો આત્મા શરીરમાં ક્યાં વસે છે તે મને ખબર નથી, પણ લોહી વિશે જાણું છું. આંગળીના રક્તબિંદુઓ કાઢી બે શબ્દો લખી મોકલ્યા છે.’ શબ્દો હતા : ‘ધન્યવાદ’ અને ‘જય હિંદ’.

૧૯૭૧નું યુદ્ધ ખેલાયાને આજે ૪૭ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પાકિસ્તાનની જેલમાં પૂરાયેલા અને પાશવી અત્યાચારો વેઠી રહેલા ૫૪ ભારતીય જવાનો-અફસરોની નામાવલિ સંરક્ષણ મંત્રાલયની ફાઇલ પર છે. (ફાઇલ નં. 11 (120)/98-D (AG), Ministry of Defence). આમ છતાં તેમને ક્યારનાં મૃત્યુ પામી ચૂકેલા જાહેર કરી દેવાયા છે. સવાલ એ કે નામાવલિ જો નજર સામે હોય તો યુદ્ધકેદીઓની અદલાબદલી વખતે તેમની વાપસીનો આગ્રહ કેમ રખાયો નહિ ?

સીધોસાદો જવાબ : ઇન્દિરા ગાંધી સૌથી મોટાં કસૂરવાર હતાં, જેમને મન આપણા રણવીરો કરતાં રાજકારણ વધુ મહત્ત્વનું હતું. ઇન્દિરાનો જેમણે વિરોધ કર્યો એવા નાયબ સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગત સીનિયોરિટી મુજબ સેનાપતિ ન થાય એ માટે તત્કાલીન સેનાપતિ જનરલ બેવૂરની મુદત ૧૫ દિવસ વધારી દેવામાં આવી, જે દરમ્યાન ભગતની નિવૃત્તિ માટેની તારીખ આવી પહોંચે. ઇન્દિરાની દષ્ટિએ ભગતનો બીજો પણ ‘વાંક’ હતો. સિમલા કરાર મુજબ ૧૯૭૧ની યુદ્ધવિરામ રેખાને Line of Control/LoC/અંકુશરેખામાં ફેરવવાની હતી. સીમાંકનનું કામ જેને સોંપાયું તે ભારતીય ટીમના સૂત્રધાર ભગત હતા. ઇન્દિરા માત્ર નકશા પર આંકણી કરાવી સિમલા કરારનો સુખરૂપ અને ઝડપી અમલ થયાનું દર્શાવવા માગતાં હતાં. ભગતે તે પ્રસ્તાવનો વિરોધ કર્યો, કેમ કે સામસામા કબજા હેઠળના પ્રદેશો વચ્ચેની ભેદરેખા હંમેશાં જમીન પર આંકીને ત્યાં પથ્થરના માર્કર્સ ગોઠવવા જોઇએ. રાષ્ટ્રહિતમાં આવી તકેદારી લેવાનો આગ્રહ રાખ્યાના ‘વાંક’ બદલ લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગત સેનાપતિના પદે ન પહોંચી શક્યા.

ઇન્દિરા ગાંધીએ લશ્કરી વડાઓને આડકતરો સંદેશો એ આપ્યો કે સરકારના ખોટા નિર્ણયને રાષ્ટ્રહિતમાં પણ કદી પડકારો નહિ. યુદ્ધકેદીઓની બાબતમાં પણ તેમનો એ જ પરોક્ષ સંકેત હતો. વડા પ્રધાનના નિર્ણયનો વિરોધ ન કરનાર જનરલ માણેકશાને ફિલ્ડ-માર્શલનો શિરપાવ મળ્યો અને જનરલ બેવૂરને સરકારે ડેન્માર્ક ખાતે રાજદૂત તરીકે નીમ્યા. હવાઇદળના પાયલટોની વાપસી બાબતે અડગ ન રહેલાં એર ચીફ માર્શલ ઓ. પી. મહેરા નિવૃત્તિ બાદ મહારાષ્ટ્રના અને ત્યાર પછી રાજસ્થાનના ગવર્નરનો હોદ્દો પામ્યા. નિવૃત્ત સેનાપતિઓને ગવર્નર કે રાજદૂત તરીકે નીમવાનો ધારો ત્યાર પછી તો કાયમી બન્યો. અમુક સેનાપતિઓ ઘણીવાર સરકારના ખોટા નિર્ણયને પણ નિવૃત્તિ પછીના હોદ્દાને ખાતર સ્વીકારી લેવા માટે લલચાય તેમાં રાષ્ટ્રીય સુરક્ષા ક્યારેક જોખમાય તેમ હતી.

અહીં વિષય જો કે યુદ્ધકેદીઓને લગતો છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનીઓના હાથે પકડાય, પરંતુ દિલ્લીની કૃતનિશ્ચયી સરકારે પાકિસ્તાનનું નાક દાબી તેમને છોડાવી લીધા. છવે પેલા ૫૪ જવાનો-અફસરોનાં આપીજનો પૂછે છે કે ૫૪ જણાનો શો દોષ કે જેમની મુક્તિ ૧૯૭૧ના યુદ્ધ વખતના ૯૩,૦૦૦ પાકિસ્તાની યુદ્ધકેદીઓના સાટામાં કરાવી શકાય તેમ હતી ? આજે ૪૭ વર્ષ પછીએ સવાલ યક્ષપ્રશ્ન જેવો યથાવત્ છે. આજની પેઢી એ ૫૪ રાષ્ટ્રસપૂતોની દુર્દશા અંગે કશું જાણતી નથી, માટે ‘સફારી’ મેગેઝિને આલેખેલી દર્દનાક કથા તેમણે વાંતવા જેવી છે. તાજેતરનાં વર્ષોમાં ભારતીય યુદ્ધકેદીઓ વિશે પ્રાપ્ત થયેલી અનેક વિગતોએ આખી વાતને નવા પરિપેક્ષમાં મૂકી છે. પ્રસ્તુતઅંકના ‘એક વખત એવું બન્યું…’ વિભાગમાં એ તમામ વિગતોને આવરી લેતી કથા રજૂ કરી છે. વાંચ્યા પછી લોહી તપી જવા ઉપરાંત આંખો પણ ભીની થાય એ બનવાજોગ છે.

પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં સામી છાતીએ લડવા ગયેલા ભારતીય જવાનો પૈકી ૫૪ દુર્ભાગી જવાનો-અફસરો એવા છે કે જેઓ જીવંત હોવા છતાં આજ દિન સુધી સ્વદેશ પાછા ફરી શક્યા નથી. પાક જેલોમાં તેઓ વર્ષો થયે સબડે છે અને મુક્તિ અથવા તો મોત ઝંખે છે.

૧૯૭૧ના યુદ્ધ બાદ વાઘા સરહદેથી સ્વદેશ પાછા ફરેલા ભારતીય જવાનો

એક વખત બન્યું એવું કે રાજધાની દિલ્હીના લશ્કરી ક્ષેત્રમાં (આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધ ફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં) દિલ્લી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘા સરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. દિવસ ડિસેમ્બર ૨, ૧૯૭૨નો હતો. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ખેલાયાને બરાબર એક વર્ષ પૂરું થયું હતું. ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા ખાતે જુલાઇ ૩, ૧૯૭૨ના રોજ કરવામાં આવેલા કરાર (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૧૭) મુજબ સામસામા યુદ્ધકેદીઓનું પ્રત્યાર્પણ આરંભાયું હતું. પાકિસ્તાનની સરકાર ભારતના ૬૧૬ યુદ્ધકેદીઓને છોડી રહી હતી, જ્યારે ભારતે તેમની સામે પાકિસ્તાનના ૯૨,૭૫૩ યુદ્ધકેદીઓને મુક્ત કરવાના હતા. ભારત માટે સોદો ખોટનો સાબિત થવાનો હતો.

વિગ્રહનો સદીઓ થયે ચાલ્યો આવતો સ્થાપિત ધારો છે કે વિજેતા દેશ પોતાના યુદ્ધકેદીઓને પહેલાં હેમખેમ પાછા મેળવી લે. વિજયમાં પણ ઉદાર બનવું એવા ઉટપટાંગ ખ્યાલમાં રાચતી ઇન્દિરા ગાંધીની સરકારને તે પ્રણાલિકાગત લશ્કરી ઇજારો ભોગવવાનું જરૂરી ન લાગ્યું. મુક્તિની પહેલ તેણે કરી અને ડિસેમ્બર ૧, ૧૯૭૨ના રોજ પ્રથમ જૂથમાં ૫૪૦ પાક યુદ્ધકેદીઓને છોડી મૂક્યા. પંજાબની વાઘા સરહદે પાક સૈન્યને તેમનો કબજો સોંપી દેવામાં આવ્યો. એક વર્ષ લગી વધુ પડતા અતિથિભાવે તેમની પરોણાગત કરવામાં જાણે કચાશનો વસવસો રહી ગયો હોય તેમ વિદાયના સમયે આપણા લેફ્ટનન્ટ-જનરલ એન. એસ. નાયરે ભારત સરકાર વતી સોગાદો આપી.

પાકિસ્તાનમાં યુદ્ધકેદી તરીકે બંદીવાન જવાનોનો છૂટકારો થયો ત્યારે વાઘા સરહદે તેમના અભિવાદન માટે ભારે મેદની જામી

પાકિસ્તાને ત્યાર પછી ભારતીય યુદ્ધકેદીઓને વાઘા ખાતે મુક્ત કર્યા. સરહદે તેમના અભિવાદન માટે ખાસ્સી મેદની એકઠી થયેલી હતી. યુદ્ધકેદીઓમાં વાયુસેના તથા ખુશ્કીદળના ૩૨ સીનિઅર અને જુનિઅર અફસરો હતા. બાકીના વિવિધ ફૌજી રેન્કના જવાનો હતા. વાયુસેનાના અફસરો ૧૦ હતા, જેઓ એ જ દિવસે ખાસ પ્લેન મારફત દિલ્લીના પાલમ મથકે પહોંચી ગયા. શેષ સૈનિકો-અફસરોએ બીજે દિવસે (ડિસેમ્બર ૨, ૧૯૭૨ના રોજ) અમૃતસરથી ટ્રેન દ્વારા દિલ્લી કેન્ટોનમેન્ટ યાને દિલ્લી છાવણી રેલવે સ્ટેશને પહોંચવાનું હતું, જ્યાં હાજર રહેલાં તેમનાં સેંકડો પરિવારજનોની ધીરજ સમાતી ન હતી.

