‘સફારી’ના અંક નં. ૨૯૯માં જલિયાઁવાલા બાગ હત્યાકાંડની ૧૦૦મી વરસીના દુઃખદ પ્રસંગે તે ઘટનાની તદ્દન અજાણી પૂર્વભૂમિકા ન વાંચી હોય તો હજી અંક ખરીદી લેજો. ઇતિહાસકારો જેને આલેખવાનું ચૂકી ગયા તે ઘટનાક્રમ અંક નં. ૨૯૯માં (એપ્રિલ, ૨૦૧૯ના અંકમાં) વર્ણવ્યો છે.

એપ્રિલ ૧૩, ૧૯૧૩ના રોજ થયેલા હત્યાકાંડ પછી જનરલ ડાયર સામે જે તપાસસમિતિ બેઠી અને તપાસકારોને ડાયરે જે તડ ને ફડ જવાબો આપ્યા તેનું પણ ચોંકાવી દેતું વિવરણ પસિદ્ધિમાં આવ્યું નથી.

વિવરણ અહીં રજૂ કર્યું છે, પણ શક્ય હોય તો પહેલાં એપ્રિલ, ૨૦૧૯ના તાજા અંકમાં હત્યાકાંડની પાશ્વાદ્દભૂમિકા વાંચી જજો. હૃદયદ્રાવક છે.

નગેન્દ્ર વિજય, તંત્રી – ‘સફારી’ માસિક

છેલ્લાં ૩૯ વર્ષથી એક પણ વ્યાપારી જાહેરખબર છાપ્યા વિના પ્રગટ થતું માત્ર ને માત્ર જ્ઞાનવિજ્ઞાનનું સામયિક.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીનો ઘટનાક્રમ

અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩ એપ્રિલ, ૧૯૧૩ની સાંજે શું બન્યું એ આપણે સૌ જાણીએ છીએ. એ હત્યાકાંડ પછી ભારતીયોનો આક્રોષ તો દેખીતી રીતે આકાશે પહોંચ્યો, પણ ભારત અને ઇંગ્લેન્ડમાં બ્રિટિશર્સના પક્ષે કેવું રાજકારણ ખેલાયું, હત્યાકાંડની તપાસ સમિતિ સમક્ષ જનરલ ડાયરે કેવા મોંફાટ જવાબો આપ્યા, બ્રિટિશ પાર્લામેન્ટમાં જનરલ ડાયરની વિરુદ્ધ અને તરફેણમાં કેવી દલીલો થઈ અને છેવટે જનરલ ડાયરનું શું થયું એની સિલસિલાબંધ વિગતો…

જલિયાંવાલા હત્યાકાંડની રાત્રે લાહોરમાં

રાતના ૩-૩૦ વાગ્યાનો સમય હતો. હાલ પાકિસ્તાનમાંના લાહોરમાં, એ સમયના પંજાબનો લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડ્વયર ગાઢ ઊંઘમાં હતો. અમૃતસરથી મોટર સાયકલ પર લાહોર ધસી આવેલા ખાલસા કોલેજના પ્રિન્સિપાલે તેને ઊંઘમાંથી ઉઠાડ્યો અને એ સમયના અમૃતસરના ડેપ્યુટી કમિશનર ઇરવિંગનો પત્ર તેને આપ્યો.

પત્રમાં લખ્યું હતું કે ‘‘મિલિટરીને પાંચેક હજાર લોકોની એક સભાની જાણ થઈ અને ચેતવણી આપ્યા વિના તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. આશરે ૨૦૦ લોકો મૃત્યુ પામ્યા. ફાયરિંગ ૧૦ મિનિટ સુધી ચાલ્યું. મને બહુ અફસોસ છે કે હું હાજર નહોતો.’’

