Grab the discounts and offers while the stocks last

ઇતિહાસના પ્રવાહની જેમ કેટલાંક ઐતિહાસિક પાત્રોની જીવનસફર પણ અણધારી રીતે જ પાટા બદલી નાખતી હોય છે. જિંદગીમાં ગજબનો પલટો આવી જાય છે. કોઇ વાર એકાદ વ્યક્તિ તે પરિવર્તન માટે નિમિત્ત બની હોય છે, પણ તવારીખના પાને તેની નોંધ ક્યારેક ફૂટનોટ તરીકે જ લેવાય છે—અને ક્યારેક તો એટલી પણ નહિ. 

ગાંઘીજીની 150મી જન્મજયંતી નિમિત્તે એક પારસમણિ વ્યક્તિની કથા અહીં રજૂ કરી છે. નામ છે શ્રીમદ્ રાજચંદ્ર.

નગેન્દ્ર વિજય

ઈતિહાસમાં ઘણાં પ્રકરણો તેમની યોગ્યતા મુજબનું યથાર્થ સ્થાન પામ્યાં નથી. એક પ્રકરણ એવું કે જે યુગાંતરનું કારક બન્યું, તો પણ મહાત્મા ગાંધીના પડછાયા ઓથે લગભગ અપ્રગટ રહ્યું. અહીં તેને પ્રકાશમાં લાવતી અપૂર્વ કથા યુગાંતરનાં અનુક્રમે (ચંપારણના સત્યાગ્રહનું) ૧૦૦ વર્ષીય તથા (ગાંધીજીના જન્મનું) ૧૫૦ વર્ષીય એમ બે સીમાચિહ્નોને લીધે પ્રાસંગિક છે. ઈતિહાસ અહીં તેના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂકાય છે.

એક વખત બન્યું એવું કે મોહનદાસ કરમચંદ ગાંધી ઇંગ્લેન્ડમાં જાન્યુઆરી ૧૨, ૧૮૯૧ના દિવસે બેરિસ્ટરની પદવી મેળવ્યા પછી (લંડનમાં ત્રણ વર્ષના રોકાણ પછી) સ્વદેશ પાછા ફર્યા ત્યારે બે સંવેદનાઓ તેમની રાહ જોતી હતી. એક દુઃખદ હતી. બીજી અકલ્પ્ય હદે સુખદ હતી. ઇંગ્લેન્ડથી ભારતનો સાડા પાંચ મહિના લાંબો પ્રવાસ ખેડી તેમની  સ્ટીમર Assam મુંબઇની વિક્ટોરિઆ ગોદીએ પહોંચી, જ્યાં મોટા ભાઇ લક્ષ્મીદાસ ગાંધી તેમને લેવા માટે આવ્યા હતા. સ્વદેશાગમનનો દિવસ જુલાઇ ૫, ૧૮૯૧ હતો.

મુંબઇની વસ્તી એ વખતે માંડ ૧૦,૦૦,૦૦૦ હતી. પોરબંદરના મોહનદાસ ગાંધી અપરિચિત શહેરમાં જ્યાં રોકાણ કરી શકે તેવું એકમાત્ર સ્થળ તેમના મિત્ર અને શુભચિંતક ડો. પ્રાણજીવન મહેતાનું હતું. મુંબઇના ગામદેવી વિસ્તારમાં આવેલું મોટી લક્કડિયા બાલ્કનીઓ ધરાવતું ‘મણિ ભવન’ નામનું તે બે માળનું મકાન હતું. (નીચેની તસવીરમાં દેખાતું તે મકાન ગાંધી મ્યૂઝિઅમ અને ગ્રંથાલય તરીકે આજે પણ સચવાયેલું છે). ગામદેવી જતી વખતે રસ્તામાં મોટા ભાઇ લક્ષ્મીદાસે સમાચાર આપ્યા કે મોહનદાસ ઇંગ્લેન્ડમાં હતા તે દરમ્યાન માતા પૂતળીબાઇનું નિધન થયું હતું. મોહનદાસનું અભ્યાસમાં પરોવાયેલું મન વિચલિત ન થાય એ ખાતર તેમને અશુભ ટેલિગ્રામ મોકલાયો ન હતો.

લક્ષ્મીદાસના મોઢે સમાચાર જાણી મોહનદાસ ભારોભાર વિષાદમાં ડૂબ્યા અને વિલાપનો બંધ તૂટું તૂટું થવા લાગ્યો, પણ લક્ષ્મીદાસે જુદો વિષય કાઢી તેમના મનને સંભાળી લીધું. મોહનદાસને દુઃખ એ વાતનું પણ થયું કે કાયદાશાસ્ત્ર ભણવા જતાં પહેલાં તેમણે માતા પૂતળીબાઇને વચન આપેલું કે તેઓ માંસને તથા મદિરાને હાથ પણ નહિ લગાડે અને ભારતમાં પુનરાગમન બાદ પોતે એ વચન દઢપણે પાળ્યાના ખુશખબર માતાને આપવાનું નક્કી કરેલું, પણ હવે એ મોકો ન રહ્યો. માતાના હૃદયમાં આનંદ ભરી દેવાની મહેચ્છા અધૂરી રહી જવા પામી. આ દુઃખદ સંવેદનાથી પરાકોટિની માત્રાએ વિપરિત સુખદ સંવેદનાનો સમય પણ ત્યાર પછી તરત આવ્યો. નિમિત્ત બનવાનું ભાગ્ય જેમને સાંપડ્યું તે સ્વયં ડો. પ્રાણજીવન મહેતા હતા. (જુઓ, બાજુનો ફોટો). ઇંગ્લેન્ડમાં મોહનદાસ ગાંધીની માફક ડો. પ્રાણજીવન મહેતા પણ બેરિસ્ટર થવા માટે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. પહેલીવાર ત્યાં જ બન્નેનો ભેટો થયો હતો. બનેલું એવું કે લંડન પહોંચીને ક્યાં ઉતારો મેળવવો તેની મોહનદાસ ગાંધીને સ્વાભાવિક રીતે મૂંઝવણ હતી, એટલે તેમણે માર્ગદર્શનની આશાએ મોરબીના એ ડોક્ટરને ટેલિગ્રામ મોકલ્યો હતો.

લંડનની વિક્ટોરિઆ હોટલને મોહનદાસ ગાંધીએ તત્પુરતી રેનબસેરા બનાવી, જ્યાં ડો. પ્રાણજીવન મહેતા તેમને મળવા આવ્યા. ડોક્ટરે ટિપોય પર મૂકેલી પોતાની હેટ મોહનદાસે વાતચીત દરમ્યાન અમસ્તી જ હાથમાં લીધી. હેટના મુલાયમ રૂંછડાં પર આંગળીઓ ફેરવવા લાગ્યા. ડો. મહેતાએ હેટ સામે નજર તાકી, એટલે મોહનદાસે તે પાછી જ્યાંની ત્યાં રાખી દીધી. બ્રિટિશ શિષ્ટાચારનું પહેલું લેસન ડો. મહેતાએ તેમને શીખવ્યું : ‘અહીં પારકી વસ્તુને અડાય નહિ. આપણે ભારતમાં સામી વ્યક્તિને સાધારણ રીતે પૂછીએ તેવા પ્રશ્નો અહીં પૂછવા તે સભ્યતા ગણાતી નથી. ક્યારેય મોટા અવાજે પણ ન બોલી પડાય તેનું ધ્યાન રાખજો. કોઇને ‘Sir’ કહીને પણ ન સંબોધતા, કારણ કે માત્ર નોકરો અને નીચેના પદાધિકારીઓ પોતાના ઉપરીને કે માલિકને એ રીતે સંબોધે છે.’

બેરિસ્ટરની મોભાદાર પદવીધારી મિ. ગાંધી: સૂટ-બૂટના મોભાદાર લેબાશમાં

ડો. પ્રાણજીવન મહેતા અને મોહનદાસ ગાંધી વચ્ચે એ વખતે સામ્ય ફક્ત એટલું કે બન્ને સૌરાષ્ટ્રના વણિક હતા. ફરક એ કે મોહનદાસ પોરબંદરના મોઢ વાણિયા, જ્યારે વર્ષો બાદ ઇડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર બનનાર ડો. પ્રાણજીવન મહેતા દશા શ્રીમાળી હતા. આમ છતાં ભલભલા ઇતિહાસકારો જેનું મૂલ્ય આંકવામાં પાછા પડે એવી મહત્ત્વની બાબત એ કે ઇતિહાસને જ એનેરો મોડ આપી દેનાર એક યુગપરિવર્તક સાથે મોહનદાસને સાંકળી લેવામાં ડો. મહેતા હવે કડી બની રહ્યા હતા. અગાઉ નોધ્યું તેમ સ્થળ તેમનું ‘મણિ ભવન’ મકાન હતું. માતાને ગુમાવ્યાં બદલ સંતાપ વેઠતા મોહનદાસનો અહીં તેમણે જૈન તત્ત્વચિંતક રાયચંદ જોડે મેળાપ કરાવ્યો. રાયચંદ મૂળ નામ હતું. સમય જતાં આરસની તકતી પર અમીટ રીતે કોતરાયું તે નામ રાજચંદ્ર હતું. ડો. પ્રાણજીવન મહેતાના ભાઇ પોપટલાલ મહેતાના તેઓ જમાઇ હતા.

વિષાદમય મોહનદાસ ગાંધીને એકદમ સૂનમૂન જોતાં રાયચંદ (હવે પછી રાજચંદ્ર) તેમનું મન હળવું કરવા સામે આવીને બેઠા. મોહનદાસને જુદી જુદી ભાષાઓમાં તેમની મનોવ્યથા લખવા અને પછી મોટેથી વાંચવા જણાવ્યું. રાજચંદ્રએ સાંભળ્યા બાદ શબ્દેશબ્દ જેના તે સચોટ ક્રમમાં બોલી બતાવ્યો. સામાન્ય મનુષ્ય માટે સાધારણ રીતે અશક્ય લેખાય તેવી અવધાનશક્તિ યાને લક્ષ્યશક્તિ, ધ્યાનશક્તિ કે પછી કહો કે એકાગ્રતાશક્તિ બેરિસ્ટર ગાંધીને અવિશ્વસનીય લાગી, પણ કાનોકાન સાંભળ્યા પછી સંશય જાગવાનો પ્રશ્ન ન હતો.

બેરિસ્ટર ગાંધીના મનમાં વિચારવંટોળ જગાડતી વાત એ કે રાજચંદ્ર મૂળ હીરા-મોતીના ઝવેરી હતા, રત્નોની સચોટ પરખ કરી જાણતા હતા, વ્યાપારી ગણતરીમાં વ્યવહારકુશળ હતા અને તોય વેપારની સમાંતર આત્મચિંતન કરનારા ધર્મકુશળ પણ હતા.

મોહનદાસ કે. ગાંધીના જીવનની રાહ બદલી નાખનાર તત્ત્વચિંતક રાજચંદ્ર

ઇંગ્લેન્ડ-રિટર્ન્ડ બેરિસ્ટરે હજી તો એ જાણવાનું બાકી રહેલું કે રાજચંદ્ર અંગ્રેજી, સંસ્કૃત, ગ્રીક, લેટિન, અરબી, ગુજરાતી, મરાઠી વગેરે પૈકી કોઇ પણ ૧૬ ભાષાઓના ૪૦૦ અનુક્રમવિહીન શબ્દો પાછા કર્તા અને કર્મના અનુક્રમ મુજબ ગોઠવીને કહી બતાવતા હતા એટલું જ નહિ, પરંતુ કહેતા જાય એ દરમ્યાન બીજાં કામો પણ સહજભાવે કર્યે જતા હતા. મોહનદાસ ગાંધી ‘મણિ ભવન’ ખાતે તેમના સંપર્કમાં આવ્યા તેનાં ચાર જ વર્ષ અગાઉ રાજચંદ્રએ મુંબઇની ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં ઉપસ્થિત જ્ઞાનાતુરોને શતાવધાનનો એટલે કે સામટી એકસો બાબતો પર ધ્યાન કેંદ્રિત કરવાની પોતાની અદ્ભુત શક્તિનું પ્રમાણ આપ્યું હતું.