એક મહિલા દમયંતી તામ્બે નામનાં હતાં, જેમની ધીરજ આકરી કસોટીએ ચડી હતી. હવાઇદળના ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેનાં તેઓ પત્ની અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિઅન હતાં. હવાઇદળના જે દસ અફસરો વિમાન દ્વારા આગલા દિવસે અમૃતસરથી દિલ્લી પહોંચ્યા તેમાં વિજય તામ્બે સામેલ ન હતા. બાબત ચિંતાજનક હતી. પાકિસ્તાને (તેના કહેવા મુજબ) તમામ ભારતીય યુદ્ધકેદીઓને મુક્ત કરી દીધા હતા અને ભારતીય વાયુસેનાએ તેમાંથી પોતાના તમામ અફસરોને જુદા તારવી દિલ્લી મોકલી આપ્યા હતા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે એમાં બાકાત કેમ રહી ગયા એ સવાલ હતો. ડિસેમ્બર ૧, ૧૯૭૨નો દિવસ પૂરો થયા પછી હવે તેમની આશા દિલ્લી કેન્ટોનમેન્ટ (દિલ્લી છાવણી) રેલવે સ્ટેશને આવનારી ટ્રેન પર મંડાયેલી હતી.

દમયંતી તામ્બે જેવી જ ચાતક મનોદશા રેલવે પ્લેટફોર્મ પર બેચેનીપૂર્વક આંટા મારતા જી. એસ. ગિલની હતી, જેમના ભાઇ વિંગ કમાન્ડર એચ. એસ. ગિલનું પણ વાયુસેનાના અફસરો સાથે પાલમ મથકે આગમન થયું ન હતું. ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન પકડાયેલા આપણા બધા યુદ્ધકેદીઓ પૈકી તેમનો ફૌજી દરજ્જો સર્વોચ્ચ હતો. વિંગ કમાન્ડર ગિલ એંગ્લો-ઇન્ડિયન હતા. પિતા શીખધર્મી અને માતા ક્રિશ્ચિયન હતી. રહેઠાણ ચંદીગઢમાં હતું. દિલ્લી કેન્ટોનમેન્ટના રેલવે સ્ટેશને ફરિદાબાદના ડો. રામસ્વરૂપ સુરી પણ તેમના પુત્ર મેજર અશોક સુરીને લેવા આવ્યા હતા. સવા વર્ષ થયે તેમણે પાંચમી આસામ રેજિમેન્ટમાં ફરજ બજાવતા દીકરાનું મોં જોયું ન હતું.

ખાસ વિમાનમાં પાલમ એરપોર્ટ પહોંચેલા સ્ક્વોડ્રન લીડર એ. વી. કામથ (ડાબે) અને ફ્લાઈટ-લેફ્ટનન્ટ જે. એલ. ભાર્ગવ

અમૃતસરથી દિલ્લી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશને આવેલી પહેલી ટ્રેને ડો. રામસ્વરૂપ સુરી, જી. એસ. ગિલ અને દમયંતી તામ્બે એ ત્રણેયને હતાશ કર્યા. લશ્કરી સત્તાવાળાઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે પ્રથમ ટ્રેન મારફત ફક્ત સુબેદાર અને લાન્સ નાયક જેવી કક્ષાના જવાનો આવ્યા હતા. અફસરો બીજી ટ્રેનમાં આવી રહ્યા હતા. કલાકો પછી એ ટ્રેનનું પણ આગમન થયું, પરંતુ અફસરો તેમાં પણ દેખાયા નહિ. આપ્તજનોને ફરી સાંત્વનાનો ડોઝ અપાયો કે બીજી ટ્રેન પણ માત્ર જવાનોને લાવી હતી. હવે પછીની ટ્રેન અફસરોની હતી અને ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે, મેજર અશોક સુરી તથા એચ. એસ. ગિલ નક્કી તેમાં પ્રવાસ ખેડી રહ્યા હતા.

આ ત્રીજી ટ્રેન કદી આવી નહિ. શરમજનક વાત એ છે કે પાક લશ્કરે ભારતીય યુદ્ધકેદીઓનાં નામો લખેલાં ત્રણ લિસ્ટ તૈયાર કર્યાં હતાં. અગાઉ પાક સરકારે બે લિસ્ટ ભારતને મોકલી આપ્યાં હતાં. ત્રીજું લિસ્ટ બાકી હતું, જે પ્રાપ્ત થાય તે પહેલાં સિમલા કરાર પર સહી-સિક્કા કરી નાખવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી તેમના કરતાં સવાયા રાજકારણી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના હાથમાં રમી ગયાં એટલું જ નહિ, પણ તેમનું પાક સરકાર પ્રત્યેનું વલણ અત્યંત કૂણું બન્યું. પાકિસ્તાને યુદ્ધકેદીઓનું ત્રીજું લિસ્ટ આપ્યું નહિ. ખુશ્કીદળના લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગતે આપણા તમામ યુદ્ધકેદીઓને પાછા મેળવ્યા બાદ જ આપણે ત્યાંના પાક યુદ્ધકેદીઓને છોડવા સંરક્ષણ મંત્રાલયને જણાવ્યું, પરંતુ મંત્રાલયે તેમને કોઠું ન આપ્યું. ખરેખર તો નાયબ સેનાપતિ ભગતને બદલે સેનાપતિ જનરલ માણેકશાએ ઇન્દિરા ગાંધીને ચેતવણીનો ઇશારો કરવાની જરૂર હતી.

સંભવ છે કે કર્યો પણ હોય, છતાં લોકશાહીમાં નાગરિક સત્તા/civilian authority સર્વોપરિ ગણાય એવું માનતી સરકારે કદાચ તેમની વાત પણ ધ્યાન પર ન લીધી. સિમલા કરારના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘એખલાસનું વાતાવરણ’ સ્થપાયા પછી સરકાર નવો મુદ્દો કાઢી તેને ડહોળવા નહોતી માગતી એવું સ્પષ્ટ જણાતું હતું. ૧૯૭૧ના વિગ્રહમાં પશ્ચિમ તથા પૂર્વ એમ બન્ને મોરચે જ્વલંત વિજય મળી ચૂક્યા બાદ હવે જૂજ ડઝન જવાનો-અફસરોની જિંદગીનું મહત્ત્વ પણ શું હતું ? ભારત માતાના આવા સપૂતો દેશ માટે લડ્યા હોય તો એ તેમનો ‘દોષ’ હતો.

ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેનાં (છેક ડાબી તરફ ઉપરનો ફોટો) પત્ની દમયંતી તામ્બે, જેમણે પતિના આગમનની રાહ જોવામાં વર્ષો વીતાવી દીધાં. સવારે માથામાં સિંદૂર પૂરવો કે કેમ એ દમયંતી તામ્બેની રોજિંદી મૂંઝવણ બની

લડાઇમાં થતી સામસામી ખુવારીને લગતી કેટલીક બાબતો અહીં જાણી લેવા જેવી છે. ગોલંદાજી કે ગોળીબારમાં અમુક સૈનિકો માર્યા જાય છે, જેમની અંતિમ ઘડીના સાક્ષી એવા સાથીઓ ટુકડી કમાન્ડર દ્વારા મોરચાના કમાન્ડ સેન્ટરને જાણ કરે છે. ઘાયલ સૈનિકોને વહેલી તકે સારવાર માટે બચાવી લેવામાં આવે છે, એટલે તેઓ પણ ગણતરીમાં બાકાત રહી જતા નથી. અમુક યુદ્ધકેદી તરીકે પકડાય છે, જેમની ગિરફતારી સંઘર્ષની અંધાધૂંધી વચ્ચે તેમના સાથીઓના ધ્યાનમાં આવે કે કેમ તેની કશી ખાતરી નહિ. છતાં ધ્યાન પડે તો તેમનાં નામો વાયરલેસ દ્વારા કમાન્ડ સેન્ટરને મોકલી દેવાય છે. છેવટે casualty/ખુવારીના લિસ્ટ પર એવા સૈનિકો બાકી રહી જાય કે જેમણે રણમોરચે જાન ગુમાવ્યો, યુદ્ધકેદી તરીકે પકડાયા કે ઘાયલ થયા તે જાણી શકાતું નથી. આ સૈનિકોને missing in action એવી જુદી શ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. એકંદરે જોતાં તેમની સંખ્યા ઘણી હોય છે.

૧૯૭૧ના યુદ્ધમાં ભારતના પક્ષે તો આવા લાપત્તા જવાનો-અફસરોની સંખ્યા ખાસ્સી રહી, કેમ કે પાક લશ્કરે ઘણાની ગિરફતારી પછી તેમને ઠાર મારી દીધા. ઉપરાંત પોતે કબજે લીધેલા છામ્બ જેવા પ્રદેશોમાં પાકિસ્તાને ભારતના શહીદ જવાનો-અફસરોનાં મૃતદેહો પરત સોંપ્યા નહિ. ભારત હસ્તકના પ્રદેશમાં થયેલા ભયાનક બોમ્બધડાકામાં ફૂંકાઇ જનાર શહીદોનાં અમુક મૃતદેહો તો ઓળખાય તેવા રહ્યા ન હતા. લડાઇના તમામ આંકડા નજર સામે આવ્યા ત્યારે ખબર પડી કે ભારતના કુલ ૩,૮૪૩ પાયલટો, નાવિકો અને જવાનો તથા અફસરોની શહીદી સામે missing in action/લાપત્તા ફૌજીઓની સંખ્યા ૨,૨૨૮ હતી. દરેક ડિવિઝન, રેજિમેન્ટ તથા બટાલિઅનમાં લગભગ એવું જ પ્રમાણમાપ હતું, જ્યારે અમુકમાં તો ચિંતાજનક હદે વધારે હતું. ઉદાહરણ તરીકે પશ્ચિમ મોરચે ૧૦મી ઇન્ફ્રન્ટ્રી ડિવિઝનના ૪૪૦ જવાનો શહીદ થયા, ૭૨૩ ઘવાયા અને ૧૯૦ લાપત્તા બન્યા, પરંતુ ડિવિઝનની સરખામણીએ પાંચમાથી આઠમા ભાગનું સૈનિકબળ ધરાવતી રેજિમેન્ટની વાત કરો તો ૧૫મી રાજપૂત રેજિમેન્ટના ૧૯૦ જવાનો દેશ કાજે મરી ફીટ્યા, ૪૨૫ ઘવાયા અને લાપત્તાની સંખ્યા તો ૧૯૬ હતી.