એ પછી ધડાધડ, માઇકલ ઓડ્વયરના ઉપરીઓ સુધી આ સંદેશ પહોંચવા લાગ્યો અને દરેક સ્તરેથી જલિયાંવાલા બાગમાં ફાયરિંગ કરનારા કર્નલ ડાયરના પગલાંને યોગ્ય ઠરાવવામાં આવ્યું (અલબત્ત, ભારતીયોની દૃષ્ટિએ આ ઘટનાક્રમમાં માઇકલ ઓડ્વયરની ભૂમિકા જનરલ ડાયર જેટલી જ મહત્ત્વની ગણાઈ. જેને પગલે જલિયાંવાલા હત્યાકાંડના ૨૧ વર્ષ પછી ૧૯૪૦માં, લંડનમાં માઇકલ ઓડ્વયરનું ૭૫ વર્ષની ઉંમરે શહીદ ઉધમ સિંહની ગોળીએ મૃત્યુ લખાયું હતું).

બીજી તરફ ઇંગ્લેન્ડમાં

અમૃતસરના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે ૧૩ એપ્રિલના રોજ સાંજના ૫-૩૦ના અરસામાં હજારો લોકોના ટોળા પર ફાયરિંગ કર્યું એ સમાચાર ઇંગ્લેન્ડ ઘણા મોડા પહોંચ્યા. ૧૭ એપ્રિલ, ૧૯૧૯ના રોજ ઇંગ્લેન્ડમાંના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એડવિન મોન્ટેગ્યુને ભારતમાંની બ્રિટિશ સરકાર તરફથી એક ટૂંકો ટેલિગ્રામ મળ્યો, જેમાં પંજાબ સરકાર તરફથી મળેલા રીપોર્ટનો સારાંશ આપવામાં આવ્યો હતો.

બ્રિગેડિઅર – જનરલ રેજિનાલ્ડ ડાયર

તેમાં એક ફકરામાં લખ્યું હતું કે ‘‘અમૃતસરની વિગતો બતાવે છે કે ૫૦ સિપાઇઓએ ગેરકાયદે એકઠા થયેલા પાંચ હજાર લોકોનો સામનો કરવો પડ્યો. ફાયરિંગની અસર ફાયદાકારક રહી છે. ઇજાગ્રસ્તો માર્યા ગયા હતા. દુકાનો ફરી ખૂલવા લાગી છે.’’

એ જ દિવસે આ માહિતી અખબારોને પહોંચાડવામાં આવી, પરંતુ તેમાં ‘ઇજાગ્રસ્તો માર્યા ગયા હતા’ શબ્દો દૂર કરી દેવામાં આવ્યા હતા. એ પછી ૨૮ મેના રોજ ઇંગ્લેન્ડમાંના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, મોન્ટેગ્યુએ બ્રિટનના હાઉસ ઓફ કોમન્સને વાસ્તવિક સ્થિતિની જાણ કરી. એ જ અરસામાં મોન્ટેગ્યુને લાગ્યું કે ભારતમાં બ્રિટિશ રાજના બંધારણલક્ષી સુધારાઓને આગળ વધારવા હશે તો તેને ભારતીય લોકોના ટેકાની જરૂર પડશે, આથી જલિયાંવાલા બાગના મુદ્દે લોકોના રોષને ઠારવા માટે એક વ્યાપક તપાસ કર્યા વિના છૂટકો નથી.

હન્ટર કમિટીની રચના

એડવિન મોન્ટેગ્યુએ ૧૮ જૂન, ૧૯૧૯ના રોજ ભારતના વાઇસરોયને એક પત્ર લખીને જણાવ્યું કે આટલા મોટા સ્તરની અશાંતિના કારણો જાણવા માટે તપાસ કરવી અનિવાર્ય છે. મોન્ટેગ્યુને આશા હતી કે તપાસને કારણે ભારતમાં જાગેલી અશાંતિનાં કારણો દૂર કરી શકાશે. તેણે વાઇસરોયને એમ પણ લખ્યું કે ‘‘આપણે આગ ઠારી નાખીએ’’ એ પછી જ આ તપાસ શરૂ થવી જોઇએ.

ભારતમાંની બ્રિટિશ સરકારે શરૂઆતમાં તપાસ યોજવાના મોન્ટેગ્યુના પ્રસ્તાવનો વિરોધ કર્યો. જોકે મોન્ટેગ્યુએ ૧૮ જુલાઈએ વાઇસરોયને જાણ કરી કે તે ‘‘પાર્લામેન્ટમાં એવી જાહેરાત કરવાના છે કે તમે એક કમિટી નિમવાના છો અને મને તેના અધ્યક્ષની પસંદગી કરવા કહ્યું છે.’’ એ પછી વાઇસરોય પાસે તપાસનો પ્રસ્તાવ સ્વીકારી લેવા સિવાય કોઈ રસ્તો રહ્યો નહોતો.