આ વિલક્ષણ વ્યક્તિ સાથે જુદા જુદા વિષયો પર વાર્તાલાપનો ક્રમ જેમ આગળ ચાલ્યો તેમ મોહનદાસ ગાંધી પોતાના મનમસ્તિક પર રાજચંદ્રનાં તત્ત્વદર્શક કથનોનો ધીમે ધીમે થઇ રહેલો પ્રભાવ અનુભવવા લાગ્યા. સંજોગની જ વાત હતી કે એકમેક કરતાં સાવ ભિન્ન બેકગ્રાઉન્ડ ધરાવતા બે જણા વચ્ચે માત્ર નિમિત્ત એવા ડો. પ્રાણજીવન મહેતાને લીધે મુંબઇ ખાતે એક નિવાસમાં ભેગા થયા હતા. કોર્ટમાં અસીલને કેસ જીતાડવા માટે પ્રસંગોપાત જેણે અસત્યનો કે અર્ધસત્યનો પણ આશરો લેવો પડે એવા બેરિસ્ટરને અહીં તત્ત્વચિંતક રાજચંદ્ર જડ-ચેતન, આદિ-અનાદિ, ધર્મ-અધર્મ વગેરેનું તાર્કિક દષ્ટાંતો ટાંકી સત્યદર્શન કરાવી રહ્યા હતા. આનું લાંબે ગાળે શું પરિણામ આવવાનું તેનો બેમાંથી એકેયને લગીરે અંદાજ ન હતો–એટલા માટે કે તે કલ્પનાની પણ સીમા બહારનું હતું. મોહનદાસ ગાંધીએ પૂરું અઠવાડિયું ‘મણિ ભવન’માં રાજચંદ્ર સાથે વીતાવ્યું. પ્રત્યેક દિવસ નવા જ્ઞાનપ્રકાશનો નીવડ્યો. સૌથી વધુ તો એ હકીકત બેરિસ્ટર ગાંધીના મનમાં વિચારવંટોળ જગાડતી રહી કે રાજચંદ્ર મૂળ હીરા-મોતીના ઝવેરી હતા, રત્નોની સચોટ પરખ કરી જાણતા હતા, વ્યાપારી ગણતરીમાં વ્યવહારકુશળ હતા અને તોય વેપારની સમાંતર આત્મચિંતન કરનારા ધર્મકુશળ પણ હતા. ત્રીસ વર્ષ પછી ગાંધીજી તેમની જોડેના સહવાસ બાદ આવા શબ્દોમાં તેમના વ્યક્તિત્વને વર્ણવવાના હતા :

‘…ચાલ ધીમી હતી. જોનાર સમજી શકે કે ચાલતાં પણ તેઓ વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો. વિહ્વળતા જરાય ન હતી. શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ અને દેખાવ શાંત મૂર્તિનો હતો. કંઠમાં એટલું માધુર્ય કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો, જેના પર અંતરાનંદની છાયા હતી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતા મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ ન લાગે કે ક્યાંય વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.’
 
બેરિસ્ટરની પદવી માટે ઇંગ્લેન્ડ જવા પાછળ મોહનદાસ ગાંધીનો ઇરાદો પોરબંદર સ્ટેટના દીવાનની જશનામી નોકરી મેળવવાનો હતો. દુર્ભાગ્યે તેમના સ્વદેશાગમન બાદ મોટા ભાઇ લક્ષ્મીદાસ અવિચારીપણું દાખવી રાજપરિવારની ખટપટમાં સંડોવાયા હતા. અંગ્રેજ પોલિટિકલ એજન્ટે લક્ષ્મીદાસની પોરબંદર સ્ટેટમાંથી હદપારી કર્યા પછી મોહનદાસને દીવાનપદ મળવાની શક્યતા મુદ્દલે રહી નહિ. આથી તેઓ મુંબઇ હાઇકોર્ટમાં જ વકીલાત કરવા તે શહેરમાં રોકાયા અને રહેવા માટે ગીરગામ ખાતે બે રૂમ ભાડે રાખ્યા. મુંબઇ ત્યારે ‘All India in Miniature’/ ભારતની લઘુઆવૃત્તિ કહેવાતું હતું. આબાદી ફક્ત દસેક લાખ, છતાં લગભગ ચાલીસ બોલીઓ અને ભાષાઓ ત્યાં બોલાતી હતી. પરપ્રાંતના સહિત આશરે ૫૦,૦૦૦ જણા શહેરની ૫૦ સુતરાઉ મિલોમાં નોકરી કરતા હતા.
 
મુંબઇ હાઇકોર્ટમાં બેરિસ્ટર ગાંધી તેમની વકીલાત જમાવી શક્યા નહિ. ગીરગામમાંથી રોજ ચાલીને પાંચેક કિલોમીટર છેટેની હાઇકોર્ટે જાય, પણ અસીલો મેળવવાની સ્પર્ધામાં બીજા જામી ચૂકેલા વકીલોના હસ્તે બહુધા મહાત થવું પડતું હતું. એક કારણ એ કે તેઓ મુંબઇને બદલે ઇતર પ્રાંતના હતા. બીજું એ કે જોશીલા વક્તા ન હતા અને ત્રીજું એ કે અભ્યાસ વિદેશી કાયદાશાસ્ત્રનો કર્યો હોવાને લીધે ભારતીય કાયદાઓ તેમના અભ્યાસક્રમની બહારના હતા. નિષ્ફળતાઓની વણઝારે ફરી તેમને નિરાશાની પકડમાં જકડ્યા અને માનસિક સધિયારા માટે ફરી તેઓ અવારનવાર રાજચંદ્રના શરણે જવા લાગ્યા. ઇતિહાસનો કહો તો ઇતિહાસનો, નિયતિનો કહો તો નિયતિનો–એ પણ યુગાંતરનો કારક સંકેત હતો. મુંબઇની હાઇકોર્ટમાં બેરિસ્ટર તરીકે ઝળક્યા હોત તો ‘મણિ ભવન’ પર જ્ઞાનાવતારની મુલાકાતો લેવા મજબૂર કરતી નિરાશા રહેત નહિ અને કદાચ નવરાશ પણ રહેત નહિ. નિરાશામુક્ત કરી આપતો નિર્લેપતાનો ગુણ તેઓ રાજચંદ્ર સાથેની પ્રશ્નોત્તરી દ્વારા શીખ્યા.
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના વાંકે ત્યાંના અશ્વેત ભારતીયોએ રોજિંદા ધોરણે આવું અપમાન સહેવું પડતું હતું.

બેરિસ્ટર ગાંધી માટે આત્મિક ઉત્થાનનું તો હજી પ્રથમ ચરણ હતું. ઉન્નતિના બીજા ચરણની ભૂમિ સ્વદેશીને બદલે પરદેશી હતી. પોરબંદરની દાદા અબ્દુલ્લા એન્ડ સન્સ નામની વ્યાપારી પેઢીનો અદાલતી કેસ લડવાનો તેમને એ જ અરસામાં કોન્ટ્રાક્ટ મળ્યો, જેના માટે તેમણે દક્ષિણ આફ્રિકા જવાનું હતું. ટ્રાન્સવાલની અદાલતમાં કેસ ચાલતો હોય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું હતું. દક્ષિણ આફ્રિકા ત્યારે apartheid/ રંગભેદની નીતિને અનુસરતો દેશ હતો. સરકારે પોતે એ શરમજનક નીતિને સત્તાવાર ઠરાવી હતી. ટ્રાન્સવાલ, પ્રિટોરિયા, નાતાલ અને ડર્બન સહિત બધે ઠેર ઠેર ‘Europeans Only’, ‘Toilets for Non-Whites’ તથા ‘Indians and Dogs Not Allowed’ જેવાં પાટિયાં વંચાતાં હતાં.

સૌને માટે આજે જાણીતી વાત છે કે ૧૮૯૩માં અદાલતી ખટલા માટે દક્ષિણ આફ્રિકી શહેર ડર્બન ગયેલા મોહનદાસ ગાંધીને પણ જૂન ૭, ૧૮૯૩ની રાત્રે શ્યામ-શ્વેત ત્વચા વચ્ચે ભેદ પાડતી અમાનવીય નીતિનો માઠો અનુભવ થયો. ટ્રેનના ફર્સ્ટ-ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. ફર્સ્ટ-ક્લાસની વાજબી ટિકિટ હતી, પણ ટિકિટનું વાજબીપણું ત્વચાના રંગ મુજબ નક્કી થતું હોવાને લીધે ગોરા ટિકિટ ચેકરે તેમને Pietermaritzburg / પિટરમેરિટ્ઝબર્ગ સ્ટેશને ઉતારી મૂક્યા. રેલવેના કોન્સ્ટેબલને બોલાવી તેમનો સામાન પ્લેટફોર્મ પર ફગાવી દીધો.

પિટરમેરિટ્ઝબર્ગ : મોહનદાસ ગાંધીને જ્યાં પોતે અશ્વેત હોવાનો કટુ અનુભવ થયો

ગોરા ટિકિટ ચેકરનો દુર્વ્યવહાર ફક્ત અન્યાયી નહિ, પણ માનવાધિકારની તેમાં નિંદનીય રીતે અવહેલના થતી હતી. અડધી રાત્રે ભેંકાર રેલવે સ્ટેશન પર કડકડતી ઠંડી વેઠતા મોહનદાસ ગાંધીનું મન (અગાઉ જેમ ઘણી વખત બનેલું તેમ) ફરી વિચારોની આંધીમાં યોગ્ય માર્ગ શોધવા મથતું રહ્યું. કમનસીબે એ વખતે તેમની દીવાદાંડી સમા રાજચંદ્ર ૭,૦૫૦ કિલોમીટર છેટે મુંબઇમાં હતા.

ઇતિહાસકાર લેખક લુઇસ ફિશરે ૧૯૫૧માં પ્રગટ કરેલા તેના પુસ્તક The Life of Mahatma Gandhi માં બેરિસ્ટરની મનોસ્થિતિનો થોડો ઘણો શાબ્દિક ચિતાર આપ્યો. (બ્રિટિશ નિર્માતા-દિગ્દર્શક રિચાર્ડ એટેનબરોએ Gandhi ફિલ્મ માટે તે પુસ્તકનો આધાર લીધો હતો). લુઇસ ફિશરના શબ્દો : ‘શું પાછા ભારત જતા રહેવું? આ ઘટના અંગે શું (પુલિસમાં) ફરિયાદ નોંધાવીને સંતોષ લેવો? અન્યાય સામે ન લડવું ? દાદા અબ્દુલ્લા એન્ડ સન્સનો અદાલતી કેસ પૂરો થાય એટલે પછી સ્વદેશ જતા રહેવું કે પછી હાલતા ને ચાલતા આવા રંગદ્વેષના અન્યાયો વેઠતા હજારો દક્ષિણ આફ્રિકી ભારતીયોને તેમના નસીબે છોડી દેવા તે કાયરતા હતી ?’

ટ્રેનમાંથી ગાંધીને સામાન સમેત બહાર ધકેલી દેનાર ગોરા ટિકિટ ચેકરે તેમને શારીરિક ઈજા પહોંચાડી ન હતી. રંગદ્વેષ જરૂર દાખવેલો, પણ એ તેની વ્યક્તિગત માનસિક સંકુચિતતા હોવાનું બેરિસ્ટર મોહનદાસ ગાંધીએ ધારી લીધું હતું

મગજ અસમંજસમાં હતું. વિચાર કરતાં લાગ્યું કે એકલ-દોકલ ટિકિટ ચેકરના ગેરવર્તન પર બહુ ધ્યાન ન આપવું જોઇએ. ઇતિહાસના કેટલાય ગ્રંથોમાં (અને બેશક અગાઉ ‘સફારી’માં પણ) લખાયું છે કે પિટરમેરિટ્ઝબર્ગ રેલવે પ્લેટફોર્મ પરનો કિસ્સો ભારતના ઇતિહાસ માટે ‘ટર્નિંગ પોઇન્ટ’ બન્યો. લેખક લુઇસ ફિશરના મતે રેલવે સ્ટેશનની નહિ, પણ ત્યાર પછીની ઘટના તવારીખના શકવર્તી પલટા માટે વધુ માત્રામાં કારણભૂત બની. સ્થળ એ વખતે નાતાલ પ્રાંતનું ડર્બન શહેર હતું.