એક પ્રણાલિકાગત ધારો એ છે કે યુદ્ધવિરામ બાદ સામસામા પક્ષો યુદ્ધકેદીઓનું હસ્તાક્ષર થાય એ પહેલાં દરેકે દરેક સૈનિકના દુઃખદ અંજામને કે સુખદ અસ્તિત્વને લગતી પાકી ખાતરી કરી લેવી જોઇએ. વિજેતા દેશનું પલ્લું એ વખતે ભારે હોય છે, એટલે તે પરાજિત દેશ પાસે સંપૂર્ણ હિસાબ માગી તથા મેળવી શકે છે. આના માટે દેશાભિમાન તથા દેશભક્ત જવાનો પ્રત્યેના દાયિત્વની સભાનતા સિવાય બીજા કશાની જરૂર નથી. આ બન્ને સીધાસાદા ગુણો વિજયના ઉન્માદમાં અને (પાકિસ્તાનના ટુકડા કરી) રાજકીય ઉપલબ્ધિમાં મહાલતી ભારત સરકારે કેમ ન દાખવ્યા તેની વાત જવા દો. મુદ્દાનો પ્રશ્ન એ છે કે આપણા યુદ્ધકેદીઓનાં નામો ગણાવતું ત્રીજું લિસ્ટ તેણે કેમ માગ્યું નહિ ? લિસ્ટ માગવામાં આવ્યું હોત તો અચૂક મળ્યું હોત, કેમ કે બધું મળીને ૯૨,૭૫૩ પાક યુદ્ધકેદીઓ હજી ભારતના કબજામાં હતા. ભારતીય કરતાં પાક યુદ્ધકેદીઓની સંખ્યા દોઢસો ગણી વધુ હોવાને કારણે ભારત પોતાનું ધાર્યું કરાવી શકે તેમ હતું. આ મોકો (દેખીતી રીતે જાણીબૂઝીને) ચૂકી જવામાં આવ્યો. સરહદની પેલી તરફ દુશ્મનની જેલોમાં ગોંધાયેલા દેશભક્ત સપૂતોને પણ થોડા વખત પછી તો સાવ ભૂલી જવામાં આવ્યા.

આ સપૂતોનું અસ્તિત્વ ભારતીય પ્રજાજનો માટે કદાચ અજાણ્યું જ રહ્યું હોત, પણ ૧૯૭૮-૭૯માં અણધારી રીતે ઘટસ્ફોટ થયો. પાકિસ્તાનના ખંધા અને ખટપટી સેનાપતિ જનરલ ઝિયા-ઉલ-હકે ૧૯૭૭માં લશ્કરી બળવા દ્વારા પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરી જેલમાં ધકેલી દીધા. ભુટ્ટો પર રાજદ્વારી પ્રતિસ્પર્ધીની હત્યા કરાવ્યાનો આરોપ હતો, જેના બદલ ઝિયા તેમને ફાંસીએ લટકાવવાનું નક્કી કરીને બેઠા હતા. મોતની સજા કાનૂની રાહે અપાયેલી ગણાય તે માટે અદાલતમાં માત્ર નાટક પૂરતો કેસ ચલાવવાનો હતો.

પાક જેલોમાં કેદ ભારતીય જવાનો વિશે ચોંકાવનારું વિવરણ પોતાના પુસ્તક Bhutto: Trial & Execution માં કરનાર લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડ

વર્ષો પહેલાં બનેલું એવું કે ભુટ્ટોની યુવાન દીકરી બેનઝીર ભુટ્ટો બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતી ત્યારે વિદ્યાર્થીઓના ઓક્સફર્ડ યુનિઅનની તે પ્રમુખ હતી. આ હોદ્દા પર તેનો કાર્યકાળ પૂરો થયો ત્યારે એ પદ વિક્ટોરિયા સ્કોફિલ્ડ નામની અંગ્રેજ વિદ્યાર્થીનીએ સંભાળ્યું. બન્ને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. ઘણા વખત પછી સ્કોફિલ્ડ પત્રકાર અને લેખિકા બની. બ્રિટિશ મેગેઝિન ‘સ્પેક્ટેટર’માં તેના લેખો તથા અહેવાલો છપાતા હતા. બાળકો માટેનાં કેટલાંક સચિત્ર પુસ્તકો તેણે લખ્યાં. બેનઝીર સાથે તેનો સંપર્ક જારી હતો. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પર કેસ ચાલવો શરૂ થયો ત્યારે વિક્ટોરિયા સ્કોફિલ્ડે તેમના વિશે પુસ્તક લખવાનું નક્કી કર્યું, જેમાં મુખ્યત્વે તો કેસને લગતું કડીબદ્ધ વિવરણ આપવા માગતી હતી. પાકિસ્તાનની તેણે મુલાકાત લીધી. કોટ લખપત ખાતે આવેલી જેલમાં અવારનવાર ભુટ્ટોને મળી અને બચાવનામા જેવાં તેમનાં મંતવ્યો નોંધ્યાં. ભુટ્ટોની મનોદશા, જેલના સંજોગો, પહેરેગીરોનો ભુટ્ટો પ્રત્યેનો અમાનવીય વર્તાવ અને બીજી માહિતી એકઠી કરી સ્કોફિલ્ડે તે ભૂતપૂર્વ પ્રમુખની ફાંસી બાદ Bhutto: Trial & Execution નામનું પુસ્તક ૧૯૭૯માં પ્રગટ કર્યું. પાકિસ્તાનમાં જ લાહોર ખાતે આવેલા નફીસ પ્રિન્ટર્સ નામના પ્રેસે તે છાપ્યું.

વિક્ટોરિયા સ્કોફિલ્ડે મર્હૂમ ભુટ્ટોને કોટ લખપત જેલમાં અપાયેલા માનસિક ત્રાસ અંગે માહિતી ટાંક્યા બાદ લખ્યું હતું : ‘કોટ લખપતમાં આવા સંજોગો હોવા સાથે વિશેષમાં ભુટ્ટોને ત્રણ મહિના સુધી વિચિત્ર પ્રકારની તકલીફ અપાતી હતી, જે ખાસ તેમના ‘લાભાર્થે’ હોવાનું તેઓ માનતા હતા. ભુટ્ટોની કોટડી અને બરાકના એરિઆ વચ્ચે ૧૦ ફીટ ઊંચી દીવાલ હતી, પરંતુ તેની પેલી તરફથી રાત્રિના સમયે આવતા હૃદયદ્રાવક બરાડાના તથા ચીસોના અવાજોને રોકી શકતી ન હતી. ભુટ્ટોના એક વકીલે જેલના સ્ટાફને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે અવાજો ભારતીય યુદ્ધકેદીઓના હતા, જેઓ ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન માનસિક સંતુલન ગુમાવી પાગલ બની ચૂક્યા હતા. યુદ્ધકેદીઓની અદલાબદલી કરવામાં આવી ત્યારે ભારત સરકારે તેમને સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ પોતાના વતનનું નામ પણ ભૂલી ચૂક્યા હતા. આથી તેમને કોટ લખપતમાં જ બાકીની જિંદગી પૂરી કરવા બંદીવાન રખાયા હતા.’

વિક્ટોરિયા સ્કોફિલ્ડે પુસ્તકમાં આગળ લખ્યું : ‘ભારતીય બંદીવાનોની માનસિક હાલત અંગે જાણ્યા પછી ભુટ્ટોએ તેમને બીજે ખસેડવાની માગણી કરતો પત્ર જેલના સત્તાવાળાઓને આપ્યો. પત્રની નકલ પોતાના વકીલને સુપરત કરી અને વકીલે તે બધાં અખબારોને મોકલી. ભારતીય કેદીઓને આખરે બીજે ખસેડવામાં આવ્યા. સ્વાભાવિક રીતે જેલના સત્તાવાળાઓ એમ કબૂલવા તૈયાર ન હતા કે જાણીબૂઝીને ભુટ્ટોની ઊંઘને ખલેલ પહોંચાડવામાં આવી રહી હતી. ભુટ્ટો જો કે પોતે વીતાવેલી ઊજાગરાની રાતો ભૂલ્યા નહિ. ફરિયાદોના બીજા પત્રોમાં તેઓ અવારનવાર પાગલોનો ઉલ્લેખ કરતા રહ્યા. ‘પચાસેક જેટલા પાગલોને મારી બાજુના વોર્ડમાં રખાયા હતા. અડધી રાત્રે સંભળાતા તેમના બરાડાને તથા ચિત્કારોને હું કદી ભૂલીશ નહિ.’ એવું તેમણે લખ્યું.