તપાસસમિતિનો અધ્યક્ષ લોર્ડ હન્ટર

છેવટે હત્યાકાંડના છ મહિના પછી, ૧૪ ઓક્ટોબર, ૧૯૧૯ના રોજ વાઇસરોયે ‘ડિસઓર્ડર્સ ઇન્કવાયરી કમિટી’ નામે એક તપાસ સમિતિ રચી, જે પાછળથી તેના ચેરમેન લોર્ડ હન્ટરના નામે ‘હન્ટર કમિટી’ તરીકે ઓળખાઈ. સમિતિના સભ્યોના મામલે ઘણી ખેંચતાણો થઈ, પણ અંતે આ સમિતિમાં બ્રિટિશ હોદ્દેદારો ઉપરાંત ભારતીયો પણ સામેલ હતા. આ સમિતિ જલિયાંવાલા બાગની ઘટના ઉપરાંત મુંબઈ, દિલ્હી અને પંજાબમાં સર્જાયેલી અશાંતિ, તેનાં કારણો અને તે અંગે લેવાયેલાં પગલાંની તપાસ કરવાની હતી. તપાસ માટે રૂ. ૨,૧૨,૦૦૦ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો.

હન્ટર સમિતિએ ૨૯ ઓક્ટોબરના રોજ તેની સુનાવણી શરૂ કરી અને કુલ ૪૬ દિવસ સુધી તેની સુનાવણી યોજાઈ. આમાંથી ૮ સુનાવણી દિલ્હીમાં, ૨૯ લાહોરમાં, ૬ અમદાવાદમાં અને ૩ મુંબઈમાં યોજાઈ. આ સમિતિએ તેની તપાસ શરૂ કરી એ સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતમાં સર્જાયેલી અશાંતિઓને નામે બ્રિટિશ સરકારે જેલમાં ધકેલી દીધેલા તમામ લોકોને બિનશરતી છોડી મૂકવાની માગણી મૂકી. જેને બ્રિટિશ સત્તાધિકારીઓએ નકારી દીધી. પરિણામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હન્ટર કમિટિનો બહિષ્કાર કર્યો.

આ સમિતિના સભ્યો ૧૨ નવેમ્બરે અમૃતસર પહોંચ્યા અને જ્યાં હિંસા થઈ હતી એ સ્થળોની તપાસ કરી. હન્ટર સમિતિએ તપાસ શરૂ કરી એ પહેલાં જલિયાંવાલા બાગના ફાયરિંગ વખતે જનરલ ડાયર સાથે હાજર બ્રિગેડ-મેજર બ્રિગ્ઝનું મૃત્યુ થઈ ગયું. અમૃતસરના અન્ય ઉચ્ચ બ્રિટિશ અધિકારીઓ ફાયરિંગ સમયે જલિયાંવાલા બાગમાં હાજર નહોતા. પરિણામે જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સંકળાયેલા બ્રિટિશ અધિકારીઓમાંથી માત્ર જનરલ ડાયર એક એવી વ્યક્તિ હતી જે તપાસ સમિતિને જે કંઈ બન્યું તેનો પૂરો ચિતાર આપી શકે તેમ હતી.

જનરલ ડાયરે આ કામ ગજબની મગરુરી સાથે કર્યું.

તપાસ સમિતિના સવાલો અને જનરલ ડાયરના જવાબો

૧૯મી નવેમ્બરે જનરલ ડાયરે લાહોરમાં હન્ટર સમિતિ સમક્ષ હાજર રહીને પોતાની મૌખિક જુબાની આપી. આ જુબાનીમાં લોર્ડ હન્ટરે પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી અને શરૂઆતથી જ ડાયરે એવા મોંફાટ જવાબ આપ્યા કે તેનો કેસ નબળો પડતો ગયો.

હન્ટર : તમે જલિયાંવાલા બાગમાં પહોંચ્યા, ત્યારે તમે શું કર્યું?

ડાયર : મેં ફાયરિંગ શરૂ કર્યું.

હન્ટર : તરત જ?