ટ્રેનમાંથી ગાંધીને સામાન સમેત બહાર ધકેલી દેનાર ગોરા ટિકિટ ચેકરે તેમને શારીરિક ઇજા પહોંચાડી ન હતી. રંગદ્વેષ જરૂર દાખવેલો, પણ એ તેની વ્યક્તિગત માનસિક સંકુચિતતા હોવાનું બેરિસ્ટર ગાંધીએ ધારી લીધું હતું. આ ધારણા દક્ષિણ આફ્રિકી નાતાલ પ્રાંતના ડર્બન શહેરમાં ભ્રામક ઠરી, જ્યાં ગોરા લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું અને મારપીટ કરી જમીન પર પછાડી દીધા. ગાંધીની અશ્વેત ત્વચા પ્રત્યે અસહિષ્ણુતા દાખવવામાં માનવતાની આખરી સીમાનો પણ ભંગ કરી નાખ્યો. હવે ગાંધીને સમજાયું કે તેઓ બેરિસ્ટર હતા એ તેમની ઓળખ ન હતી એટલું જ નહિ, પણ તેઓ મનુષ્ય હતા એ પણ તેમને ગોરા લોકોની નજરમાં ઓળખાવી દેવા માટે કાફી ન હતું. અશ્વેત ત્વચા દ્વારા તેમનો પરિચય વ્યક્ત થતો હતો. માત્ર તેમનો જ નહિ, દક્ષિણ આફ્રિકામાં ત્યારે વસતા ૧,૫૨,૦૦૦ ભારતીયોની પહેચાન પણ તેમની ત્વચાનો રંગ હતો. ડર્બનમાં મારપીટ વેઠ્યા બાદ મોહનદાસ ગાંધીને માણસ-માણસ વચ્ચે ત્વચારંગના આધારે દક્ષિણ આફ્રિકામાં જે ભેદ પડાતો એ તેમને હવે પોતાના વ્યક્તિગત પ્રશ્નને બદલે સમગ્ર માનવસમાજનો પ્રશ્ન લાગ્યો. હવે તેની સામે લડવું જરૂરી પણ લાગ્યું.

સંકુચિત માનસિકતા સામેની અને તદુપરાંત સત્તાધારી હકૂમત સામેની પણ લડત માટેનું શસ્ત્ર કયું? એક લડવૈયાનું આખરે ગજું પણ કેટલું ? વર્ષો બાદ ગાંધીએ પોતાની આત્મકથામાં લખ્યું તેમ જ્યારે પણ તેઓ આધ્યાત્મિક સંકટમાં આવી પડતા એટલે કે મનોવ્યથામાં અટવાતા ત્યારે (દિશાનિર્દેશ માટે) રાજચંદ્રના આશ્રયે જતા હતા. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પ્રત્યે કરાતું ભેદભાવપૂર્ણ અને ક્યારેક તો અમાનુષિ વર્તન રોજેરોજ જોતા મોહનદાસ ગાંધીએ બીજે વર્ષે એટલે કે ૧૮૯૪માં તેમના પથદર્શક રાજચંદ્રને સંખ્યાબંધ પત્રો લખ્યા. મનમાં ઘમસાણ મચાવતા પ્રશ્નો તે પત્રોમાં હતા. રાજચંદ્ર (હવે પછી માનાર્થે શ્રીમદ્ રાજચંદ્ર) દ્વારા એ તમામના જે તર્કશીલ જવાબો પ્રાપ્ત થયા તેમાં એકસમાન ધ્વનિ સત્ય માટેના આગ્રહને પકડી રાખવાનો અને નીડરપણે માત્ર આત્માના સાદને અનુસરવાનો હતો. અનીતિ સામે સુનીતિનું હથિયાર વાપરવાની શ્રીમદ્ રાજચંદ્રએ દ્વિધાગ્રસ્ત મોહનદાસ ગાંધીને સલાહ આપી હતી.

દક્ષિણ આફ્રિકાનો રંગદ્વેષી લશ્કરી અફસર જનરલ જાન સ્મટ્સ

પત્રવ્યવહાર લાંબો ચાલ્યો. પત્રો ડઝનબંધ હતા. દુર્ભાગ્યવશ તેમાંના ઘણાખરા સચવાયા નહિ. ઇતિહાસના અમુક સ્ત્રોતો મુજબ ગાંધી પોતે લંડન ગયા એ વખતે ત્યાંની બસમાં પત્રોનું વીંટલું ભૂલી ગયા હતા. એક વાર ૧૮૯૬માં તેમણે ભારતની મુલાકાત લીધી, પણ બહુ ટૂંકી હોવાને લીધે શ્રીમદ્ રાજચંદ્રને રૂબરૂ મળી શક્યા નહિ. ધર્મપત્ની કસ્તૂરબાને તથા પુત્રોને દક્ષિણ આફ્રિકા લઇ જવા માટે તેઓ રાજકોટ ગયા હતા અને પછી ત્યાંના ભારતીયોની દુર્દશાની અહીંના દેશવાસીઓને જાણકારી આપવા મુંબઇ, પૂના, મદ્રાસ અને કલકત્તામાં સમય વીતાવ્યો હતો.

ભારતની આગામી મુલાકાત વખતે શ્રીમદ્ રાજચંદ્ર જોડે ઘણો સમય વીતાવવાની આકાંક્ષા હતી, પણ તે શુભ અવસર તેમના ભાગ્યમાં ન હતો. દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિઆ અદાલતમાં હજી પોતાના અસીલ દાદા અબ્દુલ્લા એન્ડ સન્સ વતી કેસ લડી રહેલા ગાંધીને મે, ૧૯૦૧માં સમાચાર મળ્યા કે તેમના પથદર્શક શ્રીમદ્ રાજચંદ્રનો દેહવિલય થયો હતો. વિષાદનો પહાડ ગાંધીના માથે તૂટી પડ્યો અને તેમણે મનોવ્યથા ઠાલવતો લાંબો પત્ર શ્રીમદ્ના કાકાજી સસરા રેવાશંકર ઝવેરીને લખ્યો.

દક્ષિણ આફ્રિકામાં ભારતીયો (તેમજ મૂળ વતની હબસીઓ) પ્રત્યે ગોરાઓના રંગદ્વેષ સામે બેરિસ્ટર ગાંધીએ દરમ્યાન જે સંઘર્ષ ચલાવ્યો તેમાં શસ્ત્ર તરીકે શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા મળેલી શીખ હતી. પ્રેરણા અને પથદર્શન માટે તેઓ વખતોવખત રાજચંદ્રના પત્રો વાંચી આધ્યાત્મિક બળ મેળવતા હતા. ‘આ પાર કે પેલે પાર’ જેવા સંઘર્ષમાં તેમનો જક્કી અને જુલમી પ્રતિસ્પર્ધી જનરલ જાન સ્મટ્સ હતો, જે વખત જતાં દક્ષિણ આફ્રિકાનો વડો પ્રધાન બનવાનો હતો. અશ્વેતોને સત્યના માર્ગે ન્યાય અપાવવાના પ્રયાસોમાં બેરિસ્ટર ગાંધીએ કેટલીયે વાર કારાવાસ વેઠ્યો, રંગદ્વેષી ગોરાઓના હાથે લોહીલુહાણ થયા અને ચોતરફી બહિષ્કારનો પણ ભોગ બન્યા. નખશિખ રંગદ્વેષી જનરલ જાન સ્મટ્સ ઇચ્છતો કે મોહનદાસ ગાંધી ક્રોધિત બની સામો થાય, એકાદ પુલિસ અધિકારી સામે શારીરિક બળ વાપરી પ્રતિકાર કરે અને પોતે કડક કાનૂની કલમ લાગુ પાડી તેમને વર્ષો માટે જેલભેગા કરી દે. જનરલ સ્મટ્સના કમભાગ્યે મોહનદાસ ગાંધીને શીખ એ મળેલી કે ક્રોધ અજ્ઞાનદશામાં જન્મે, એટલે તેમણે નિર્લેપ અને નિર્ભય રહી માત્ર સત્યના તેમજ સત્ત્વના સામર્થ્ય વડે બધા અત્યાચારો સહી લીધા. ધાકધમકીની, મારપીટની કે ધરપકડની તેમના પર કશી અસર જ થતી ન હતી, એટલે તેમની સાથે શી રીતે કામ પાડવું તે જનરલ જાન સ્મટ્સ સમજી શકતો ન હતો.

આ જનરલ-કમ-પોલિટિશિઅન અને તેની રંગદ્વેષી સરકાર આખરે શિકસ્ત પામ્યા. મોહનદાસ ગાંધીના અહિંસક સત્યાગ્રહે દક્ષિણ આફ્રિકાની હકૂમતને જગતભરમાં એટલી બદનામ કરી મૂકી કે તેણે ગાંધીની ન્યાયી માગણીઓ સામે નમતું જોખ્યું. ‘અશ્વેત ત્વચા’ પરનો સરેરાશ ૩ પાઉન્ડનો વેરો પાછો ખેંચ્યો, ટ્રાન્સવાલ નામના પ્રાંતમાં ભારતીયો માટેના પ્રતિબંધિત વિસ્તારોને મુક્ત અવર -જવર માટે ખુલ્લા મૂક્યા, નાતાલ પ્રાંતની ધારાસભામાં મતાધિકાર આપ્યો તેમજ દરેક ભારતીયની ફિંગરપ્રિન્ટ પુલિસ રેકોર્ડ માટે લેવાનો તેમજ ભારતીયો માટે ઓળખકાર્ડ જરૂરી ઠરાવતો વર્ષો જૂનો કાયદો નાબૂદ કર્યો. વેઠમજૂરીના નીતિનિયમોમાં રંગદ્વેષી સરકારે છૂટછાટ મૂકવાની ફરજ પડી અને ભારતીય બંધક મજૂરોએ રાહતનો દમ ખેંચ્યો.

દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધીએ ૨૦ વર્ષ ગાળ્યાં. સંઘર્ષ બહુ લાંબો નીવડ્યો. વાત સાચી કે સત્યના આગ્રહ પર કેંદ્રિત અહિંસક લડત સફળ થયા બદલ મોહનદાસ ગાંધીને મોહનદાસ ગાંધીના દક્ષિણ આફ્રિકા જોડેના સંબંધની યાદ અપાવતો જોહાનિસબર્ગનો ગાંધી સ્ક્વેર વિશ્વભરમાંથી અભિનંદનની પુષ્પવર્ષા કરતા ૧૩૨ ટેલિગ્રામ મળ્યા. ઉપરાંત એ પણ સાચું કે લાંબે ગાળે જોહાનિસબર્ગ ખાતે તેમની સ્મૃતિમાં Gandhi Square/ગાંધી ચોકનું અને તેમની એકવડી પ્રતિમાનું અનાવરણ થવાનું હતું. આમ છતાં દક્ષિણ આફ્રિકી ભારતીયો કરતાં ક્યાંય વધુ કરુણાજનક સ્થિતિ અહીં ઘરઆંગણે માતૃભૂમિના ભારતીયોની હતી. અંગ્રેજ હકૂમતદારો ભારતીય પ્રજાજનોનું બેફામપણે આર્થિક શોષણ કરતા હતા. બેરિસ્ટર ગાંધીએ શોષિત અને પીડિત દેશબાંધવોની સંકટમુક્તિ માટે વહેલી તકે ભારત પાછા ફરવાની જરૂર હતી. આ વાત તેમને રૂબરૂમાં ભારપૂર્વક કહેવા ડો. પ્રાણજીવન મહેતા વર્ષો અગાઉ ૧૮૯૮માં ડર્બન ગયા હતા. જાલિમ અંગ્રેજો ભારતને પીંઢારાની જેમ લૂંટ્યે જતા હતા અને દેશના આશરે પોણા ભાગના પ્રજાજનોને બે ટંકના રોટલાનાં વલખાં હતાં.

બીજાં ઘણાં વર્ષો ત્યાર પછી તો વીત્યાં. આખરે જૂન, ૧૯૧૪માં બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી Kinfaus Castle નામની સ્ટીમરમાં પરિવાર સાથે પોતાના વતન તરફ હંકાર્યા. સમય જતાં ‘પ્રવાસી ભારતીય દિવસ’ જાહેર થનાર જાન્યુઆરી ૯, ૧૯૧૫ના દિવસે મુંબઇ પહોંચ્યા. ઇતિહાસનો નવો અધ્યાય હવે લખાવાનો હતો, જેનો મૂળ સ્રોત પણ એ જ તત્ત્વચિંતક હતા કે જેમની સાથે ગાંધીને પહેલીવાર ભેટો ૨૪ વર્ષ અગાઉ જુલાઇ, ૧૮૯૧ દરમ્યાન મુંબઇ ખાતે ગામદેવી વિસ્તારના ‘મણિ ભવન’માં થયો હતો.

ઇતિહાસના નવા અધ્યાયને લાંબા અરસા બાદ સરવાળે યુગપરિવર્તક તરીકે પ્રમાણિત કરે અને દક્ષિણ આફ્રિકામાં જે પ્રકરણ લખાયું તેને ભલે અગત્યનું છતાં આમુખ જ ઠરાવે એવા સંજોગો તે સમયના ભારતમાં હતા. બન્ને વચ્ચેનો ભેદ સહેજ પારખો : દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર ગાંધીએ માત્ર રંગદ્વેષની માનસિકતાને અહિંસક લડાઇ આપવાની હતી. ગોરાઓની અસહિષ્ણુતા તેમની પ્રતિદ્વંદ્વી હતી. ભારતમાં ૨૮ કરોડ લોકોને બંદીમાં રાખી તેમના પર કઠોર રીતે હકૂમત ચલાવતા ગોરા શાસકોને અહિંસાના તથા સત્યના શસ્ત્ર વડે મહાત કરવાના હતા.