સ્વાભિમાન અને સંવેદના વગરના ભારતીય રાજકારણીઓને બાદ કરો તો વિક્ટોરિયા સ્કોફિલ્ડે કરેલા વર્ણનનો સૂચિતાર્થ દરેક વ્યક્તિ પામી શકે તેમ હતી. સ્પષ્ટ વાત છે કે ભુટ્ટોની કોટડીના બાજુના વોર્ડમાં ભારતીય યુદ્ધકેદીઓને રાતભર પાશવતાની હદે શારીરિક ત્રાસ અપાતો હતો, જે અસહ્ય હોવાને લીધે તેમની થથરાવી મૂકતી ચીસો અટકતી ન હતી. વર્ષ ૧૯૭૮નું કે ૧૯૭૯નું હતું. ૧૯૭૧થી શરૂ કરીને તેમણે સતત આવા જંગલિયાત ભર્યા સિતમો વેઠ્યા હોય તે પણ નક્કી વાત હતી. બનવાજોગ છે કે પુષ્કળ યાતનાઓ સહન કર્યા બાદ અમુક જણા માનસિક સંતુલન ગુમાવી પાગલની અવસ્થામાં સરી ચૂક્યા હોય, પરંતુ યુદ્ધકેદીઓની ૧૯૭૨માં અદલાબદલી કરવામાં આવી તે વખતે પણ શું તેઓ પાગલ હતા ? ભારત પાછા ફરેલા ૬૧૬ યુદ્ધકેદીઓ ત્યારે સાબૂત મગજના હતા, તો બીજા પચાસેક કેમ નહિ ? અને કયો દેશ એવો હોય કે જે પોતાના વીર સૈનિકો-અફસરો પાગલ બની ગયાના બહાને તેમની સાથેનો છેડો ફાડી નાખે ? ઉપરાંત કોટ લખપતના જેલરોએ ભુટ્ટોના વકીલને ભારતીયો પાગલ હોવાનું જણાવ્યું એટલે શું માની લેવું કે તેઓ ખરેખર અસ્થિર મગજના થયા હતા?

વિક્ટોરિયા સ્કોફિલ્ડનું પુસ્તક Bhutto: Trial & Execution પ્રગટ થયાના પગલે ભારતમાં દેકારો મચવો જોઇએ, પણ કશું જ ન બન્યું. ૧૯૭૯માં વડા પ્રધાન મોરારજી દેસાઇની અને (જુલાઇ ૨૮ પછી) ચૌધરી ચરણસિંહની જનતા સરકારો હતી. ઇન્દિરા ગાંધી ત્યાર બાદ એ જ વર્ષે ફરી સત્તા પર આવ્યાં. કોઇ સરકારે આપણા યુદ્ધકેદીઓ અંગે પાકિસ્તાનનો જવાબ માગ્યો નહિ. જવાબ તો ચાંપીને માગી શકાય તેમ હતો, કેમ કે ભારતના ઘણા પાયલટો, જવાનો તથા અફસરો ૧૯૭૧ના તુમુલ સંગ્રામ વખતે પાક દ્વારા જીવતા પકડાયા હોવાના નક્કર પુરાવા હતા. અહીં દષ્ટાંતો તરીકે અમુક જણાની ગિરફતારીના કિસ્સા જોઇએ :

કેપ્ટન ગિરિરાજસિંહ

કેપ્ટન ગિરિરાજસિંહ : આ બાહોશ અફસર પાંચમી રેજિમેન્ટના સભ્ય હતા અને કાશ્મીરના છામ્બ મોરચે લડી રહ્યા હતા. (પાકિસ્તાને છામ્બનો કેટલોક પ્રદેશ યુદ્ધમાં જીતી લીધો હતો). ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પાક લશ્કરે તેમને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને ચાર દિવસ પ્રચારઝૂંબેશના ભાગરૂપે કરાંચી રેડિઓ પરથી તેમના રેકોર્ડેડ શબ્દો પ્રસારિત કરવામાં આવ્યા. કેપ્ટન ગિરિરાજસિંહે તે મેસેજમાં પોતાની માતા રેશમીદેવીને તથા પિતા માનસિંહને પોતે સલામત હોવાના ખબર આપ્યા. પાકિસ્તાન આવા બ્રોડકાસ્ટ દ્વારા પોતાના લશ્કરની સિદ્ધિનો ઢંઢેરો પીટવા માગતું હતું, પણ એમ કરવા જતાં તેણે કેપ્ટન ગિરિરાજસિંહને યુદ્ધકેદી બનાવ્યાની સાબિતી આપી દીધી. આમ છતાં ડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે ૬૧૬ યુદ્ધકેદીઓ સાથે ભારતને તેમનો હવાલો ન સોંપ્યો. બે વર્ષ પછી ૧૯૭૪માં પાકિસ્તાને તેની અટક ખાતેની જેલમાં સજા ભોગવી ચૂકેલા મોહનલાલ ભાસ્કર નામના કેદીને મુક્તિ આપી, જેણે સ્વદેશ આવીને જણાવ્યું કે કેપ્ટન ગિરિરાજસિંહ અટક જેલમાં હતા. ૧૯૮૮માં એટલે કે યુદ્ધનાં ૧૭ વર્ષ બાદ મુક્ત થયેલા મુખ્તિયારસિંહ નામના ભારતીય કેદી દ્વારા ફરી એવા જ સમાચાર મળ્યા. આ કેદીની ચાર દીવારી કોટ લખપત હતી. ભારતે ક્યારના ભુલાવી દીધેલા કેપ્ટન ગિરિરાજસિંહ ત્યાં સબડી રહ્યા હતા.

ફ્લાઈટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત

ફ્લાઈટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત : આગ્રામાં હવાઇદળના એરબેઝ પર ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ ડિસેમ્બર ૯, ૧૯૭૧ના દિવસે આકાશી હુમલા માટે સરહદપાર ગયા, જ્યાં તેમનું પ્લેન તોડી પાડવામાં આવ્યું. હવાઇદળે તેમને missing in action જાહેર કર્યા. પહેલાં તો એમ ધારી લેવાયું કે તેઓ વીરગતિ પામ્યા હતા, પણ મહિનાઓ પછી ઓગસ્ટ ૮, ૯ અને ૧૦, ૧૯૭૨ના લાગલગાટ ત્રણ દિવસોએ પાકિસ્તાને રેડિઓ પર તેમના રેકોર્ડેડ સંદેશા પ્રસારિત કર્યા. (સિમલા કરાર થયાને મહિનો વીતી ચૂક્યો હતો). પાકિસ્તાન હવે આવા બ્રોડકાસ્ટ દ્વારા તેની પાસે હુકમનાં કેટલાંક પત્તા હોવાનું બતાવવા માગતું હતું. સરવાળે થયું એવું કે યુદ્ધકેદીઓના હસ્તાંતર વખતે આપણા જે બંધનમુક્ત હવાબાજો ખાસ પ્લેન દ્વારા પાલમ હવાઇમથકે પહોંચ્યા તેમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત સામેલ ન હતા, જ્યારે પાકિસ્તાન તેઓ જીવંત હોવાનું સ્વીકારી ચૂક્યું હતું.

આ મુદ્દો ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ કદી ન ઉઠાવ્યો. દેશના કાજે લડતા યોદ્ધાની આવી કમનસીબી માત્ર તેના માટે નહિ, પરંતુ તેના કુટુંબીજનો માટે પણ કેટલી હદે કારમી નીવડે તેનો દાખલો મનોહર પુરોહિતનો દીકરો વિપુલ હતો. ૧૯૭૧માં તે બાળક હતો. પિતાની આછીપાતળી યાદો જ તેના મગજમાં અંકાયેલી હતી. પિતાની મુક્તિ અંગે તે પ્રયાસો કરતો રહ્યો, જે ફોગટ હતા. વર્ષો બાદ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગ્રા ખાતે જનરલ મુશર્રફ સાથે શિખર મંત્રણા ગોઠવી ત્યારે આપણા યુદ્ધકેદીઓની મુક્તિ માટે દેખાવો યોજવામાં આવ્યા. દેખાવકારોમાં વિપુલ પણ હતો. પુલિસે તેના સહિત ૧૦ જણાની ધરપકડ કરી, જેને ભારત જેવા દેશમાં સ્વાભાવિક બાબત ગણવી જોઇએ.

મેજર અશોક સુરી

મેજર અશોક સુરી : આ ફૌજી અફસર પાકિસ્તાન સામેના ભૂમિયુદ્ધમાં ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પકડાયા હતા. એક મહિના બાદ જાન્યુઆરી ૬ અને ૭, ૧૯૭૨ની રાત્રે લાહોર રેડિઓ સ્ટેશને ‘પંજાબ દરબાર’ કાર્યક્રમમાં મેજર અશોક સુરીનું નામ જાહેર કર્યું હતું. સિમલા કરાર પછી ઓગસ્ટમાં ફરી રેડિઓ પર બે વખત તેમને યુદ્ધકેદી તરીકે ઓળખાવાયા હતા. પાકિસ્તાને ખુદ આવી કબૂલાત જાહેર કરી, એટલે ભારત સરકાર મેજર સુરીની મુક્તિ અંગે મક્કમ વલણ અપનાવી શકે તેમ હતી. પાકિસ્તાન તે યુવાન અફસરનો હવાલો ન સોંપે તો તેનું નાક દાબી શકાય તેમ હતું, કારણ કે ૯૨,૭૫૩ પાક યુદ્ધકેદીઓ હજી ભારતના કબજામાં હતા. આમ છતાં, યુદ્ધમોરચે મળેલી ફતેહના કેફમાં મસ્ત અને યુદ્ધ પછીના રાજકીય ખેલમાં વ્યસ્ત એવી ઇન્દિરા સરકારે ઇસ્લામાબાદ પર કશું દબાણ ન કર્યું. મેજર અશોક સુરીને mission in action જાહેર કરી ભૂલી જવામાં આવ્યા.