ડાયર : મેં તરત જ સ્થિતિ વિશે વિચાર કર્યો અને મારે શું કરવું જોઇએ એ વિશે નિર્ણય કરતાં ત્રીસ સેકન્ડ પણ ન લાગી.

હન્ટરે ડાયરને પૂછ્યું કે તેણે લોકોને એકઠા થતા અટકાવવાનો કોઈ પ્રયાસ કેમ ન કર્યો, તેના જવાબમાં ડાયરે કહ્યું કે ‘‘મેં તેમને આખા દિવસ દરમિયાન, એકઠા થવા સામે ચેતવ્યા હતા.’’ ફાયરિંગ કરવા પાછળ ડાયરનો ચોક્કસ હેતુ શો હતો એ વિશે હન્ટર ડાયર તરફથી સ્પષ્ટ જવાબ ઇચ્છતા હતા.

હન્ટર : ફાયરિંગ પાછળનો તમારો હેતુ ટોળાંને વિખેરવાનો હતો?

ડાયર : હા.

હન્ટર : અન્ય કોઈ હેતુ?

ડાયર : નો સર, એ લોકો વિખેરાય ત્યાં સુધી હું ફાયરિંગ કરવાનો હતો.

હન્ટર : તમે ફાયરિંગ શરૂ કર્યું એ સાથે ટોળું વિખેરાવા લાગ્યું હતું?

ડાયર : તરત જ.

હન્ટર : તમે ફાયરિંગ ચાલુ રાખ્યું?

ડાયર : હા.

હન્ટર : જો ટોળું વિખેરાવા લાગ્યું હતું તો તમે ફાયરિંગ બંધ કેમ ન કર્યું?

ડાયર : મને લાગ્યું કે ટોળું સાવ વિખેરાય નહીં ત્યાં સુધી ફાયરિંગ ચાલુ રાખવું મારી ફરજ હતી. જો મેં થોડું ફાયરિંગ કર્યું હોત તો ફાયરિંગ કર્યાનો કોઈ અર્થ નહોતો રહેવાનો.

હન્ટરે ફાયરિંગ વિના ટોળાંને વિખેરવાની શક્યતા પણ દર્શાવી. ડાયરે સ્વીકાર્યું કે એવું શક્ય હતું, તેમ છતાં તેણે ફાયરિંગ કર્યું કારણ કે ‘‘હું કેટલાક સમય સુધી તેમને વિખેરી શક્યો હોત, પછી એ ફરી એકઠા થયા હોત ને મારા પર હસ્યા હોત. મને લાગ્યું કે મેં મારી જાતને મૂર્ખ સાબિત કરી હોત.’’

જ્યારે હન્ટરે પૂછ્યું કે લોકોને એકઠા થતા અટકાવવા માટે બાગની બહાર ઘેરાબંધી ન થઈ શકી હોત? જવાબમાં ડાયરે કહ્યું કે ‘‘સ્થિતિ અતિ અતિ ગંભીર હતી. મેં નક્કી કરી લીધું હતું કે જો એ લોકો સભા ચાલુ રાખવાના હોય તો હું દરેક વ્યક્તિનું મૃત્યુ નિપજાવીશ. લશ્કરી દૃષ્ટિકોણથી એ લોકો અમને ઘેરી લે એવું તો ન જ થવું જોઈએ.’’ જ્યારે ડાયરે કહ્યું કે તે આખી સમસ્યાને વ્યાપક દૃષ્ટિકોણથી જોતા હતા અને પોતે ટોળાંથી ઘેરાવા દેવા માંગતા નહોતા ત્યારે સમિતિના એક સભ્ય જસ્ટિસ રેન્કિને તેમને પૂછ્યું કે તેમણે આખા પંજાબ ડિસ્ટ્રિક્ટ્સને ધ્યાનમાં રાખીને આ ભયાનક પગલું લીધું એવું નહોતું?