આ સિવાય ડો. પ્રાણજીવન મહેતાએ જણાવ્યું તેમ ગોરા અંગ્રેજો જાલિમ શોષણખોર હતા અને સૌ પહેલાં તો એ સમસ્યા તાકીદે હલ કરવાની હતી. ૧૯૦૧માં દાદાભાઇ નવરોજીએ કરેલી હિસાબી ગણતરી મુજબ અંગ્રેજ શાસકો ભારતની સરેરાશ વાર્ષિક દરે ૩,૦૦,૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી સંપત્તિ બ્રિટનભેગી કરતા હતા. વિટંબણા તો એ કે માત્ર ૧૦,૦૦૦ ગોરા લશ્કરી અફસરો તથા માંડ ૨,૦૦૦ ગોરા મુલ્કી/ civilian અમલદારો અઠ્ઠાવીસ કરોડ ભારતીયોને ગુલામીમાં રાખી વર્ષોવર્ષ તેમને ઓર ને ઓર દરિદ્ર બનાવી રહ્યા હતા.

અંગ્રેજો માટે ભૂરું સોનું સાબિત થયેલો ગળીનો છોડ

શોષણખોરીનાં ગણાવ્યાં જ કરો એટલાં દ્રષ્ટાંતોમાં એક દ્રષ્ટાંત બિહારના ચંપારણ પ્રદેશમાં ઢોરોથી બદતર જિંદગી ગુજારતા ભારતીય ખેતમજૂરોનું હતું. સૌ bonded labourers/ બંધક મજૂરોની દશામાં હતા. ઇ.સ. ૧૮૪૩માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણે ત્યાં ગુલામીની પ્રથા ખાસ કાયદાની રૂએ નાબૂદ કરી હતી, પરંતુ ગોરા અમલદારો પોતાનો મતલબ સાધવા કાયદાને પોતાનાં મનફાવતાં ઠાવકાં વાઘાં પહેરાવી જાણતા હતા. કૃષિ ઉપરાંત ઘણા ઉદ્યોગોનાં ક્ષેત્રે પણ કરોડો ભારતીયો ગોરા દમનખોરોની આપખુદી નીચે કચડાતા હતા. વિદેશમાં બે દસકા વીતાવનાર મોહનદાસ ગાંધી અહીંની પરિસ્થિતિ વિશે પૂરા વાકેફ નહોતા, એટલે ગોપાલકૃષ્ણ ગોખલે જેવા કોંગ્રેસી આગેવાનોએ તેમને બનતી વિગતે માહિતગાર કર્યા. (ગાંધીએ કોંગ્રેસનું સભ્યપદ મેળવી લીધું હતું). માહિતી અપૂર્ણ હતી. વિશાળ ફેલાયેલા પરાધીન ભારતનું પરિપૂર્ણ ચિત્ર આંકવું શક્ય જ ન હતું. બધે રૂબરૂ ફરી વળાય તો જ સ્થિતિનો ખ્યાલ મળે તેમ હતો.

આ મુદ્દો બીજે વર્ષે ડિસેમ્બર, ૧૯૧૬માં લખનૌ ખાતે ભરાયેલા કોંગ્રેસના ૩૧મા અધિવેશન વખતે સપાટી પર આવ્યો. બિહાર, ગુજરાત, મદ્રાસ, બંગાળ, કેંદ્રીય પ્રાંતો વગેરેના સહિત ૨,૩૦૦ પ્રતિનિધિઓ તેમાં ભાગ લઇ રહ્યા હતા. બિહારને લગતા બે ઠરાવો પસાર કરવાના હતા. એક પટણા યુનિવર્સિટી અંગેનો હતો. બીજા (અતિ અગત્યના) ઠરાવમાં બિહારના ચંપારણ જિલ્લામાં અંગ્રેજ ઠેકેદારો દ્વારા કરાતા ભારતીય ખેતમજૂરોના શોષણ-દમનની વાત હતી. આ વર્ષો જૂની સમસ્યા વિશે પંડિત મદનમોહન માલવિયા (ભારતરત્ન) અને બીજા કોંગ્રેસી આગેવાનોને ઠીક ઠીક અંશે ખ્યાલ હતો, પરંતુ ગાંધી સાવ અજાણ હતા. બિહારનું પ્રતિનિધિત્વ કરનાર સભ્યોએ ચંપારણના indigo/ ગળીનાં ખેતરોમાં અંગ્રેજોની જોહુકમી વેઠતા ભારતીય મજૂરો વિશે બોલવા ગાંધીને વિનવ્યા ત્યારે નકારમાં જવાબ મળ્યો. વિષયની જાણકારી વિના પ્રવચન આપી શકાય તેમ ન હતું. અંતે ખેતમજૂરોના જ ચંપારણવાસી નેતા પંડિત રાજકુમાર શુક્લએ ત્યાંના પીડિતોની દુર્દશા હૃદયદ્રાવક શબ્દોમાં વર્ણવતું પ્રવચન આપ્યું. મોહનદાસ ગાંધીને અરજ પણ કરી કે અંગ્રેજ ઠેકેદારોના સાણસામાં જકડાયેલા દરિદ્ર કિસાનોને મુક્તિ અપાવવા વહેલી તકે ચંપારણની મુલાકાત લે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીએ ચલાવેલી અહિંસક ચળવળ પંડિત રાજકુમાર શુક્લ (નીચેનું ચિત્ર) માટે આશાનું કિરણ બની હતી. મોહનદાસ ગાંધીએ માર્ચ કે એપ્રિલ, ૧૯૧૭માં એટલે કે લખનૌ અધિવેશન પછીના ત્રીજા કે ચોથા મહિને ચંપારણની મુલાકાત લેવાનું વચન આપ્યું.

આ ખબર પંડિત શુક્લ દ્વારા ચંપારણ પહોંચ્યા ત્યારે ધોમધખતી મરુભૂમિ પર ઓચિંતું માવઠું વરસ્યા જેવો આનંદ ખેતમજૂરોમાં વ્યાપ્યો. દિવસો બાદ શુક્લએ માર્ચ ૧૬, ૧૯૧૭ની તારીખે મોહનદાસ ગાંધીને તેમનું વચન યાદ અપાવતો પત્ર લખ્યો. ટેલિગ્રામ દ્વારા પ્રત્યુત્તર સકારાત્મક મળ્યો. ગાંધીએ બીજે મહિને એપ્રિલ, ૧૯૧૭માં ચંપારણની મુલાકાત લેવાનો અને ત્યાં લાંબું રોકાણ કરી પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધાનું રાજકુમાર શુક્લને જણાવ્યું.

ઇંગ્લેન્ડમાં મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર થવા માટે કાયદાશાસ્ત્ર ભણ્યા તેને બદલે ભારતમાં રહી ઇતિહાસ ભણ્યા હોત તો જુદી વાત હતી. ઇતિહાસ વાંચીને ગાંધી એ વાતથી પૂરા વાકેફ થાત કે બ્રિટિશ હકૂમતના જુલમગારોએ ગળીને (હિંદીમાં नीलને) આપણા લાખો દેશબંધુ કિસાનોનો લોહી-પસીનો વેચી પોતાની તિજોરીઓ ભરવાનું માધ્યમ બનાવી હતી.

સત્તરમી સદીની શરૂઆતે અંગ્રેજોએ ભારતમાં તેમના આવા પાપનું મૂળ નાખ્યું. થોડુંક ફ્લેશબેક જાણવું એટલા માટે જરૂરી કે મોહનદાસ ગાંધીએ તેમના પથદર્શક શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મેળવેલા સત્યોપદેશના ચંપારણમાં થનાર કઠોર પરીક્ષણનો સંકેત તે ફ્લેશબેકમાં હતો. ઘટનાશૃંખલા આમ હતી : ઇ.સ. ૧૬૧૫ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ કમાન્ડર નિકોલસ ડાઉનટનના નૌકાકાફલાએ આપણા પશ્ચિમ કિનારે દરિયાઇ યુદ્ધમાં પોર્તુગિઝ મનવારોના બેડાને હરાવી ભારતમાં વાયા સુરત પ્રવેશ મેળવ્યો. અહીં ગઠરીબંધ જે પહેલો જેકપોટ લાગ્યો તે ગળીનો હતો.

છોડનાં પાંદડાંને લાકડાં વડે કલાકો સુધી પુષ્કળ દબાણ આપવામાં આવે ત્યારે માંડ તેમાંથી ગળીનો અર્ક નીકળે. આ કાર્ય ભારે કષ્ટદાયક હતું

વિજ્ઞાન મુજબ ત્રણ મૂળભૂત રંગો પૈકી લાલ અને પીળો અંગ્રેજોને બીજી વનસ્પતિનાં રંગદ્રવ્યો / pigments તરીકે મળી ચૂક્યા હતા. ખૂટતો રંગ વાદળી / indigo હતો. સિંધુપ્રદેશમાં, અમદાવાદના સરખેજમાં અને ત્યાર પછી બહુ મોટા પાયે બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગળીનો વ્યાપારી કારોબાર સ્થાપ્યો, જેમાં કમાણી અભણ-અબુધ ભારતીય ખેતમજૂરોના જંગાલિયતની હદે કરાતા શોષણ પર આધારિત હતી. (‘જંગાલિયત’ શબ્દને અતિશયોક્તિ ગણતા નહિ). સૌથી બૂરા હાલ બંગાળના ખેડૂતોના હતા. ગળીનું ઉત્પાદન ૧૭૭૭માં શરૂ થયા પછી અંગ્રેજ ઠેકેદારો ઘણીખરી ઉપજ બંગાળમાં લેવા માંડ્યા હતા. ઇંગ્લેન્ડમાં ગળી કપડાં રંગવા માટે વપરાતી હતી. બ્રિટિશ નૌકાઅફસરોના યુનિફોર્મનો બ્લ્યૂ કલર ગળીને જ આભારી હતો. બીજી તરફ ભારતમાં ગળીનું ચલણ લગભગ ન હતું. ગરીબ ભારતમાં આવશ્યક ખેતપેદાશ તો અનાજ, પરંતુ planters કહેવાતા અંગ્રેજ ઠેકેદારો ખેડૂતોને તથા ખેતમજૂરોને ધાન્યોને બદલે ગળીના છોડનું વાવેતર કરવાની ફરજ પાડતા હતા. વાવેતર માટે ભારે વ્યાજે લોન આપે, જે કિસાનો જીવનભર ભરપાઇ કરી શકે નહિ.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ planters અંગ્રેજોને ભારતીયો પર દમન ગુજારવાની સુવિધા કરી આપતો કાયદો ૧૮૩૩માં ઘડ્યા પછી અંગ્રેજોના સિતમો હદપાર વધ્યા. અનાજની ફસલ લેતા ખેડૂતોનો ઊભો મોલ બાળી નખાય, ગોરાઓની ભાડૂતી ગુંડાટોળી લાઠીઓ ફટકારી આવા ખેડૂતોનાં માથાં ફોડે અને પ્રતિકાર માટે સામો થનાર ખેડૂત તો જીવતો બચે નહિ. ઇજારેદાર અંગ્રેજોના ભાડૂતી બદમાશો જે ખેડૂતનું અપહરણ કરી જાય તેને પણ તેનાં કુટુંબીજનો ફરી કદી જોવા પામતાં ન હતાં. અંગ્રેજોના દમનરાજને લીધે બંગાળનો બહુ મોટો શ્રમિક વર્ગ ભૂખમરાની સ્થિતિમાં આવી પડ્યો, કેમ કે ખેતરોમાં ધાન્યોના છોડની જગ્યાએ ગળીના છોડ લહેરાતા હતા.