આપણા રાજકારણીઓ પોતાનો સ્વાર્થ પૂરો થયે દેશના રક્ષક જવાનો પ્રત્યે પણ કેવા સંગદિલ બની શકે તે જુઓ : ઘણા વખત પછી મેજર અશોક સુરીએ પોતાના હસ્તાક્ષરમાં લખેલો (અને છૂટકારો પામેલા સદ્ભાગી કેદી દ્વારા મોકલેલો) પત્ર તેમના પિતા રામસ્વરૂપ સુરીને મળ્યો. લખાણની તારીખ ડિસેમ્બર ૭, ૧૯૭૪ની હતી–એટલે કે મેજર ત્રણ વર્ષ થયે પાક જેલમાં કેદ હતા. હસ્તાક્ષરના સરકારી નિષ્ણાતોએ પત્ર તપાસી જણાવ્યું કે અક્ષરો અશોક સુરીના જ હતા. ૧૯૭૫માં બીજો પત્ર મળ્યો. દાણચોરીના કે જાસૂસીના આરોપસર પાક જેલોમાં સજા કાપી ચૂકેલા કેદીઓ મારફત ત્યાર પછી અવારનવાર પિતા રામસ્વરૂપને દીકરા અંગે સમાચાર મળતા રહ્યા. અગાઉ જેનો ઉલ્લેખ કર્યો તે મુખ્તિયારસિંહ નામના કેદીએ ૧૯૮૮માં સ્વદેશ આવ્યા બાદ માહિતી આપી કે મેજર અશોક સુરી કોટ લખપત જેલમાં યાતનાઓ વેઠી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી, નરસિંહ રાવ તથા અટલ બિહારી વાજપેયી એમ ત્રણ વડા પ્રધાનોને રૂબરૂમાં વિનંતીઓ કરીને નાસીપાસ થયેલા રામસ્વરૂપ સુરી અંતે દીકરાનું મોઢું જોયા વિના જ અવસાન પામ્યા. ‘મેરા ભારત મહાન’ એ સૂત્ર તો ક્યારનું અવસાન પામી ચૂક્યું હતું.

ફ્લાઈટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ

ફ્લાઈટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ : આ શીખ પાયલટ ડિસેમ્બર ૪, ૧૯૭૧ના રોજ આપણા હલવાડા રન-વે પર સુખોઇ-7 પ્રકારના વિમાનને દોડાવી અને ટેક-ઓફ કરી પાકિસ્તાનની દિશામાં રવાના થયા ત્યારે યુદ્ધમાં એ તેમનું પહેલું મિશન હતું. દુર્ભાગ્યે હરવિન્દરસિંહ માટે તે છેલ્લું મિશન નીવડ્યું. વિમાનવિરોધી તોપોના ગોળાએ તેમના પ્લેનને વીંધી નાખ્યું અને જાન બચાવવા તેઓ પેરેશૂટ વડે બહાર કૂદી પડ્યા. બીજે દિવસે સવારે ૮:૩૦ વાગ્યે પાક રેડિઓએ તેમની હિરાસતના સમાચાર પ્રસારિત કર્યા. ભારતીય સૈન્યના મોનિટરિંગ સ્ટેશને તે સમાચાર ઝીલ્યા અને પુરાવા માટે તેનું ટેપ રેકોર્ડિંગ કરી લીધું.

આ વતનપરસ્ત હવાબાજના પિતા સ્ક્વોડ્રન-લીડર ગુરુબક્ષસિંહ પોતે ફાઇટર પાયલટ હતા. દેશની સેવા કાજે પોતાની કૌટુંબિક પ્રણાલિકા અનુસાર જુવાન દીકરા હરવિન્દરસિંહને ભારતીય હવાઇદળમાં ભરતી કરાવ્યો હતો. થોડા દિવસ પછી વ્યથિત બાપને એરફોર્સ હેડક્વાર્ટરનો પત્ર મળ્યો કે, ‘તમારો દીકરો પોતાની ડ્યૂટી હિંમતભેર બજાવવા જતાં દુશ્મનોના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયો છે. તમે જો તેની સાથે પત્ર-વ્યવહાર કરવા માગતા હો તો નીચે જણાવેલા સરનામે પત્ર મોકલી શકો છે. આ વિધિને લગતા કેટલાક નીતિનિયમો પણ તમારી જાણ માટે લખ્યા છે, જેમનું તમારે પાલન કરવાનું છે.’

પિતાએ અનેક પત્રો લખ્યા, પરંતુ એકેયનો જવાબ ના આવ્યો. ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહનું સુખોઇ-7 પ્લેન તોડી પડાયાના ૧૦ દિવસ બાદ એરફોર્સ હેડક્વાર્ટરના એર-કમાન્ડરે પત્ર લખી ગુરુબક્ષસિંહને જણાવેલું કે હરવિન્દરસિંહ જીવતા પકડાયાના સમાચાર ઓલ ઇન્ડિયા રેડિઓએ પણ મોનિટર કર્યા હતા અને તેનું રેકોર્ડિંગ આકાશવાણી પાસે મોજૂદ હોવાને લીધે ચિંતા કરવાની જરૂર ન હતી. બીજા ૧૫ દિવસ પછી હેડક્વાર્ટરના ગ્રૂપ કેપ્ટન જી. એસ. પુનિયાએ ગુરુબક્ષસિંહને ફરી જાણ કરી કે હરવિન્દરસિંહ પાકિસ્તાનમાં યુદ્ધકેદી હતા. આ રીતે બબ્બે વખત સધિયારો મળ્યા છતાં ડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે હવાઇદળના બીજા પાયલટોનું જ્યારે પુનરાગમન થયું ત્યારે ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ તેમાં સમાવેશ પામ્યા ન હતા. ગુરુબક્ષસિંહે ફરી પાછો હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો, જેણે થોડા દિવસ બાદ શોકસંદેશો પાઠવ્યો કે, ‘તમારો પુત્ર યુદ્ધમાં શહીદ થયો હોવાને કારણે હવાઇદળ તેમને મળી શકતા પેન્શન, વળતર અને બીજા આર્થિક લાભો માટે વ્યવસ્થા કરવા માગે છે. આ સાથે કેટલાક ફોર્મ બીડ્યાં છે, જે ભરીને હેડક્વાર્ટરના સરનામે મોકલી આપશો.’

સ્ક્વોડ્રન-લીડર ગુરુબક્ષસિંહના માથે જે વજ્રપાત થયો તે જુવાનજોધ દીકરો ગુમાવનાર પિતા જ કલ્પી શકે તેવો આઘાતજનક હતો. કારમી વ્યથાના બોજા હેઠળ તેઓ ભાંગી પડ્યા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ જો પાક રેડિઓની કબૂલાત મુજબ જીવતા પકડાયા અને સમાચારનું ધ્વનિમુદ્રણ કરી ભારતે પુરાવો મેળવ્યો તો સરકારે તેમની સોંપણી માટે પાકિસ્તાન સમક્ષ કડક માગણી શા માટે કરી નહિ? યુદ્ધકેદીઓને લગતા જિનિવા કરારના અન્વયે તે મુદ્દો આંતરરાષ્ટ્રીય ધોરણે કેમ ન ઊઠાવ્યો? પાકિસ્તાને તમામ ભારતીય યુદ્ધકેદીઓને પાછા ન સોંપ્યા, તો ભારતે ત્યાર બાદ (રિપીટ : ત્યાર બાદ) પાક યુદ્ધકેદીઓને કેમ મુક્ત કરી દીધા? શા માટે તેમને બાનમાં પકડી ન રાખ્યા? સૌથી મોટો પ્રશ્ન એ કે એરફોર્સ હેડક્વાર્ટરે શેના આધારે ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દર-સિંહને શહીદ જાહેર કર્યા. વ્યથિત પિતા માટે બધા પ્રશ્નો અનુત્તર રહ્યા.

મેજર એ. કે. ઘોષ

મેજર એ. કે. ઘોષ : ૧૫મી રાજપૂત રેજિમેન્ટના મેજર એ. કે. ઘોષ યુદ્ધના પ્રારંભિક તબક્કે જ પાક લશ્કરના સકંજામાં આવી ગયા હતા. જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા તે અફસરનો ફોટોગ્રાફ પાકિસ્તાને તેની ચડિયાતી લશ્કરી તાકાતનું પ્રમાણ આપવાના હેતુસર સમાચાર એજન્સીને મોકલાવ્યો. અમેરિકાના ‘ટાઇમ’ સાપ્તાહિકે તે ડિસેમ્બર ૨૭, ૧૯૭૧ના અંકમાં ૨૯મા પાને છાપ્યો. (ફોટો રજૂ કર્યો છે). ફોટો પરિચયમાં Indian prisoner peers through bars એટલું જ લખાણ હતું, પણ એ ફોટો મેજર એ. કે. ઘોષ યુદ્ધકેદી તરીકે પકડાયાનો દસ્તાવેજી પુરાવો હતો. આથી યુદ્ધકેદીઓની અદલાબદલી વખતે તેમની વાપસી થવા અંગે શંકા ન હતી.

આમ છતાં પાક સરકારે તેમને મુક્ત કર્યા નહિ અને સિમલા કરાર પછી ઇસ્લામાબાદ સાથે યારીદોસ્તી કરવા માગતી ઇન્દિરા સરકારે તેમની વાપસી માટે આગ્રહ પણ રાખ્યો નહિ. ઘોષની પત્નીએ કારમા આઘાતને લીધે માનસિક સમતુલા લગભગ ગુમાવી દીધી. ઘોષના દુઃખી ભાઇ દિલ્હીના સંરક્ષણ મંત્રાલયના ધક્કા ખાતા રહ્યા. મંત્રાલયના અધિકારીઓને ‘ટાઇમ’ મેગેઝિનની નકલ દેખાડી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે માત્ર ફોટોગ્રાફ મેજર એ. કે. ઘોષ જીવંત હોવાનો કે યુદ્ધકેદી હોવાનો પુરાવો ગણાય નહિ. નફ્ફટાઇની સીમા વટાવી જતો એ જવાબ મળ્યા પછી મેજરનાં કુટુંબીજનો લાચાર હતા. લાગણીશૂન્ય સરકાર પાસે વધુ અપેક્ષા રાખી શકાય તેમ ન હતી.

ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે

ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે : ડિસેમ્બર, ૧૯૭૧માં રણહાક પડી ત્યારે વિજય તામ્બેએ યુદ્ધમોરચે જવા વિદાય લેતી વખતે પત્નીને કહ્યું : ‘દમયંતી, હું ખાસ મિશન પર જાઉં છું. કદાચ પાછો આવી શકું અને કદાચ નહિ. તારી સંભાળ લેજે.’ આ વતનપરસ્ત ફ્લાઇટ-લેફ્ટનન્ટને માત્ર અઢાર મહિના અગાઉ પરણેલી દમયંતીનો જવાબ હતોઃ ‘વિજય, ‘V’ ફોર વિક્ટરી! આગળ વધો. આખો દેશ તમારી પાછળ છે.’ દમયંતીનું છેલ્લું વાક્ય તેના માટે અત્યંત કરુણ રીતે ભ્રામક સાબિત થવાનું હતું. પતિને દેશનું જરાય પીઠબળ મળવાનું ન હતું.

ડિસેમ્બર ૪, ૧૯૭૧ના રોજ હતભાગી ફ્લાઇટ-લેફ્ટનન્ટ તામ્બેનું પ્લેન તોડી પાડવામાં આવ્યું. બીજે દિવસે ‘પાકિસ્તાન ઓબ્ઝર્વર’ નામના અખબારે પાક એરફોર્સ દ્વારા ૪૬ ભારતીય પ્લેન તોડી પડાયાના અતિશયોક્તિભર્યા સમાચાર છાપ્યા. મહત્ત્વની વાત એ કે પાંચ ભારતીય પાયલટો જીવતા પકડાયા હોવાનું અને તેમાં ફ્લાઇટ-લેફ્ટનન્ટ વી. વી. તામ્બે સામેલ હોવાનું અખબારે જણાવ્યું. પાકિસ્તાનના રેડિઓએ પણ તેમની ગિરફતારીના સમાચાર પ્રસારિત કર્યા, જેને ઓલ ઇન્ડિયા રેડિઓએ રાબેતામુજબ રેકોર્ડ કરી લીધા. સમાચારમાં તામ્બેને યુદ્ધકેદી તરીકે ઓળખાવવામાં આવ્યા. પાકિસ્તાનનું રેડિઓતંત્ર સરકારી હતું, માટે પાક સરકારે પોતે કરેલી એ કબૂલાત હતી.

આમ છતાં યુદ્ધકેદીઓની અદલા-બદલી વખતે વિજય તામ્બેનું સ્વદેશા-ગમન થયું નહિ. દિલ્હીના એરફોર્સ હેડક્વાર્ટર સાથે દમયંતી તામ્બેએ અનેકવાર માથાં પછાડ્યાં. અંતે હૈયું ભાંગી નાખતો જવાબ મળ્યો કે, ‘આપના પતિને હવે મૃત્યુ પામેલા ગણી શકો છો.’ હેડક્વાર્ટરે દમયંતીને પેન્શનની તથા વળતરની ઓફર કરતો પત્ર લખ્યો. આ જાતનો નાણાંકીય સધિયારો તે સ્વીકારી લે તો સૌભાગ્યવતીનો દરજ્જો ગુમાવી દે, જ્યારે હકીકતમાં ફ્લાઇટ-લેફ્ટનન્ટ તામ્બે જીવતા હોવાનો સ્પષ્ટ નિર્દેશ ખુદ પાક સરકાર દ્વારા મળ્યો હતો.

‘પાકિસ્તાન ઓબ્ઝર્વર’માં ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પ્રગટ થયેલો ન્યૂઝ રિપોર્ટ, જેમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ તામ્બે/Tambay બીજા ચાર ભારતીય પાયલટો સહિત પાકિસ્તાનમાં ગિરફતાર કરાયા હોવાનું સ્પષ્ટ લખ્યું હતું
કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ

કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચાંદરણી ગામે રહેતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનો જન્મ જ દુઃખી જીવન વીતાવવા માટે થયો હતો. માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા. બીજાં ૧૭ વર્ષ એવાં વીત્યાં કે જે દરમ્યાન સાવકી માતા તેમની માતાની ખોટ લગીરે પૂરી શકી નહિ. કલ્યાણસિંહે ત્યાર બાદ ફૌજી કારકિર્દી અપનાવી લીધી. નિષ્ઠા, શિસ્ત અને ખંત વડે બઢતી પામી અંતે પાંચમી આસામ બટાલિઅનમાં કેપ્ટન બન્યા. ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન આસામ રેજિમેન્ટની જે ચાર બટાલિઅનો લડી તેમાં કેપ્ટન કલ્યાણસિંહની બટાલિઅન પણ હતી. કાશ્મીરની છામ્બ સરહદે તેણે પાક લશ્કરના આક્રમણને મારી હટાવવાનું હતું. આ મોરચે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ યુદ્ધકેદી તરીકે પકડાયા અને તે ઘટના બીજા ભારતીય જવાનો-અફસરોની નજર સમક્ષ બની.

કેપ્ટન કલ્યાણસિંહ ત્યાર પછી ફરી ક્યારેય માતૃભૂમિનાં દર્શન કરવા ન પામ્યા. પાકિસ્તાનની જેલમાં તેઓ મોત કરતાં બદતર જિંદગી ગુજારતા હોવાનો આંખે દેખ્યો અહેવાલ યુદ્ધનાં સત્તર વર્ષ પછી નાથારામ અનંતરામ નામના કેદીએ આપ્યો, જેનો છૂટકારો માર્ચ ૨૪, ૧૯૮૮ના રોજ થયો હતો. આ કેદીએ જણાવ્યું કે તેણે કલ્યાણસિંહ રાઠોડને ૧૯૮૩માં રાવલપિંડી ઇન્ટરોગેશન સેન્ટરમાં જોયા હતા. (ઇન્ટરોગેશન વખતે પુષ્કળ માનસિક અને શારીરિક ત્રાસ અપાય તે જાણીતી વાત છે). મુખ્તિયારસિંહ નામના પેલા બીજા કેદીને ૧૯૮૮માં કોટ લખપત જેલમાં કેપ્ટન કલ્યાણસિંહનો ભેટો થયો હતો.

અહીં સુધી ફક્ત સાત ફૌજી વીરોના કિસ્સા વર્ણવ્યા. કેપ્ટન દિલગીરસિંહ જામવાલ, ફ્લાઇંગ ઓફિસર આર. એમ. અડવાની, સ્ક્વોડ્રન લીડર મોહિન્દર જૈન, લાન્સ નાયક જગદીશ રાજ, કેપ્ટન અવિનાશ શર્મા, ફ્લાઇટ-લેફ્ટનન્ટ એસ. સી. મહાજન, ફ્લાઇંગ ઓફિસર સુધીર ત્યાગી વગેરે બીજા અનેકના બિલકુલ આવા જ દર્દનાક કિસ્સા વર્ણવીને સૂચિ લંબાવી શકીએ. પરિણામ તો સરવાળે એ જ આવે કે દેશના સપૂતો પ્રત્યે ભારોભાર અનુકંપા જાગવા ઉપરાંત આપણી સૂરદાસ જેવી સરકારો પ્રત્યે ભારોભાર આક્રોશ વડે સમસમી રહીએ. જાણવા જેવું છે કે યુદ્ધકેદીઓનાં આપ્તજનોએ તેમના પિતા, ભાઇ કે પુત્રની વાપસી માટે જાહેરમાં માગણી કરી ત્યારે સરકારી વલણ શું હતું.

ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન વડા પ્રધાનના સચિવાલયમાં ફરજ બજાવતા મિસ્ટર ધર નામના અધિકારીએ યુદ્ધકેદીઓનાં પરિવાર-જનોને ટેલિફોન કરી તેમને વધુ પડતી બૂમરાણ ન મચાવવાની સલાહ આપી. (કહેવું મુશ્કેલ છે કે અધિકારી પી. એન. ધર હતા કે પછી ડી. પી. ધર હતા. બન્ને જણા ઇન્દિરા ગાંધીના અંગત મદદનીશો હતા). ધરે જણાવ્યું કે ઝાઝો ઉહાપોહ મચાવશો તો પાકિસ્તાન આપણા યુદ્ધકેદીઓને મારી નાખશે. હકીકતમાં ધર ઇન્દિરા સરકારની બદનામી રોકવા યુદ્ધકેદીઓનાં કુટુંબીજનોને પરોક્ષ રીતે દમદાટી આપી રહ્યા હતા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ મનોહર પુરોહિતની પત્ની સુમન પુરોહિતને તથા ફ્લાઇંગ ઓફિસર આર. એમ. અડવાનીની પુત્રી ડોલી અડવાનીને તેમની વિચિત્ર સલાહના શબ્દો બરાબર યાદ રહી ગયા હતા. આ બન્ને મહિલાઓ શિક્ષિત હોવાને લીધે તેમને સામેથી ફોન કોલ મળ્યો. બાકી તો અશિક્ષિત કુટુંબીજનો પ્રત્યેના સરકારી દુર્વ્યવહારને સીમા ન હતી. યુદ્ધકેદી હવાલદાર કે. એલ. શર્માની પત્ની સંતોષ શર્માને કડક અવાજે કહી દેવાયું કે સરકાર પાસે એકમાત્ર કામ લાપત્તા જવાનોને શોધી કાઢવાનું ન હતું. આઘાતની મારી સંતોષ થોડા વખત પછી અસ્થિર મગજની બની.