ડાયર : મને એવું નથી લાગતું. મારે માટે આ બહુ ભયંકર ફરજ હતી. મેં દયા દાખવીને તેમને વિખેરાવાની તક આપી હતી. જવાબદારી બહુ મોટી હતી મેં નક્કી કરી લીધું હતું કે મારે જબરજસ્ત રીતે ફાયરિંગ કરવું જ રહ્યું જેથી તેની પૂરી અસર થાય. મેં નક્કી કર્યું હતું કે કાં તો હું સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કરું અથવા પછી ગોળીબાર ન જ કરું. મેં એવો તાર્કિક નિર્ણય કર્યો કે મારે કાયદાનો ભંગ કરનારા ટોળાંને વિખેરવું જ જોઇએ એટલે મેં ફાયરિંગ કર્યું અને ટોળું વિખેરાયું ત્યાં સુધી ફાયરિંગ કર્યું.

રેન્કિન : તમારા જવાનોએ પોઝિશન લીધી એ ક્ષણે જ તમે ફાયરિંગ શરૂ કર્યું?

ડાયર : હા.

રેન્કિન : તમે ફાયરિંગ ચાલુ રાખ્યું ત્યારે ટોળું વિખેરાવા લાગ્યું હતું?

ડાયર : હા.

રેન્કિન : સમય સમય પર તમે તમારું ફાયરિંગ બદલ્યું અને જ્યાં વધુમાં વધુ લોકો હતા એ દિશામાં ફાયરિંગ કર્યું?

ડાયર : એમ જ હતું.

રેન્કિન : એવું જ હતું?

ડાયર : હા.

રેન્કિન : અને તમે અમને જણાવ્યું છે એમ, તમે ફક્ત ટોળું ભેગું થયું એ જ કારણસર તેના પર ફાયરિંગ કર્યું?

ડાયર : બિલકુલ બરાબર.

એ પછી સમિતિના ભારતીય સભ્ય સર ચીમનલાલ સેતલવાડે ડાયરને વધુ પ્રશ્નો પૂછ્યા.

હન્ટર કમિટીના સભ્ય સર ચીમનલાલ સેતલવાડ

સેતલવાડ : તમે સ્થળ પર પહોંચ્યા ત્યારે ગલી એકદમ સાંકડી હોવાને કારણે આર્મર્ડ કાર્સ (રણગાડી) અંદર લઈ જઈ ન શક્યા?

ડાયર : હા.

જલિયાઁવાલા બાગનો પ્રવેશમાર્ગ અત્યંત સાંકડો હોવાનો જનરલ ડાયરને અફસોસ રહ્યો

સેતલવાડ : ધારો કે ગલી એટલી પહોળી હોત કે તમે આર્મર્ડ કાર્સ અંદર લઈ જઈ શક્યા હોત તો તમે મશીન ગન્સથી ફાયરિંગ કર્યું હોત?

ડાયર : મને લાગે છે કે કદાચ હા.

સેતલવાડ : એવી સ્થિતિમાં મૃત્યુની સંખ્યા ઘણી વધુ હોત.

ડાયર : હા.

સેતલવાડ : અને તમે મશીન ગન્સથી ફાયરિંગ ફક્ત એટલા કારણસર ન કર્યું કે આર્મર્ડ કાર્સ અંદર જઈ શકે તેમ નહોતી?

ડાયર : મેં તમને જવાબ આપી દીધો છે. મેં કહ્યું છે કે એ જો ત્યાં હોત તો એવી શક્યતા હતી કે મેં તેનાથી ફાયરિંગ કર્યું હોત.

સેતલવાડ : સીધું જ મશીન ગન્સથી?

ડાયર : મશીન ગન્સથી.

એ પછી ડાયરે ભારપૂર્વક કહ્યું કે તેનો હેતુ બળવાખોર લોકોનો જુસ્સો તોડીને આખા પંજાબ પર અસર ઊભી કરવાનો હતો. સેતલવાડે તેને પૂછ્યું કે શું તેનો હેતુ બ્રિટિશ રાજને બચાવવાનો હતો? ત્યારે ડાયરે જવાબમાં કહ્યું કે ‘‘ના, બ્રિટિશ રાજ બહુ શક્તિશાળી છે. એ કંઈ બહુ મોટા ભયમાં ન હોત.’’