બંગાળમાં કરાતા જોરજુલમો વિશે અન્ય પ્રાંતોના ભારતીયોને જાણ થતી ન હતી, માટે ગોરા ઠેકેદારો પીડિત બંગાળી કિસાનો પર દમનના કોરડા વીંઝવામાં ગમે તે હદે જઇ શકતા હતા. ઘણાં વર્ષ પછી બંગાળના ફરિદપુર સબડિવિઝનના રહેમદિલ અંગ્રેજ મેજિસ્ટ્રેટ આર. ડબ્લ્યૂ. એલ. ટાવરે લખ્યું : ‘Not a chest of indigo reached England without being stained with human blood.’ (ઇંગ્લેન્ડ પહોંચતી ગળીની એકેય પેટી એવી નહોતી કે જે માણસના લોહી વડે ખરડાયેલી ન હોય). ‘I have seen several ryots, sent in to me as a Magistrate, who have been speared through the body.’ (મેજિસ્ટ્રેટ હોવાને નાતે મારી પાસે મોકલાયેલા કેટલાય ખેડૂતોનાં શરીર મેં ભાલા વડે વીંધાયેલાં જોયાં હતાં.) ‘I have had ryots before me who have been shot down by Mr. Forde, a planter.’ (મિ. ફોર્ડ નામના ઠેકેદારે ગોળીએ દીધેલા ખેડૂતો પણ મારા જોવામાં આવ્યા હતા). ‘…such a system of carrying on indigo, I consider to be a system of bloodshed.’ (આ રીતે ગળીનો કારોબાર ચલાવવાની પ્રણાલીને હું રક્તપાતની પ્રણાલી ગણું છું.)

આઠ દસકા સુધી દરિદ્રતા, ભૂખમરો અને દમન સહેતા રહીને જીવ પર આવી ગયેલા ખેડૂતોએ (તથા અંગ્રેજોને તુચ્છ દરે ખેતજમીન ભાડે દેવા જમીનદારોએ પણ) છેવટે ૧૮૫૯માં બળવો કર્યો. ઇતિહાસમાં નીલ વિદ્રોહ તરીકે ઓળખાયેલું તે વ્યાપક આંદોલન કૃષિક્ષેત્રે અભૂતપૂર્વ હતું. બંગાળના અડધોઅડધ પ્રદેશમાં આક્રોશ ફરી વળ્યો. (જુઓ, ઉપરનો નકશો). લોકોએ ગળી તારવવાનાં કારખાનાં હથોડા-કુહાડા મારીને તોડી નાખ્યાં, સ્ત્રીવર્ગ પણ મરીમસાલાના ખાંડણિયા સાથે નીકળી પડી અને ચારેકોર ખેતરોમાં ગળીના છોડ ઉખાડી નાખવામાં આવ્યા. વિપ્લવ ડામવા માટે અંગ્રેજોએ કેટલાય ચળવળકારોને વૃક્ષોની ડાળે ફાંસી પર લટકાવી દીધા. દીનબંધુ મિત્ર નામના પ્રસિદ્ધ બંગાળી લેખકે ૧૮૬૦માં પોતાના ‘નીલ દર્પણ’ નાટકમાં ખેતમજૂરોની દુર્દશા આલેખી ત્યારે અંગ્રેજોનાં દુષ્કૃત્યો પ્રકાશમાં આવ્યાં.

બંગાળમાં દમનચક્ર આગળ ચલાવવાનું અંગ્રેજોએ ભૂલી જવું પડ્યું અને ૧૮૬૦ પછી ત્યાં કારોબાર સમેટી લીધો. અલબત્ત, ગળીને ભૂલ્યા નહિ. વનસ્પતિજન્ય એવાં બીજાં રંગદ્રવ્યો/ dyes કરતાં ગળી એ વાતે જુદી ગણાય કે કાપડના તાણા અને વાણા સાથે ઓતપ્રોત થયેલા તેના રેણુઓ પાણીમાં ન ઓગળે, માટે કાપડને વારંવાર ધોયા છતાં તે ભોઠું પડે નહિ. ઇંગ્લેન્ડમાં તથા બીજા યુરોપી દેશોમાં આવા પાકા ટેક્ષટાઇલ કલરનો સદંતર અભાવ હતો. અંગ્રેજો માટે ગળીનો ધંધો વળી નફાને બદલે નફાખોરીનો, એટલે બંગાળમાં પોતાનું દૈત્યરાજ સંકેલ્યા પછી બિહારના ઉત્તર-પશ્ચિમી ચંપારણમાં પડાવ નાખ્યો. બિલકુલ એ જ સિતમખોરીનો દોર શરૂ કર્યો કે જે બંગાળમાં ૮૨ વર્ષ સુધી ચલાવ્યો હતો. અલબત્ત, પ્રમાણમાપમાં ફરક હતો. ચંપારણના બંધક ખેતમજૂરો પ્રત્યે ગોરા અંગ્રેજોની દમનનીતિ વધુ ‘ઊંચાઇ’ સર કરવાની હતી. બેરિસ્ટરીના અભ્યાસ માટે ઇ.સ. ૧૮૮૮માં મોહનદાસ ગાંધી ઇંગ્લેન્ડ પહોંચ્યા તે વર્ષે (૧૮૮૭-૧૮૮૮માં) ચંપારણના ગોરા planters/ ઠેકેદારોએ ઇંગ્લેન્ડ સહિત કેટલા દેશોને કેટલા વજનની અને કિંમતની ગળી નિકાસ કરીને પોતાના ખજાના ભર્યા તેનો આંકડાકીય કોઠો જોઇ લો.

ચંપારણના બેડીબંધ કિસાનો પર બંદૂકો, કોરડા, લાઠી અને કટાર જેવાં શસ્ત્રો વડે હિંસાખોરી ચલાવી પોતાનું ધાર્યું કરાવતા અર્ધમાનવ ગોરાઓ સામે લડવા મોહનદાસ ગાંધી પાસે કયું શસ્ત્ર હતું? વિચારોના પારસ્પરિક વિરોધાભાસોને લીધે મૂંઝવણના ધુમ્મસ વચ્ચે ક્યારેક દિશાશૂન્ય થઇ જતા મોહનદાસ ગાંધી માટે દીવાદાંડી બનનાર શ્રીમદ્ રાજચંદ્રએ આપેલો સત્યોપદેશ ગાંધી માટે લડતના ભાથાનું એકમાત્ર હથિયાર હતો. શ્રીમદે તેમને લખેલા તારીખ સપ્ટેમ્બર ૭, ૧૮૯૪; ફેબ્રુઆરી ૧૫, ૧૮૯૫ તથા ઓક્ટોબર ૯, ૧૮૯૬ એમ ભલે ફક્ત ત્રણ પત્રો આજે સચવાયા હોય, પણ ધ્યાન રહે કે ૧૮૯૧ થી ૧૯૦૧ સુધી અર્થાત્ કુલ ૧૦ વર્ષ સુધી બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. એક ધારણા મુજબ ૨૦૦ કરતાં વધુ પત્રોની તેમણે આપ-લે કરી હતી.

શ્રીમદ્ રાજચંદ્રનો વિવિધ પાસાંને લગતો આધ્યાત્મિક વિવરણનો પ્રસાર અતિ વિશાળ હતો. મોહનદાસ ગાંધી તેને અર્ક સ્વરૂપના એક શબ્દમાં સમાવી લેવા માગતા હતા. અગાઉ તેમણે નિષ્ક્રિય પ્રતિરોધ એવો શબ્દપ્રયોગ યોજ્યો, પણ તે જામતો ન હતો

શ્રીમદ્ રાજચંદ્રનો દરેક પત્ર કોઇ ને કોઇક રીતે તાર્કિક અને સાતિ્ત્વક દિશાનિર્દેશ કરનારો હતો. ઉદાહરણ તરીકે બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા તે દરમ્યાન ભારતમાં કેટલાક દલિતોની વર્ણવિગ્રહના ભાગરૂપે હત્યા થયાની જાણકારી તેમને મળી હતી. આ સમાચારે તેમને એવા દુઃખી કરી દીધા કે તેમણે મુસ્લિમ યા ખ્રિસ્તી બની જવાનું વિચાર્યું. શ્રીમદ્ રાજચંદ્રએ તેમને એ પગલું ન ભરવાની સલાહ આપીને જણાવ્યું કે તેઓ હિંદુ રહીને પણ સમાજમાં સમરસતા લાવી શકે તેમ હતા. આવશ્યકતા ફક્ત કરુણાસભર સંવેદના, અહિંસા તથા સત્યના માર્ગને વળગી રહી અનર્થોનો પ્રતિરોધ કરવાની હતી.

વર્ષો પહેલાં મુંબઇના ‘મણિ ભવન’ ખાતે બેરિસ્ટર ગાંધીને શ્રીમદ્ રાજચંદ્ર પાસે જે સત્યોપદેશ મળ્યો તેની લિટમસ ટેસ્ટ હવે ચંપારણમાં થવાની હતી

શ્રીમદ્ રાજચંદ્રનો વિવિધ પાસાંને લગતો આધ્યાત્મિક વિવરણનો પ્રસાર અતિ વિશાળ હતો. મોહનદાસ ગાંધી તેને અર્ક સ્વરૂપના એક શબ્દમાં સમાવી લેવા માગતા હતા. અગાઉ તેમણે passive resistance/ નિષિ્ક્રય પ્રતિરોધ એવો શબ્દપ્રયોગ યોજ્યો હતો, પણ ત્યાર બાદ લાગ્યું કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની આધ્યાત્મિકતા બરાબર વ્યાખ્યાબદ્ધ થતી ન હતી. આથી તેમણે પોતાની Indian Opinion પત્રિકાના વાચકો પાસેથી સૂચનો મંગાવ્યાં. શ્રીયુત્ મગનલાલ નામના વાચકે સદ્ગુણ, સદ્વર્તન, સદ્ભાવ વગેરે જેવો સકારાત્મક ધ્વનિ પ્રગટ કરતો ‘સદાગ્રહ’ (સદ + આગ્રહ) શબ્દ સૂચવ્યો. મોહનદાસ ગાંધીને તે જચ્યો, છતાં સત્યને જ પરમ ગણી તેમણે શબ્દ સહેજ બદલ્યો અને ‘સત્યાગ્રહ’ કર્યો.

દિલ્લીના ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના આર. આર. દિવાકરે પોતાના Saga of Satyagrah માં લખ્યું કે સંસ્કૃત સાહિત્યમાં ‘સત્ય’ શબ્દ છે, પરંતુ ‘સત્યાગ્રહ’ ક્યાંય નથી. પરિણામે સંસ્કૃતના પગલે રચાયેલી હિંદી, મરાઠી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં પણ નહિ. ‘સત્ય’ શબ્દ જે અર્થમાં ગાંધીએ દર્શાવ્યો તે પણ સર્વસાધારણ રીતે વપરાય તે અર્થનો નથી. સત્યનિષ્ઠાની તથા સત્યશીલતાની તેમાં વાત છે, એટલે ‘પૃથ્વી એક ગ્રહ છે’ તે વાત સત્ય હોવા છતાં ગાંધીએ કરેલી વ્યાખ્યામાં એવા સત્ય માટે સ્થાન નથી.

એપ્રિલ ૯, ૧૯૧૭ના દિવસે મોહનદાસ ગાંધી પચાસેક વર્ષ થયે પરાણે ગળીની ખેતી કરતા પીડિત ખેતમજૂરોના હમદર્દ પ્રતિનિધિ રાજકુમાર શુક્લ સાથે બિહારના ચંપારણ જવા નીકળ્યા. ઘટના સો વર્ષ પહેલાંની હોવાને લીધે થોડુંક બેકગ્રાઉન્ડ નોંધી લેવું રહ્યું. ઉત્તર-પશ્ચિમ બિહારમાં નેપાળની સરહદ નજીક આવેલા ચંપારણનું મૂળ નામ ચંપારણ્ય હતું, જ્યાં સીતાજી તેમનાં બે પુત્રો લવ અને કુશ સાથે વાલ્મિકી મુનિના આશ્રમમાં રહ્યાં હતાં. પિતા-પુત્રો વચ્ચે યુદ્ધ પણ ત્યાં જ થયું હતું. હજારો વર્ષ પછી ૧૩મી અને ૧૪મી સદીમાં તે પ્રદેશ મુસ્લિમ આક્રમકોના કબજા નીચે આવ્યો. ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વખત જતાં બિહારની હકૂમતદાર બની. અંગ્રેજોએ ૧૮૬૬માં નકશા પર ચંપારણ જિલ્લો આંક્યો, જેનું કુલ ક્ષેત્રફળ ૯,૧૪૫ ચોરસ કિલોમીટર હતું. સૌથી વધુ આબાદી ધરાવતાં બે કેંદ્રો પૂર્વ તરફનું બેતિયા અને પશ્ચિમ તરફનું મોતીહારી હતાં. (જુઓ, બતાવેલો ૧૯૧૭ની સાલનો નકશો). જિલ્લામાં ગામો ૨,૮૪૧ અને વસ્તી ૧૯૧૧માં કરાયેલી ગણતરી મુજબ ૧૯,૦૮,૩૮૫ હતી.