પાકિસ્તાનના ફૈસલાબાદ (લ્યાલપુર) ખાતેની જેલ, જ્યાં ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેને તેમજ ભારતના બીજા જવાનો-અફસરોને ગોંધી રખાયા હતા

ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી, નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ વગેરે દરેક વડા પ્રધાનની સરકારના ચોપડે તો એ યુદ્ધકેદીઓ ક્યારના મૃત્યુ પામી ચૂક્યા હતા, જ્યારે બીજી તરફ પાક જેલોમાં તેઓ મોજૂદ હોવાના મજબૂત સંકેતો અવારનવાર મળતા હતા. કેટલાક સંકેતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખુદ પાકિસ્તાન દ્વારા મળ્યા. દા.ત. ડિસેમ્બર, ૨૦૦૫માં જાણીતા પાક દૈનિક ‘જંગ’ના તંત્રી જાવેદ રશિદે ભારતની મુલાકાત લીધી. થોડા દિવસના રોકાણ દરમ્યાન તેઓ યુદ્ધકેદી સુબેદાર અસ્સાસિંહની પત્ની નિર્મલ કૌરને મળ્યા અને તેની વ્યથા જાણીને તેમણે ખેદ અનુભવ્યો. રશિદે ત્યાર બાદ એ વાતને પુષ્ટિ આપી કે ભારતના કેટલાક યુદ્ધકેદીઓ હજી પાકિસ્તાનની કોહાટ તથા બન્નુ ખાતેની જેલમાં હતા. સ્વદેશ પાછા ફર્યા બાદ તેમણે નિર્મલ કૌરની દુઃખભરી કથા વર્ણવતો લેખ ‘જંગ’માં લખ્યો. બન્ને દેશો વાતને ગજાવ્યા વગર ખાનગીમાં યુદ્ધકેદીઓની અદલાબદલી કરે એવું તેમણે સૂચવ્યું. દેખીતું છે કે અગ્રગણ્ય દૈનિકના તંત્રી હોવાના નાતે જાવેદ રશિદ ભારતીય યુદ્ધકેદીઓ અંગે પાકી માહિતી ધરાવતા હતા.

બીજો દાખલો : ઇસ્લામાબાદ ખાતે ડિસેમ્બર, ૧૯૮૯માં યોજાયેલા સાર્ક/SAARC દેશોના અધિવેશન વખતે પાકિસ્તાનનાં વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોને ભારતીય પત્રકારોએ આપણા ૪૩ યુદ્ધકેદીઓ અંગે પૂછ્યું. બેનઝીરે કહ્યું કે ૪૧ યુદ્ધકેદીઓ અટકાયતમાં હતા અને તેમને મુક્ત કરવા માટે પાક સરકારના પ્રયાસો ચાલુ હતા. ઇસ્લામાબાદમાં ભારતનું પ્રતિનિધિત્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. બેનઝીરની સ્પષ્ટ કબૂલાત પછી રાજીવ ગાંધી નિષિ્ક્રય કેમ રહ્યા ? બેનઝીર ભુટ્ટોના શબ્દો પકડી રાખી એકતાલીસ જણાને પાછા લાવવા કેમ તજવીજ કરી નહિ ? ૧૯૭૨માં માતુશ્રી ઇન્દિરાએ કરેલી પહાડ જેવી ભૂલ તેઓ રહી રહીને પણ સુધારી શકે તેમ હતા, પરંતુ રાજકારણમાં ગળાડૂબ એવા રાજીવ માટે એ કામ ગૌણ હતું.

ત્રીજો દાખલો : જાન્યુઆરી, ૧૯૮૯માં ભારતની Under-19 ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારી જયંત જતાર તે ટીમની સાથે ગયા હતા. ગુજરાનવાલા ખાતે (બાંગલા દેશના જલ્લાદ તરીકે કુખ્યાત બનેલા) જનરલ ટીકા ખાન સાથે તેમનો ભેટો થયો. ટીકા ખાન ત્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર હતા. જયંત જતારે તેમને વાત-વાતમાં પોતાના (ફોઇના નાતે) ભત્રીજા ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે વિશે પૂછ્યું. નવાઇ એ છે કે વાત ખાનગી રહે એ શરતે ટીકા ખાને તામ્બે સાથે જતારની મુલાકાત ગોઠવી આપી. અલબત્ત, પ્રત્યક્ષ ભેટાની છૂટ મળી નહિ. જતાર છેટે રહીને જ ભત્રીજાને દેખી શકવાના હતા. જતારના શબ્દો : ‘મેં તેમને (ટીકા ખાનને) જણાવ્યું કે મને રાજકારણમાં રસ નથી. હું તો ફક્ત એટલું જાણવા માગું છું કે મારો ભત્રીજો જીવંત છે કે નહિ ? મેં તેમને કહ્યું કે તામ્બેનાં ૯૨ વર્ષનાં દાદીમાની પણ એ જ ઇચ્છા છે. જનરલે અંતે ‘ઠીક હૈ’ એવો જવાબ દીધો.’ બીજે દિવસે સવારે ૭ઃ૩૦ વાગ્યે ફૈસલાબાદની (તત્કાલીન લ્યાલપુરની) ચિનાબ ક્લબ પર લશ્કરના યુનિફોર્મધારી બે માણસો સાથે જયંત જતાર લગભગ અપારદર્શક કાચવાળી મોટરમાં બેસીને રવાના થયા. પીળા રંગની જેલ પર દોઢ કલાકે પહોંચ્યા. સળિયા જડેલી બારી વાટે દષ્ટિપાત કર્યો. તામ્બેની પીઠ બારી તરફ હતી. ધ્યાન ખેંચવા જતારે ખોંખારો કર્યો. તામ્બેએ નજર ફેરવી પાછળ જોયું. એ તામ્બે જ હતા. ચહેરો ખાસ બદલાયો ન હતો. થોડીક દાઢી ઊગી હતી અને માથાના વાળ લાંબા હતા. ભારત પાછા આવ્યા બાદ જયંત જતારે ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેને પ્રત્યક્ષ જોયાના સમાચાર દમયંતી તામ્બેને આપ્યા. દમયંતી ઉપરાંત તામ્બેની માતા પુત્રનું મોં જોવા માટે તડપતી હતી. આ મોકો તેને કદી સાંપડ્યો નહિ. બેએક વર્ષ પહેલાં તેમનું અવસાન નીપજ્યું.

પાક જેલોમાં સબડતા ભારતના ભૂલાયેલા (અને તરછોડાયેલા) સપૂતોને સ્વદેશ પાછા લાવવા માટે તેમના કુટુંબીજનો કેંદ્રની સરકારોને વર્ષો થયે અપીલ કરી રહ્યા છે, પરંતુ તેમની ધીરજનો અને કસોટીનો અંત જ આવતો નથી

ડિસેમ્બર, ૧૯૭૨થી શરૂ કરીને દિલ્લીની પ્રત્યેક સરકાર આવી બાબતો પ્રત્યે અંધ તેમજ બધિર હતી. ચાલીસ વર્ષ દરમ્યાન સંસદમાં પણ ફક્ત ૧૨ વખત (ચાલીસ મહિને સરેરાશ ૧ વખત) યુદ્ધકેદીઓ અંગે પ્રશ્નો ઉપસ્થિત કરાયા અને દરેક વેળા જે તે સરકારે ઉડાઉ જવાબ આપ્યો. દાખલા તરીકે સંસદસભ્ય એકનાથ ઠાકુરે કરેલા પ્રશ્નના જવાબમાં તત્કાલીન વિદેશમંત્રી પ્રણવ મુખરજીએ એમ કહી પ્રશ્નને ટલ્લે ચડાવ્યો કે ભારતના ૫૪ યુદ્ધકેદીઓ પાક જેલમાં હતા અને તેમનાં આપ્તજનોને જાતતપાસ માટે પાક જેલોની મુલાકાત લેવા મળે એવી ભારત સરકારની માગણી પાકિસ્તાને માન્ય રાખી હતી. આ પ્રકારનો જવાબ આપી પ્રણવ મુખરજીએ આખો મામલો આપ્તજનોના માથે ઢોળી દીધો, જેનું નિરાકરણ લાવવાની જવાબદારી વાસ્તવમાં સરકારની હતી.

સૂતરના તાંતણે બંધાયેલી આશાને વળગી રહેલાં ૧૪ સગાંવહાલાંએ જૂન, ૨૦૦૭ દરમ્યાન કુલ ૧૦ પાક જેલોની મુલાકાત લીધી પણ ખરી, પરંતુ કશો અર્થ સર્યો નહિ. પાકિસ્તાનમાં સરકારી જેલો ૭૭ અને સામંતો જેવા માલેતુજારોએ સ્થાપેલી ખાનગી જેલો ૩૦૦ કરતાં વધારે, એટલે તપાસ કરવી તો પણ કેટલી જેલોમાં ? અને શી ખાતરી કે પાક સત્તાવાળાઓ આપ્તજનોની મુલાકાત દરમ્યાન ગુપચુપ રીતે ચલકચલાણાની ઢબે યુદ્ધકેદીઓનો સ્થાનબદલો કરે નહિ? હકીકતે બે મહિના બાદ ઓગસ્ટ ૧૪, ૨૦૦૭ના રોજ પોતાના સ્વાતંત્ર્યદિન નિમિત્તે પાકિસ્તાને આપણા ૧૩૩ બિનફૌજી કેદીઓને મુક્ત કર્યા ત્યારે એક મુદ્દો નજર સામે આવ્યો. યુદ્ધકેદીઓનાં કેટલાંક આપ્તજનો પોતાના બંદીવાન પુત્ર, ભાઇ કે પિતા અંગે કશીક જાણકારી મળે તે આશયે પંજાબની વાઘા સરહદે આવા બિનફૌજી કેદીઓને પૂછપરછ કરવા આવ્યા હતા. કુલ ૧૩૩ જણા સાથે જેનું પ્રત્યાર્પણ થયું એ તરશેમસિંહ નામના કેદીએ માહિતી આપી કે આપણા યુદ્ધકેદીઓને પાક હકૂમતે ભૂગર્ભ કોટડીઓમાં રાખ્યા હતા, જ્યાં તેમના પર સખત શારીરિક જુલમ ગુજારવામાં આવતો હતો. કોઇને કોઇ કોટડીમાં પ્રવેશ મળી શકતો ન હતો. યુદ્ધકેદીઓની ખોજ માટે જે કુટુમ્બીજનોએ પાકિસ્તાનમાં જેલોની મુલાકાત લીધી તેમને છેતરવામાં આવ્યા હતા.