તપાસ સમિતિ સમક્ષ પોતાની આખી જુબાનીમાં ડાયરે પોતાનાં પગલાંને યોગ્ય ઠરાવવાની કોશિશ કરી. તપાસ સમિતિના પચીસ દિવસોની સુનાવણીમાં ત્રીજો ભાગ ડાયરના પગલાં પરની ચર્ચામાં જ ગયો. સમિતિ ખંડમાં ડાયરે ટટ્ટાર રહીને, તમામ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપ્યા. તેણે કોઈ અફસોસ કે પસ્તાવો દર્શાવ્યો નહીં. તેનો દાવો હતો કે તેણે જે કંઈ પણ કર્યું તે યોગ્ય હતું અને આવી પરિસ્થિતિ ફરી ઊભી થઈ હોત તો તેણે આમ જ કર્યું હોત.

તપાસ સમિતનો અહેવાલ

એ ખાસ નોંધવા જેવું છે કે તપાસ સમિતિમાંના બ્રિટિશ અધિકારીઓ બહુમતીમાં હતા અને ભારતીય સમિતિના સભ્યો લઘુમતીમાં હતા. તેમની વચ્ચે સ્પષ્ટ વિખવાદો હતા. હન્ટર સમિતિએ મોટા ભાગે આગ્રામાં રહીને પોતાનો અહેવાલ લખ્યો. સમિતિના ત્રણ ભારતીય સભ્યોએ કેટલાક મુદ્દાઓ પર પોતાનો વિરોધ દર્શાવીને અલગ અહેવાલ તૈયાર કર્યો. જોકે એ છેવટે મુખ્ય અહેવાલના ભાગ તરીકે જાહેર થયો. અંગ્રેજ સભ્યોનું માનવું હતું કે ભારતમાં બીજા વિદ્રોહ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે ભારતીય સભ્યો એ વાત સાથે સંમત નહોતા.

જોકે જનરલ ડાયરે જે રીતે પગલાં લીધાં એ માટે અંગ્રેજ અને ભારતીય સભ્યો એકમત હતા. સમિતિના અહેવાલમાં ડાયરની બે વાતે ટીકા કરવામાં આવી.

એક, તેણે એકઠા થયેલા લોકોને વિખેરાવાની તક આપ્યા વિના ફાયરિંગ શરૂ કર્યું.

બીજું, ટોળું વિખેરાવા લાગ્યું એ પછી પણ તેણે નોંધપાત્ર સમય સુધી ફાયરિંગ ચાલુ રાખ્યું.

સમિતિએ તારવ્યું કે લાંબા સમય સુધી ફાયરિંગ ચાલુ રાખીને ડાયરે બહુ મોટી ભૂલ કરી હતી. ડાયરે એક તબક્કે કહ્યું હતું કે તેનો હેતુ ‘‘પૂરતી ધાક જમાવવાનો હતો’’ તેના અનુસંધાનમાં સમિતિએ કહ્યું કે ડાયરે ‘‘તેની ફરજ સમજવામાં ભૂલ’’ કરી હતી.

એ સમયે ઇંગ્લેન્ડમાંના બ્રિટિશ રાજકારણીઓ અને ભારતમાંના બ્રિટિશ અધિકારીઓનો મત હતો કે ડાયરના ફાયરિંગને કારણે ભારતમાં બીજો બળવો થતો અટક્યો. પરંતુ તપાસ સમિતિ આ વાત સાથે સહમત નહોતી. ખાસ કરીને ભારતીય સભ્યોએ તેમના અહેવાલમાં લખ્યું કે ‘‘અમને લાગે છે કે ડાયરે અમાનવીય અને અન-બ્રિટિશ પદ્ધતિથી કામ લઇને ભારતમાં બ્રિટિશ રૂલને જ જબરી હાનિ પહોંચાડી છે.’’

સમિતિના બહુમતિ અંગ્રેજ સભ્યોએ ડાયરે ઘાયલ લોકોની મદદ ન કરી એ માટે ડાયરને જવાબદાર ન ગણ્યો પરંતુ લઘુમતી ભારતીય સભ્યોએ તેની બેદરકારીને ક્રૂર અને અમાનવીય ગણાવી.