અંગ્રેજોએ ૧૮૭૫માં બેતિયા રાજ તરીકે ઓળખાતા ૫,૧૮૦ ચોરસ કિલોમીટરના રજવાડી-કમ-જમીનદારી પ્રદેશમાં ગળીનો ધંધો શરૂ કર્યો. મોતીહારીના ૩,૯૬૫ ચોરસ કિલોમીટરના પ્રદેશને પણ એ જ રીતે ગળીના વાવેતર નીચે લાવી દીધો. ૧૯૦૧ સુધીમાં તેમણે કુલ ૮૬,૦૦૦ એકરના ખેતરોમાં ૩૩,૦૦૦થી વધુ ભારતીય ખેડૂતોને ગળીની ખેતીમાં ફરજિયાત જોતરી દીધા. ખેડૂતોને ખાંડ માટેની શેરડી ઊગાડવામાં ઘણી વધુ આવક મળતી હતી, પરંતુ જુલમખોર ગોરા planters/ ઠેકેદારોએ તેમને ફક્ત ૧૩,૦૦૦ એકરમાં શેરડીનો પાક લેવાની છૂટ આપી હતી. મારપીટ, હત્યા, અપહરણ, કોરડાના ફટકા, ગળી સિવાયની ‘ગેરકાયદે’ ફસલોનો ખાત્મો વગેરે તેમનાં શસ્ત્રો હતાં.

આ સરાસર અન્યાયના તેમજ અમાનુષિતાના પ્રતિરોધ માટે મોહનદાસ ગાંધીના ભાથામાં પણ કુલ છ શસ્ત્રો હતાં :

ગુલામ ભારતનું ભવિષ્ય જ્યાંથી બદલાયું તે મોતીહારીનું ઐતિહાસિક રેલવે સ્ટેશન

(૧) સત્યને ઓળખો; (૨) સત્યના જ આગ્રહી રહો; (૩) અસત્ય સામે અહિંસક લડત ચલાવો; (૪) વિપક્ષીઓનો હૃદયપલટો કરવા સ્વયંને કષ્ટ-પીડા આપો; (૫) નીડર રહો અને (૬) ઇશ્વરને તમારાં કર્મોના સાક્ષી બનાવો.

મોહનદાસ ગાંધીનો જન્મ થયો તેનાં દસ વર્ષ અગાઉનો ‘નીલ વિદ્રોહ’ અને હવે શરૂ થનાર ‘ચંપારણ સત્યાગ્રહ’ વચ્ચે પાયાનો તફાવત અહીં પ્રગટ થતો હતો. ગાંધીને દમનગ્રસ્ત ખેતમજૂરોમાં બગાવત પ્રેરવી ન હતી. વિરોધ પ્રદર્શનો યોજવાં ન હતાં કે સૂત્રોચ્ચારો કરતા ખેતમજૂરોનાં સરઘસો કાઢવાં ન હતાં. ‘આજ પછી ગોરા ઠેકેદારોને ભાડું ન ચૂકવતા’ એવી હાકલ પણ તેમને કરવી ન હતી. હડતાળ પડાવવી ન હતી. હિંસાનું તો નજીવું સરખું કૃત્ય પણ વર્જિત હતું. ટૂંકમાં, લડાઇ આપવાની હતી, પરંતુ સામે દુશ્મનો ન હતા. સત્યથી વિપરિત એવી તેમની વિચારધારાને મહાત કરવાની હતી.

મોહનદાસ ગાંધી : બેરિસ્ટરની પદવી અને તેને અનુરૂપ સૂટ-બૂટનો લેબાશ તજીને સ્વદેશી વસ્ત્રોમાં

એપ્રિલ ૧૫, ૧૯૧૭ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે મોહનદાસ ગાંધી ટ્રેન દ્વારા ચંપારણના મોતીહારી રેલવે સ્ટેશને પહોંચ્યા. (ચંપારણ એટલે જાણીતા ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝા અને ફિલ્મ કલાકાર મનોજ વાજપેયીની ભૂમિ). ગાંધી સાથે તેમના સહાયકો અને કાયદાકીય સલાહકારો ડો. રાજેન્દ્ર પ્રસાદ એટલે કે વખત જતાં પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, બાબુ ધરણીધર અને બાબુ રામનવમી પ્રસાદ હતા. ચંપારણના કિસાનોને બંધનમુક્તિ અપાવવા ગાંધીને જેમણે આગ્રહપૂર્વક તેડાવ્યા એ પંડિત રાજકુમાર શુક્લ પણ હતા. ચાર દિવસ પહેલાં ગાંધીએ પટણામાં અંગ્રેજોના Planters Associationના સેક્રેટરી જે. એમ. વિલ્સનને રૂબરૂ મળીને જણાવેલું કે તેઓ ખેતમજૂરો તથા બ્રિટિશ ઠેકેદારો વચ્ચેની સમસ્યાનો અભ્યાસ કરવાના આશયે ચંપારણ જઇ રહ્યા હતા. બીજે દિવસે તેમણે ચંપારણના બ્રિટિશ કમિશ્નર એલ. એફ. મોર્સહેડને સંદેશો પાઠવી તેની મુલાકાતનો સમય માગ્યો. ચંપારણની નિર્ધારિત વિઝિટ અંગે મુઝફ્ફરપુરના કલેક્ટર ડી. વેસ્ટનને પણ વાકેફ કર્યો. આ રીતે પોતાના દરેક ન્યાયોચિત આશય તેમજ આગામી પગલા અંગે બ્રિટિશ શાસકોને આગોતરી જાણ કરી ગાંધી તે ગોરાઓના મનમાં કુશંકાપ્રેરિત નાહકની કટુતા પેદા થતી રોકવા માગતા હતા. કોઇ અન્ય ભૂતકાલિન સંઘર્ષમાં આવી ‘રણનીતિ’ કદી જોવા મળી ન હતી.

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના તારણહાર ગણાયેલા મોહનદાસ ગાંધીને સત્કારવા મોતીહારી સ્ટેશને હજારો દીનદુઃખી વેઠિયા ખેતશ્રમિકોની મેદની જમા થયેલી હતી. દસકાઓ બાદ હૃદયમાં આશાનો ‘નંદભયો’ અંકુર ફૂટ્યો હતો. મોતીહારીથી ગાંધી, રાજેન્દ્ર બાબુ, શુક્લ વગેરે પરિસ્થિતિનો અંદાજ લેવા ૧૧ કિલોમીટર છેટેના ચંદ્રહિઆ નામના ગામે પહોંચ્યા. વાર્તાલાપ હજી તો શરૂ કર્યો ત્યાં સાઇકલસવાર પુલિસ સબ-ઇન્સ્પેક્ટરનું આગમન થયું. ગાંધીને તેણે ખબર આપ્યા કે જિલ્લા કલેક્ટરે તેમને સલામ પાઠવી હતી. ગાંધી જાણતા તેમ અહીં ‘સલામ’ શબ્દનો અર્થ એ થાય કે કલેક્ટરે તેમને હાજર થવા ફરમાન પાઠવ્યું હતું. સાથીદારોને તેમણે કહ્યું : ‘મેં ધારેલું જ કે આવું બનવાનું છે. મારી ચિંતા કર્યા વગર તમે કાર્ય ચાલુ રાખો.’ સબ-ઇન્સ્પેક્ટરે બળદગાડું મેળવ્યું, થોડુંક અંતર કાપ્યા બાદ માર્ગમાં એક્કો (એક ઘોડાનો ટાંગો) દેખાયો એટલે તેમાં પ્રવાસ ચલાવ્યો અને ત્યાર બાદ ટમટમ/ tumtum (ત્રણ પૈડાંની રીક્ષા) સામે દેખાતાં તેમાં ગોઠવાઇને બાકીનું અંતર ખેડ્યું. દોઢ કલાકે મોહનદાસ ગાંધી મોતીહારી પહોંચ્યા ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટનો નીચે મુજબનો પત્ર તેમને પકડાવવામાં આવ્યો :

મોહનદાસ ગાંધીએ ડિવિઝનલ કમિશ્નરના કાગળની બીડાણ નકલ વાંચી. કમિશ્નરે તેમને ક્રિમિનલ પ્રોસિજર કોડની (ફોજદારી કાયદાની) ૧૪૪મી કલમના અન્વયે હદપારીનો આદેશ ફરમાવ્યો હતો. બેરિસ્ટર ગાંધીએ આદેશનો લેખિત જવાબ આપ્યો :

બીજે દિવસે મોહનદાસ ગાંધીએ તાનાશાહ અંગ્રેજોના તાબેદાર ખેતમજૂરોને એકઠા કરી તેમની ફરિયાદો સાંભળી ત્યારે નિવેદનો આપવાની ગુસ્તાખી કરનાર મજૂરોનાં નામો લખી લેવા પુલિસ સબ-ઇન્સ્પેક્ટર હાજર રહ્યો. ‘ચુગલીખોરી’ બદલ પછીથી ધોળિયાઓ તેમની સાથે કદાચ હિસાબ ચૂકતે કરવાના હતા. મોહનદાસ ગાંધી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, બાબુ ધરણીધર તથા રામનવમી પ્રસાદ બીજે દિવસે ચંપારણના પરસૌની ગામની મુલાકાતે ગયા, તો ત્યાં પણ અંગ્રેજોના વેઠિયા ખેતમજૂરોની જબાન પર એ જ વીતકકથા હતી. જતાં પહેલાં તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ ડબ્લ્યૂ. બી. હેકોકને પત્ર મોકલી આપેલો કે તેઓ કશી ગુપ્ત પ્રકારની કાર્યવાહી હાથ ધરવા માગતા ન હતા. મેજિસ્ટ્રેટે જવાબમાં ધમકીપત્ર બજાવ્યો કે તેઓ ચંપારણ છોડી ન જાય તો ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ હેઠળ તેમની સામે આરોપનામું ઘડવું પડે તેમ હતું. સત્યના આગ્રહી સામે ધમકીપત્ર બેઅસર હતો.

એપ્રિલ ૮, ૧૯૧૭નો દિવસ સમગ્ર ભારત માટે ઐતિહાસિક હતો. મોહનદાસ કરમચંદ ગાંધી નામના પરગજુ તે દિવસે ગુલામીની જંજીરમાં કેદ દુઃખીજનો અને દરિદ્રજનોને જંજીરમુક્ત કરાવવા પોતે કેદખાનામાં જવા તૈયાર થયા હતા. આ લડત સૈદ્ધાંતિક હતી તેમ ગુરુ શ્રીમદ્ પ્રેરિત આધ્યાત્મિક પણ હતી. લડત અનીતિ વિરુદ્ધ સુનીતિની હતી. ગાંધીને તેમાં સાથ આપવા તેમનો દક્ષિણ આફ્રિકી સમયકાળનો અંગ્રેજ હમદર્દ હેન્રી પોલૉક તરત પટણા આવી પહોંચ્યો. બ્રિટનના ખ્રિસ્તી ધર્મગુરુ સી. એફ. એન્ડ્ર્યુઝે પણ ગાંધીની અહિંસક લડતને ટેકો આપતો ટેલિગ્રામ પાઠવ્યો. ૧૯૦૪માં ભારત આવી તેમણે બ્રિટિશરાજમાં કારમી દુર્દશા ભોગવતા દીન ભારતીયોની (અને પછી ફિજીમાં વસતા ભારતીયોની પણ) સેવા માટે જીવન સમર્પિત કર્યું હતું, એટલે વખત જતાં ‘દીનબંધુ એન્ડ્ર્યુઝ’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. દેશદેશાવરથી શુભચિંતકોના ટેલિગ્રામ આવતા રહ્યા. ભારતમાં પણ સૌની નજર ચંપારણ પર હતી. મોતીહારી કોર્ટની બહાર એકત્રિત થયેલા ૨૦૦૦-૨૫૦૦ ખેતમજૂરો તો તેમના નિઃસ્વાર્થ સેવાર્થીને નજરે દેખી રહ્યા હતા. ઘણાનાં નેત્રો અશ્રુભીનાં હતાં.

સરકારી પ્રોસિક્યૂટર ‘આરોપી’ પર ખટલો ચલાવવા કાયદાનાં થોથાં તેમજ અગાઉનાં કોર્ટ જજમેન્ટની પ્રતો સાથે તૈયાર હતો. બેરિસ્ટર થયેલા મિસ્ટર ગાંધી વિદ્વતાપૂર્ણ અને વેધક દલીલોનો સબળ મુકાબલો કરે એમ તેણે ધાર્યું હતું, પણ ધારણા ખોટી પડી !