૧૯૭૧થી પાકિસ્તાને ૫૪ જવાનોને તથા અફસરોને નર્કાગાર કરતાં બદતર જેલોમાં ગોંધી રાખ્યા હોવાના હજી કેટલા પુરાવા જોઇએ ? રાજકીય કોઠાકબાડામાં જ મગ્ન રહેતી આપણી સરકારોને મન જો કે પુરાવાનું કશું મહત્ત્વ ન હતું. સૈનિકોને લગતા ફૌજી કાયદા હેઠળ તેમણે સગવડતાપૂર્વક આશરો લેવાનું ચાલુ રાખ્યું. આ કાયદો ટાંકીને સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ ડિસેમ્બર ૫, ૨૦૦૭ના રોજ પાર્લામેન્ટમાં એમ જણાવ્યું કે રણમોરચે missing in action સૈનિકનો ૭ વર્ષ સુધી પત્તો ન મળે તો સરકાર તેને મૃત્યુ પામેલો ગણી તેના કુટુંબીજનોને પેન્શન ચૂકવી દે. સંરક્ષણ મંત્રીને એમ પૂછી શકાય કે યુદ્ધકેદીઓ જીવંત હોવાની વાતને અનેક પુષ્ટિ મળી ચૂકી હોય એવા સંજોગોમાં તેમને મૃત્યુ પામેલા ધારી લેવાનો સવાલ ક્યાં હતો?

રાજકોટના એડવોકેટ એમ. કે. પૉલ, જેમણે ૧૯૭૧ના બંદીવાન સપૂતોની વાપસી માટે કેંદ્ર સરકારને કોર્ટમાં પડકારી છે

પાકિસ્તાન અડીને બેઠું હોય અને કબ્જો બળવાન હોય એ જોતાં ભારત સરકાર કશું ન કરી શકી હોત એવો ખ્યાલ મનમાં લાવતા નહિ. પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખી યુદ્ધકેદીઓના મામલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી શકાય તેમ હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) સમક્ષ પણ રજૂઆત કરી શકાય તેમ હતી. ઇરાકના સદ્દામ હુસેને ૧૯૯૧માં કુવૈતના યુદ્ધકેદીઓને ન છોડ્યા ત્યારે કુવૈતના અમીર યુદ્ધકેદીઓનાં બાળકો સાથે યુનોની જનરલ અસેમ્બલીમાં ગયા અને તે હિજરાતાં બાળકોની વ્યથાનો બધા દેશોના પ્રતિનિધિઓને ખ્યાલ આપ્યો. પરિણામે યુનોમાં બ્રિટન તથા અમેરિકાની જે સંયુક્ત ટીમનું ગઠન થયું તેના દબાણ હેઠળ સદ્દામ હુસેને કુવૈતી યુદ્ધકેદીઓને છોડી મૂક્યા. ભારત સરકાર પાસે ત્રીજો માર્ગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો (વિશ્વ અદાલતમાં) ટહેલ નાખવાનો હતો, પરંતુ એ માર્ગ પણ ન અપનાવાયો.

આ તરફ ભારતમાં રાજકોટ નિવાસી એડવોકેટ એમ. કે. પૉલ યુદ્ધકેદીઓની વાપસી માટે અદાલતી રાહે અથાક લડત ચલાવી રહ્યા હતા. લડતમાં તેમના વકીલ પુત્ર કિશોર પૉલ પણ સામેલ હતા. ફરિયાદી પક્ષમાં ૫૪ યુદ્ધકેદીઓના કુટુમ્બીજનોનો તથા ૧૯૭૧ના યુદ્ધના હિરો લેફ્ટનન્ટ-જનરલ જગજીતસિંહ અરોરાનો પણ સમાવેશ થતો હતો. (અરોરા જો કે આજે હયાત નથી). બધું મળીને ૧૧૧ વખત સુનવણી થઇ, જે દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે નોટિસ બજાવ્યા છતાં સમયસર પ્રત્યુત્તર ન આપવા બદલ હાઇકોર્ટે કેંદ્ર સરકારને બે વખત દંડ ફટકાર્યો. હાઇકોર્ટે અંતે ડિસેમ્બર ૨૩, ૨૦૧૧ના રોજ કેંદ્ર સરકારને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કરવાનું અને ૫૪ યુદ્ધકેદીઓનો તમામ આગલો પગાર તેમના પરિવારજનોને ચૂકવવાનું ફરમાવ્યું. હાઇકોર્ટે બહાદુર યુદ્ધકેદીઓની ઉપેક્ષા કરવા બદલ કેંદ્ર સરકારને ઝાટકી નાખી. બાર વર્ષે અદાલતી ચુકાદો આવ્યા પછી એડવોકેટ એમ. કે. પૉલના શબ્દો : ‘I am the happiest person on this planet today.’

બીજી તરફ કેંદ્ર સરકારની ખોરી દાનત જુઓ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના બારણે જવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને તેણે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો અને પોતાનું બચાવનામું તૈયાર કરવાના બહાને સ્ટે ઓર્ડર મેળવી લીધો. સંરક્ષણ મંત્રાલયે બંદીવાન સૈનિકોને ડ્યૂટી પર ગણી આપ્તજનોને પગાર આપવાનું કબૂલ્યું, પણ વિશ્વ અદાલતમાં જવા સામે તેને વાંધો હતો. વાંધાનું કારણ શું હોય તે કોને ખબર, છતાં જણાય છે એવું કે ૪૭ વર્ષ જૂની બાબત પર વિવાદ ખડો કરીને તે પાકિસ્તાન સાથેના રાજકીય સંબંધો બગાડવા માગતી ન હતી. (સંબંધો કયા દિવસે સારા હતા ?) ખરેખર તો ભારતની વર્તમાન સરકાર ઉપરાંત તમામ ભૂતપૂર્વ સરકારોને રાષ્ટ્રસપૂતોની ઉપેક્ષા બદલ દોષિત ગણવી જોઇએ.

યુદ્ધકેદીઓને પ્યાદાં બનાવનાર રાજરમતે તેમના પર અને તેમનાં આપ્ત-જનો પર શી અસર કરી હોય તેનું જરા અનુમાન લગાવો. કોઇ વયોવૃદ્ધ બાપ પોતાની આંખ મીંચાય તે પહેલાં જુવાન બેટાનું મોં જોવા માટે તડપતો હતો, કારણ કે પુત્ર રણમોરચે શહીદ થયો છે એમ માનવાને તેનું મન તૈયાર ન હતું. કોઇ પત્ની તેના પતિના પુનરાગમનને ઝંખતી હતી અને પુનરાગમન ન જ થવાનું હોય તો મૃત્યુના સત્તાવાર ખબરને પણ કઠણ કાળજે સ્વીકારી લેવા તૈયાર હતી, કેમ કે પોતાનો દરજ્જો સધવાનો છે કે વિધવાનો છે તે અનુત્તર પ્રશ્ન તેના માટે દિવસો-દિવસ અસહ્ય બનતો હતો. કોઇ કિશોર પણ વર્ષો પહેલાં તેને માતૃભૂમિના કાજે વિખૂટો મૂકી જનાર પિતાની રાહ જોતો હતો. પિતાની હયાતી અને શહીદી વચ્ચેની અનિશ્ચિત સ્થિતિ તેના વ્યાકુળ હૃદય માટે પણ બોજ સમાન હતી. બીજા આપ્તજનોની પણ એવી જ કરુણાજનક મનોદશા હતી. પાકિસ્તાનના ટોર્ચર-ચેમ્બર જેવા કારાવાસમાં તેમના પ્રિયજને ગયે અઠવાડિયે દમ તોડ્યો કે પછી આવતી કાલે યા આવતા મહિને તેનો દેહવિલય થવાનો છે એ તેઓ કદી જાણી શકવાના ન હતા, કારણ કે પાકિસ્તાનના ‘સત્તાવાર’ જેલ રજિસ્ટર મુજબ તે પ્રિયજનનું અસ્તિત્વ જ ન હતું.

–અને વાસ્તવમાં જોવા બેસો તો ભારતને મન પણ આવા રાષ્ટ્રસપૂતોનું અસ્તિત્વ ક્યાં છે? પાકિસ્તાનની જેલોમાં તેમની દુર્દશા અંગે જાણવા કરતાં બીજી ઘણી બાબતો જાણવામાં અને જણાવવામાં આપણાં સમાચાર માધ્યમોને વધારે દિલચસ્પી છે. આ ચોપ્પન દેશભક્તો ભલે વર્ષો થયે દુશ્મનના મુલકમાં અકથ્ય યાતના ભોગવતા રહ્યા, પણ આપણાં મોટા ભાગનાં વર્તમાનપત્રો માટે તે છાપવાલાયક કે ટેલિવિઝન ન્યૂઝ ચેનલો માટે ચર્ચવાલાયક સમાચાર નથી. ક્યારેક ઉપરછલ્લી રીતે ઉલ્લેખ કરાય તે ભારતીય પ્રજાજનોને શૂરાતન ચડાવવા માટે કાફી નથી, એટલે પાકિસ્તાન સાથે કરાતી વાટાઘાટોમાં યુદ્ધકેદીઓના છૂટકારા અંગેનો મુદ્દો કદી આગળ ધરાતો નથી. આ બદકિસ્મતોને દેશના નેતાઓ બહુ સહજ રીતે ભૂલી ગયા છે. ગરજ સર્યા પછી વૈદને ભૂલી જવો એ શિષ્ટાચાર ન ગણાય, તો ભારત માતાનો સાદ પડ્યે રણમોરચે ધસી ગયેલા સૈનિકોને ભૂલી જનાર રાજકારણીઓ માટે શું કહેવું ? કહેવાનું માત્ર એટલું કે ૪૭ વર્ષ દરમ્યાન પાશવી અત્યાચારો વેઠી ૫૪ પૈકી જે વતનપરસ્ત જવાનો સંભવતઃ આખરે મોતના ખોળામાં પોઢી ગયા હોય તેમના આત્માને પ્રભુ શાંતિ આપે અને આપણા કૃતઘ્ન રાજકારણીઓને આત્મા આપે.

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options