આ આખા ઘટનાક્રમ દરમિયાન જનરલ ડાયરે તપાસ સમિતિના અંગ્રેજ સભ્યોના સવાલોના બહુ સ્પષ્ટ જવાબો આપ્યા હતા. તેને કોઈ વકીલની મદદ લેવાની સલાહ મળી હતી પણ તેણે પોતે જ એકલે હાથે પોતાનો બચાવકરવાનું નક્કી કર્યું. તેણે તેની સામે સ્પષ્ટ ક્યા આરોપો મુકાયા હતા એ પૂછવાની પણ દરકાર કરી નહોતી. ખાસ કરીને ભારતીય સભ્યોના સવાલોના ડાયરે ગુસ્સા અને તિરસ્કાર સાથે જવાબો આપ્યા હતા. તપાસ સમિતિ સમક્ષ ડાયરે કોઈ વાતનો પસ્તાવો નહોતો દર્શાવ્યો, કોઈ વાતની માફી નહોતી માંગી અને કોઈ વાત છૂપાવવાની કોશિશ નહોતી કરી.

જનરલ ડાયરને હન્ટર કમિટીની તપાસ દરમિયાન ઘણે અંશે એવી ખાતરી હતી કે આ તપાસ સમિતિથી તેને કોઈ નુકસાન થવાનું નથી. એમ માનવાના તેની પાસે પૂરતાં કારણો પણ હતાં.

એપ્રિલ ૧૯૧૯માં જલિયાંવાલા હત્યાકાંડ પછી ડાયરે બ્રિટિશ સૈન્ય વતી અફઘાનિસ્તાનની લડાઈમાં ભાગ લીધો હતો અને તેમાં તેની કાર્યવાહીની તેના કમાન્ડર ઇન ચીફે પ્રશંસા પણ કરી હતી. એ પછી ડાયરને અમૃતસર ઘટનાનો અહેવાલ આપવા કહેવામાં આવ્યું હતું. ડાયરે ૨૫ ઓગસ્ટ, ૧૯૧૯ના દિવસે જલિયાંવાલા વિશે પોતાનો લેખિત રીપોર્ટ આપ્યો હતો. એ પછી ઓક્ટોબર ૧૯૧૯માં ડાયરને એક બ્રિગેડનો કાયમી કમાન્ડ સોંપવામાં આવ્યો. જાન્યુઆરી ૧૯૨૦માં એક ડિવિઝનનો કામચલાઉ કમાન્ડ સોંપવામાં આવ્યો.

આમ ભારતમાંના બ્રિટિશ સત્તાતંત્ર તરફથી જનરલ ડાયરની સતત ચડતી થઈ રહી હતી.

જનરલ ડાયર સામે પગલાં

હન્ટર કમિટીએ ૮ માર્ચ, ૧૯૨૦ના રોજ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો ત્યાં સુધીમાં આ સમગ્ર મામલે ભારતમાં પ્રચંડ જનાક્રોશ ઊભો થયો હતો. બ્રિટિશ સત્તાધિકારીઓને લાગ્યું કે ભારતમાં તેમની રાજરમતો આગળ ધપાવવી હોય તો જનરલ ડાયર સામે પગલાં લીધા વિના છૂટકો નહોતો.

છેવટે ૨૦ માર્ચ, ૧૯૨૦ના રોજ જનરલ ડાયરને એક ટેલિગ્રામ મળ્યો, જેમાં તેને ૨૩, માર્ચના રોજ દિલ્હીમાં મિલિટરી સેક્રેટરીને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું. એ દિવસે ડાયરને જણાવવામાં આવ્યું કે કમાન્ડર ઇન ચીફે જલિયાંવાલા બાગમાં તેની ભૂમિકા વિશે હન્ટર કમિટીના અહેવાલ પછી ડાયરને સેવાનિવૃત્ત કરી દેવાનો નિર્ણય લીધો છે. ડાયરને ફરી ક્યારેય ભારતમાં કામ પર લેવાશે નહીં એવી જ પણ સ્પષ્ટતા કરવામાં આવી. જોકે આમ પણ ડાયરની સત્તાવાર નિવૃત્તિ થોડા મહિનાઓ જેટલી જ દૂર હતી.

ઇંગ્લેન્ડમાંના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એડવિન મોન્ટેગ્યુએ ભારતમાંના કમાન્ડ ઇન ચીફના આ નિર્ણયને મંજૂર કર્યો, પરંતુ તેણે એટલો ઉમેર્યો કર્યો કે આ કેસના સંજોગો આર્મી કાઉન્સિલને રીફર કરવામાં આવે છે.