સરકારી પ્રોસિક્યૂટર ‘આરોપી’ પર ખટલો ચલાવવા કાયદાનાં થોથાં તેમજ અગાઉનાં કોર્ટ જજમેન્ટની પ્રતો સાથે તૈયાર હતો. ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થયેલા મિસ્ટર એમ. કે. ગાંધી વિદ્વતાપૂર્ણ અને વેધક દલીલોનો સબળ મુકાબલો કરે એમ તેણે ધાર્યું હતું. ન્યાયાધીશે ગાંધીને પૂછ્યું : ‘તમારો કોઇ વકીલ છે ?’ જવાબ મળ્યો : ‘નથી.’ સરકારી પ્રોસિક્યૂટરે કલમ નં. ૧૪૪ના અને કલમ નં. ૧૮૮ ટાંકી ગાંધીને અપરાધી ગણાવ્યા.

અંગ્રેજ મેજિસ્ટ્રેટે ગાંધીને પોતાના બચાવ પેશ કરવા જણાવ્યું ત્યારે ન ધારેલો પ્રતિરોધ સાંભળવા મળ્યો : ‘માનું છું કે ફોજદારી કાયદાનો અનાદર કર્યાનું ગંભીર પગલું મેં ભર્યું. હું કાનૂનપરસ્ત નાગરિક છું. આથી મારી પહેલી સહજ વૃત્તિ એ હોય કે મને બજાવાયેલા કાયદાકીય આદેશનું હું પાલન કરું, પણ જેમના માટે હું આવ્યો છું તેમના પ્રત્યેના મારા કર્તવ્યને છેહ દીધા વગર એવું પાલન હું કરી શકું નહિ. આથી સ્વેચ્છાએ રુખસત લેવાનું મારા માટે શક્ય નથી. મેં હુકમને અવગણ્યો તેનો મતલબ રખે એ ન કરાય કે મને કાયદા પ્રત્યે માન નથી, પણ એ ઉચ્ચતર કાયદાને હું અનુસર્યો કે જે આત્માના અવાજ દ્વારા પ્રગટ થાય છે. હું અદાલતનો વધુ સમય બરબાદ કરવા માગતો નથી, એટલે મારો ગૂનો કબૂલું છું.’

સરકારી પ્રોસિક્યૂટર મૂંઝાયો, કારણ કે એવા તહોમતદારને કાયદાકીય દલીલબાજીમાં કેવી રીતે પરાસ્ત કરવો કે જે પોતાના બચાવમાં સામી દલીલ કરે નહિ? આમ છતાં મોહનદાસ ગાંધી ‘વોકઆઉટ’ નહોતા આપી રહ્યા. બન્ને જણાનાં જ્ઞાનક્ષેત્રો જુદાં હતાં. પ્રોસિક્યૂટરને મન કાયદાનાં થોથાં જ્ઞાનસ્વરૂપ હતાં, જ્યારે બીજી તરફ શ્રીમદ્ રાજચંદ્રએ આપેલા સત્યોપદેશ અનુસાર ગાંધીએ આત્માને જ્ઞાનસ્વરૂપ ગણ્યો હતો–અને કોર્ટમાં તેઓ આત્માએ ચીંધેલી કેડીએ ચાલી રહ્યા હતા.

અંગ્રેજ ન્યાયાધીશ પણ ગૂંચવાડામાં આવી પડ્યો હતો. ફોજદારી કાયદા મુજબ ન્યાય તોલી ગાંધીને આરોપી ઠરાવી શકાય, પરંતુ એ તોલ પોતે યથાર્થ રીતે ન્યાયપૂર્ણ હોય નહિ. ન્યાયાધીશે વચલો માર્ગ કાઢવા (કે પછી નાઠાબારી શોધવા) ગાંધીને કહ્યું : ‘તમે અત્યારે જિલ્લો છોડી જતા રહો અને ફરી ક્યારેય અહીં ન આવવાનું વચન આપો તો તમારી સામેનો કેસ પાછો ખેંચી લેવામાં આવશે.’ મોહનદાસ ગાંધીનો પ્રત્યુત્તર : ‘શક્ય નથી. આ વખતની વાત તો છોડો, પરંતુ જેલમાંથી છૂટીશ તે પછીયે મારો પડાવ ચંપારણમાં જ રહેશે.’

આ જવાબનો ન્યાયાધીશ પાસે જવાબ ન હતો. સહેજવારના મૌન બાદ એમ કહીને છૂટકારો મેળવ્યો કે ચુકાદો મધ્યાંતર પછી બપોરે ૩:૦૦ વાગ્યે અપાશે. વિરામ પડ્યો એ દરમ્યાન ગોરા ન્યાયાધીશે બીજી છટકબારી વિચારી કાઢી અને કોર્ટ ફરી ચાલુ થતાં મોહનદાસ ગાંધી સમક્ષ નવો પ્રસ્તાવ મૂક્યો. કેસનું જજમેન્ટ ત્રણ દિવસ બાદ એપ્રિલ ૨૧, ૧૯૧૭ના દિવસે આપવાનું જણાવ્યું અને દરમ્યાન ગાંધીને ₹100ના જામીન પર છોડી મૂકવા એ તૈયાર હતો. ગાંધીએ કહ્યું કે તેમની પાસે જામીન ન હતો, એટલે જામીનગીરી તરીકે ₹100 ભરવાનું શક્ય ન હતું. શક્ય તો હતું, પણ તેઓ કાયદાના મંચને બદલે સત્યના મંચ પર લડતા હોવાને લીધે કાયદાની રૂએ કરાયેલી ઓફર તેમને મન કેસના વિષય બહારની હતી. વિષય કાયદો નહોતો, સત્ય માટેનો આગ્રહ હતો. ન્યાયાધીશ માનભેર પીછેહઠ કરવા માગતો હતો, પરંતુ એ માટેની છેલ્લી કોશિશ પણ વિફળ રહેતાં આખરે તેણે ગાંધીને ‘વિશ્વાસપાત્ર’ ગણાવી તે મુદ્દાના આધારે છોડી મૂક્યા.

ગળીના ખેતમજૂરોનું આર્થિક શોષણ કરીને ચંપારણ ખાતેના બ્રિટિશ ઠેકેદારે બનાવેલો આલિશાન બંગલો

ડો. રાજેન્દ્ર પ્રસાદ, બાબુ ધરણીધર, બાબુ રામનવમી પ્રસાદ, બાબુ બ્રિજકિશોર વગેરે પ્રથમ કોટિના વકીલો મોહનદાસ ગાંધી પર અચૂકપણે થનાર કેસમાં તેમના બચાવ અર્થે લડવા માટે સાથે આવ્યા હતા. એક કેસ માટે એ જમાનામાં તેઓ ₹10,000 સુધીની ફી લેતા હતા. મોહનદાસ ગાંધી માટે વકીલાત નિઃશુલ્ક કરવાની હતી. સત્યાગ્રહીને એવો ખપ પડે તેમ ન હતો. આથી ચંપારણનાં જુદાં જુદાં ગામે ફરી ત્યાંના વેઠિયા ખેતમજૂરોને અંગ્રેજ planters/ ઠેકેદારો દ્વારા કરાતા અન્યાયો વિગતવાર નોંધવાનું કામ તેમણે સંભાળ્યું. મહાદેવ દેસાઇ, આચાર્ય કૃપલાણી અને નરહરિ પરીખ ઉપરાંત ગાંધીના દક્ષિણ આફ્રિકા ખાતેના મિત્ર હેન્રી પોલૉક તથા દીનબંધુ સી. એફ. એન્ડ્ર્યુઝ પણ ગાંધીની સહાય માટે ચંપારણ પહોંચ્યા હતા. ગાંધીએ એન્ડ્ર્યુઝની સહાય ન લેવાનું નક્કી કર્યું, કેમ કે એ ભારતપ્રેમી પાદરી અંગ્રેજ હતા. અંગ્રેજની મદદ લેવાય તો બ્રિટિશ શાસકો મોહનદાસ ગાંધીને બગલઘોડીની જરૂર પડ્યાનું ગણી લે. (હેન્રી પોલૉકની વાત જુદી હતી. પોલૉક ડચ યહૂદી હતા). ગાંધીની લડત સત્યની લડત હતી–અને તેમનો એવો મત કે સત્યને બગલઘોડીની જરૂર પડે નહિ.

ચંપારણમાં અંગ્રેજોની જોહુકમીનું અને જોરજુલમોનું શોષિત-પીડિત ખેતમજૂરોએ ગાંધીના સહયોગીઓના મોઢે હૈયાવરાળ કાઢી જે વર્ણન કર્યું તેનો વિસ્તાર સમાવવા માટે ‘હૃદયદ્રાવક’ વિશેષણ સાંકડું પડે તેમ હતું. કઇ એવી તક હતી અને કયો એવો તાકડો હતો કે જેને કિસાનોનું લોહી ચૂસવાનો અવસર યા આધાર બનાવવાનું ગોરા અંગ્રેજો ચૂકી ગયા હતા? જાણો કેટલાંક ઉદાહરણો :

► લેટિન શાસ્ત્રીય નામે Indigoferatictoria તેમજ અંગ્રેજીમાં માત્ર Indigo તરીકે ઓળખાતો ગળીનો છોડ તેનાં પાંદડાંમાં ઇન્ડિકેન નામનું જે સત્ત્વ ધરાવે તેના વડે ગળીનો બ્લ્યૂ પાવડર બને. ચંપારણના બ્રિટિશ planters/ ઠેકેદારોને તેના નિકાસવેપારમાં ૨૫૦% જેટલો નફો મળતો હતો. આથી ખેડૂતોને ગળીનુ વાવેતર કરવા તેમના પર ‘તીનકઠિયા’ નામની પ્રથા ઠોકી બેસાડી હતી. ચંપારણમાં એ વખતે પ્રચલિત તોલ-માપ પ્રમાણે ૨૦ કઠા બરાબર ૧ એકર, માટે ‘તીનકઠિયા’ના ધોરણે ખેડૂતોએ વીસમાંથી ત્રણ ભાગ જેટલું ખેતર ગળી માટે ફાળવવાનું થતું હતું. સૌથી ફળદ્રૂપ જમીન ગોરા ઠેકેદારોએ તે ત્રીજા ભાગ માટે રાખી હતી. હિસાબ ગળી પૂરતો ગણો તો તેના એકરદીઠ ખેતમજૂરોને ફક્ત ₹13 મળતા હતા. ડાંગરનો પાક ₹120ની કમાણી અપાવે, પણ ખેડૂતો તે વાવી શકતા ન હતા.

► જમીન પર ઠેકેદારી અંગ્રેજોની, માટે ખેડૂતોએ ગળીના જમીની હિસ્સા સહિત પૂરા ખેતર પર વીઘાદીઠ ₹3નું ભાડું ચૂકવવું પડતું હતું. (૧ વીઘો = ૦.૮૭ એકર). ઉપરાંત સિંચાઇના પાણી ખાતે અંગ્રેજો ₹7.50 (સાત રૂપિયા આઠ આના) વસૂલ કરતા હતા. આ સિવાય અન્ય ૪૨ પ્રકારના વેરા અભણ-અબૂધ કિસાનો પર ઠોકી બેસાડાયા હતા. વેરા નાખવાનો અધિકાર ફક્ત સરકારને હોય, પરંતુ ચંપારણમાં ગોરા planters/ ઠેકેદારો સત્તાધીશો હતા.

► એક વેરો સ્થાનિક ભોજપુરીમાં બપહા-પુતહા કહેવાતો હતો. મકાન ધરાવતા બાપનું મૃત્યુ થયા પછી બેટો તે લગાન ચૂકવે ત્યારે જ મકાનનો કાયદેસરનો માલિક બને. ઉલ્લેખનીય છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કે તેની અનુગામી બ્રિટિશ સરકારના ચોપડે એવો કાયદો જ ન હતો. ચંપારણમાં સ્થાનિક ધોળિયાઓ ઠરાવે તે કાયદો હતો.

► વિધવા જો પુનર્લગ્ન કરે તો સાગૌરા તરીકે ઓળખાતો ₹5નો વેરો તેણે ભરવો રહ્યો.

► કોઇ અંગ્રેજ ઠેકેદાર પોતાના માટે ઘોડો ખરીદવા માગતો હોય તો તેની સખ્તાઇ નીચેના ખેતમજૂરોએ ઘોડાહી કર ભરવાનો થાય, જેથી અંગ્રેજના ખિસ્સા પર ભારણ આવે નહિ.

► એક વેરો ઘાવાહી નામનો, જેના માટે જાલિમ અંગ્રેજના શરીર પર ક્યારેક અકસ્માતે લાગતો ઘા (જખમ) કારણભૂત બનતો હતો. ઘા રૂઝાવવા માટેની ઔષધીય સારવારનો ખર્ચ હિંદીમાં બંધવા મજૂરો/ bonded labourers કહેવાય એવા વેઠિયા કિસાનોએ ભોગવવાનો રહેતો હતો.

► કિસાન તેના ખેતરનું નિર્ધારિત ભાડું અદા કરે તેના બદલામાં જે રસીદ મળે તે કાગળની હોય અને છાપેલી હોય, માટે રસીદના સાટામાં તેની પાસેથી રસીદવાન કહેવાતા ટેક્સ પેટે ૧ આનો વસૂલ કરાતો હતો. (૧ રૂપિયો = ૧૬ આના). આ ચબરખીના કાગળનો અને ગણ્યાગાંઠ્યા અક્ષરો-આંકડાના છાપકામનો ખર્ચ ધોળિયા સાહેબો શા માટે ભોગવે?

► ચુલ્હી-અવાન નામના ઓર વિચિત્ર કર વિશે પણ જાણી લો. અમુક ખેડૂતો તેમના ભાગે રહેતી જમીન પર હળદરના છોડ ઊગાડતા હતા. હળદરને કોરા પાવડરનું સ્વરૂપ આપવા મોટા પાત્રમાં મૂકી તેમાંનો ભેજ નાબૂદ કરવો જોઇએ. આ પ્રક્રિયા માટે જેટલા ચૂલાઓ વપરાય તે પ્રત્યેક ચૂલાદીઠ અંગ્રેજો ₹1 ખંખેરી લેતા હતા.

► શોષણ-પીડનનાં ઉદાહરણો તો બીજાં અનેક છે, પણ હવે છેલ્લો ટાંકીને વાત પૂરી કરીએ. એક વેરો હાથીઆહી કહેવાતો હતો. અંગ્રેજ લાટસાહેબો ચંપારણમાં (ચંપાના અરણ્યમાં/જંગલમાં) શિકારે જવાનો શોખ ધરાવતા હતા. જંગલમાં વાઘ હતા અને દીપડા પણ હતા, એટલે હાથી પર જ ઊંચા આસને બેસીને આખેટ ખેલવામાં સલામતી હતી. (જુઓ, ફોટો). હાથી ખરીદવાના પૈસાની ઝોળી ગોરા સાહેબને તેના મોહતાજ ખેતમજૂરોએ ભરી આપવી પડતી હતી. બિચારા ગુલામગ્રસ્તો પર આવા તો જુદાં જુદાં ૪૨ લગાનોનું કમરતોડ ભારણ બારેય માસ રહેતું હતું. જમીન ફળદ્રૂપ, વરસાદની મહેર, શેરડીનો તથા ડાંગર ઉપરાંત કેટલાક બીજા રોકડિયા પાક વારાફરતી લેવા માટે વર્ષની ત્રણેય ઋતુઓ અનુકૂળ, છતાં સદાયના ત્રસ્ત કિસાનોની હાલત ‘મૌસમ બદલે, ન બદલે નસીબા’ જેવી હતી.

બ્રિટિશ સિતમખોરોની પાશવતાનો જરા સરખો પ્રતિકાર કરવો તે વળી ઓર વેદનાદાયક પાશવતા વહોરી લેવા જેવું હતું. અંગ્રેજોના ભાડૂતી બદમાશો ‘વાંક’માં આવેલા ખેડૂતના બેય હાથને લીમડાના થડને આલિંગન લેવાની સ્થિતિમાં બાંધે અને પછી જમીનના રાફડામાંથી લાલ મંકોડા સૂપડે ભરીને તેના પર ઠાલવી દે. સજાના બીજા પ્રકારમાં બે હાથ પાછળથી બે પગ વચ્ચેથી કાઢીને ગરદનની પાછળ બાંધી દેવાતા હતા. મજૂરનું શરીર ટૂંટિયું વળી જાય અને સખત પીડાકારક એવી તે ખેંચાણભરી સ્થિતિનો ત્રાસ બે-ત્રણ દિવસ સુધી ભોગવવો પડે. ચંપારણના કિસાનોએ અંતે જીવ પર આવી બે વખત (૧૯૧૪ની અને ૧૯૧૬ની સાલમાં) બળવો પોકાર્યો અને બેય વખત સેંકડો જણા મોતની તથા સેંકડો જણા બેમુદત કારાવાસની સજા પામ્યા. મોહનદાસ ગાંધી ૧૯૧૭માં ચંપારણ પહોંચ્યા એ વખતે ૩૦૦ ખેતમજૂરો અંગ્રેજોની જેલમાં સબડતા હતા.

ગાંધીનો સત્યાગ્રહ સમાચારમાં ગાજવો શરૂ થયો ત્યારે અંગ્રેજ ઠેકેદારોની ખફગી રાજકુમાર શુક્લ પર ઉતરી, કેમ કે તેમણે ગાંધીને ચંપારણ બોલાવી ‘માહોલ બગાડ્યો’ હતો. એક રાતે શુક્લના ઘરને ઠેકેદારોએ બાળી નખાવ્યું. ગાંધીને ખબર પડી એટલે તેઓ રાત્રિના અંધારામાં કલાકો સુધી ચાલીને ત્યાં શુક્લને તથા પરિવારજનોને સાંત્વન દેવા પહોંચ્યા, નૈતિક હિંમત આપી, સત્યનો મહિમા દોહરાવ્યો અને બધા સાથે ખુલ્લામાં ઘાસની બિછાત પર રાત વીતાવી.

સત્યાગ્રહી ગાંધીના હસ્તે પોતાનું સર્વસ્વ લૂંટાય એવી સંભાવના જોતાં ઇરવિન નામના ગોરા ઠેકેદારે થોડા દિવસ પછી સત્યાગ્રહીઓના પડાવમાં રસોડું સંભાળતા બેતાકમિયાં નામના રસોઇયાને ઝેરભરેલી શીશી આપી ખાણામાં ભેળવી દેવા જણાવ્યું. બધા ભેગું ગાંધીને પણ એ ભોજન તેણે પીરસવાનું હતું. આ કામના બદલામાં બેતાકમિયાંને દોઢેક હજારની રકમ મળે તેમ હતી, પરંતુ ગાંધીની લડત ઇન્સાફની તથા ઇમાનની બુનિયાદ પર હોવાનું પ્રત્યક્ષ દેખતા બેતાકમિયાંએ ઇરવિન નામના પ્રપંચી અંગ્રેજની ઓફરનો અસ્વીકાર કર્યો. વર્ષો બાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ૧૯૫૦માં પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ થયા ત્યારે એ પ્રસંગને તાજો કરાવતો અણધાર્યો કિસ્સો બન્યો. એક જાહેર સભામાં મંચ પરથી લોકોને સંબોધન કરતા ડો. રાજેન્દ્ર પ્રસાદે જોયું કે સુરક્ષાકર્મીઓ વયોવૃદ્ધ આદમીને મંચ તરફ આગળ વધતો અટકાવી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને ઓળખી કાઢ્યો. બુઝુર્ગ આદમી બેતાકમિયાં હતો, જેને ૩૩ વર્ષ પહેલાં ચંપારણમાં સત્યાગ્રહના મહિમાએ તથા મજબૂતીએ સંમોહિત કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેને પ્રેમપૂર્વક આવકાર્યો.

મોહનદાસ ગાંધી બ્રિટિશ ઠેકેદારોને પણ તેમનાં હિતો બહુ ન જોખમાય એ માટે તેમનો પક્ષ જાણવા મૈત્રીભાવે અવારનવાર રૂબરૂ મળતા રહ્યા. વિગતો પ્રાપ્ત કરીને તેનાં લેખિત કાગળો જિલ્લા મેજિસ્ટ્રેટ ડબ્લ્યૂ. બી. હેકોકને પાઠવતા રહ્યા. આ ગોરા અમલદારનું મગજ ગોટે ચડ્યું કે ગાંધી કિસાનોના પક્ષે હતા, તો પછી અંગ્રેજ plantersનો પક્ષ કેમ રજૂ કરતા હતા? વિચારધારાની સાવ જુદી પૃષ્ઠભૂમિ ધરાવતા મેજિસ્ટ્રેટ હેકોક માટે એ સમજવું મુશ્કેલ નહિ, પણ અશક્ય હતું કે બેરિસ્ટર ગાંધી જેનો પક્ષ લઇ રહ્યા હતા તે ‘અસીલ’નું નામ સત્ય હતું. ઉપનામ અહિંસા હતું. એક ન ધારેલી અન્ય બાબતે પણ મેજિસ્ટ્રેટ ઉપરાંત ગોરા ઠેકેદારોને અચંબામાં નાખ્યા. ગાંધીની હિલચાલ પર નજર રાખવા જે પુલિસ કોન્સ્ટેબલો પડછાયાની માફક એ સત્યાગ્રહીની સાથે ને સાથે રહેતા તેમની પણ ગાંધી પોતાના સત્યશોધનના કાર્યમાં મદદ લેતા હતા. આ દુશ્મનો જાણે કે સત્યાગ્રહના સંમોહનની અસર નીચે આવી ગયા હોય તેમ દોસ્તોની ભૂમિકા અદા કરી રહ્યા હતા.

હિંસા, સ્વાર્થ, ક્રોધ, અસત્ય, ધનલોભ અને તદુપરાંત મોતનો ભય પણ જેના સ્વભાવમાં આદિકાળ થયે વણાયેલા હોય તે મનુષ્ય નામની હસ્તી કરતાં મોહનદાસ ગાંધી અંગ્રેજ હકૂમતદારોને તદ્દન જુદી માટીના લાગ્યા. કોઇ એવા યોદ્ધા સાથે લડવું શી રીતે કે જેમનાં શસ્ત્રો અહિંસા તથા સત્ય હતાં. શસ્ત્રો નક્કર હોય તો લડતના નામે ટક્કર યોજી શકાય, પરંતુ બન્ને અમૂર્ત/ abstract હતાં. જુદી રીતે કહો તો શરીરસર્જિત નહિ, આત્માસર્જિત હતાં.

બિહારના અંગ્રેજ શાસકોએ અંતે પોતાનાં હથિયારો મ્યાન કરવાં પડ્યાં. ઓક્ટોબર ૧૮, ૧૯૧૭ના રોજ અદાલતે જજમેન્ટ આપ્યા મુજબ તીનકઠિયાનો અન્યાયી દોર પ્રતિબંધિત ઠર્યો, કિસાનોને સતત દરિદ્રતામાં અને દેવામાં ડૂબેલા રાખતા અનેક વેરાઓ નાબૂદ કર્યા અને ખેડૂતોને પોતાની યોગ્ય વળતરકારક ફસલ લેવા ઘણા અંશે મુક્ત કર્યા. અંગ્રેજ ઠેકેદારોએ ગળીનો કારોબાર લગભગ સમેટી લીધો અને ચંપારણનાં મોટા ભાગનાં ખેતરોએ શેરડીના તથા ડાંગરના પાક વડે જુદો દેખાવ ધારણ કર્યો.

ચંપારણ સત્યાગ્રહે જગતભરમાં વિષદ્ ચર્ચા જગાડી અને ભારતમાં તેણે મોહનદાસ કરમચંદ ગાંધીને બ્રિટિશરાજ સામેની લડતના વિશિષ્ટ પ્રકારના સેનાપતિ બનાવી દીધા. વિશિષ્ટ એ રીતે કે ચંગીઝખાન, નાદિરશાહ, સિકંદર, તૈમૂર, હૂણ સરદાર અત્તિલા વગેરે સહિત હિંસાપરસ્તોએ વાપર્યાં તેનાથી સાવ જુદાં શસ્ત્રો તેમના ભાથામાં હતાં.

છેલ્લી વાત : આમ તો વર્ષો જૂના મિત્ર ડો. પ્રાણજીવન મહેતાએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધના સત્યાગ્રહ વખતે ગાંધીજીને ‘મહાત્મા’ તરીકે સંબોધ્યા હતા. આમ છતાં ૧૯૧૯માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ‘મહાત્મા’ શબ્દ વાપર્યો ત્યારે જ તેની પાકી મહોર લાગી.

આ મહાત્માનું સર્જન જેમણે કર્યું તેઓ પણ મહાત્મા જ હતા, પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધી નામના વૃક્ષને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી વૃક્ષના બીજ સમાન રાયચંદભાઇ અર્થાત્ શ્રીમદ્ રાજચંદ્ર નામના તે મહાત્માના ભાગે આવી નહિ. બની શકે કે હવે તેમની ૧૫૦મી જન્મજયંતીનું પર્વ એ યુગાંતરકર્તાને તેમના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં લાવી દે !

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options