૧૦ એપ્રિલ, ૧૯૨૦ના રોજ ડાયરે ભારતમાંથી વિદાય લીધી.

એ સમયે બ્રિટનના એક અખબારે ડાયરને મદદરૂપ થવા ભંડોળ એકઠું કરવાની શરૂઆત કરી હતી. ડાયર બ્રિટન પહોંચ્યો ત્યારે આ ભંડોળમાં ૨૬૦૦૦ પાઉન્ડ જેવી માતબર રકમ એકઠી થઈ ગઈ હતી, જેમાંથી ત્રીજો ભાગ ભારતમાંના બ્રિટિશ પરિવારોએ મોકલ્યો હતો.

એ પછી ઇંગ્લેન્ડમાં…

અલબત્ત ઇંગ્લેન્ડમાં આ પ્રકરણ હજુ પૂરું થયું નહોતું. ૧૪ મે, ૧૯૨૦ના રોજ આર્મી કાઉન્સિલ સમક્ષ ડાયર કેસ રજૂ થયો. એ સમયના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર વિન્સ્ટન્ટ ચર્ચિલે લાંબું પ્રવચન આપીને ડાયરને કાઢી મૂકવાના પોતાની કેબિનેટના નિર્ણયનો બચાવ કર્યો અને કાઉન્સિલના મિલિટરી સભ્યોને એ સાથે સંમત થવા જણાવ્યું. જોકે કાઉન્સિલના મિલિટરી મેમ્બર્સ ચર્ચિલ સાથે સંમત નહોતા. એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે આગામી ભારતના કમાન્ડર ઇન ચીફ તરીકેની જવાબદારી જેમને સોંપવામાં આવી રહી હતી તે જનરલ રોલિન્સનને જણાવી દીધું હતું કે જનરલ ડાયરને પોતાનો પક્ષ દર્શાવવાની તક આપવામાં નહીં આવે તો તેઓ કમાન્ડર ઇન ચીફ તરીકે ભારત નહીં જાય.

આ મડાગાંઠ પછી ૧૭ મેના રોજ, ડાયરને આર્મી કાઉન્સિલ સમક્ષ નિવેદન આપવાની તક આપવામાં આવી. આર્મી કાઉન્સિલ સમક્ષ પોતાનો કેસ મૂકતાં ડાયરે કહ્યું હતું કે હન્ટર કમિટી જ્યુડિશિયલ કમિટી ન હોવાથી તેને ડાયર સામે કેસ ચલાવવાનો કોઈ અધિકાર જ નહોતો.

આ વખતે ડાયરે પોતાનો બચાવ કરવા અને પોતાનો પક્ષ રજૂ કરવા વકીલોની મદદ લીધી હતી.

આ કેસ વિશે ૭, ૮ જુલાઈ, ૧૯૨૦ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં અને ૧૯, ૨૦ જુલાઈ, ૧૯૨૦ના રોજ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં જોરદાર ચર્ચા ચાલી. હાઉસ ઓફ લોર્ડ્સ એક સભ્યે તો કહ્યું કે જનરલ ડાયરે ફાયરિંગ કરીને ઠીક કર્યું, તેણે પોતાની ફરજ બજાવી અને એ પણ સફળતાપૂર્વક. બ્રિટિશ સરકારને જનરલ ડાયર સામેનો કેસ પડતો મૂકવા કહેવામાં આવ્યું અને ચીમકી આપવામાં આવી કે જનરલ ડાયર સામે પગલાં લેવામાં આવશે તો સમગ્ર બ્રિટીશ એમ્પાયરના તમામ ઓફિસર્સના વિશ્વાસને જબરી હાનિ પહોંચશે. જોકે આવી આક્રમક દલીલો પછી પણ જનરલ ડાયરના પગલાંને યોગ્ય ગણાવવાનો ઠરાવ પસાર થઈ શક્યો નહોતો.

પછીના વર્ષોમાં જનરલ ડાયરની તબિયત લથડતી ચાલી અને તેને સંખ્યાબંધ પક્ષાઘાતના હુમલા થયા. એવું કહેવાય છે કે મરણ પથારીએ પડેલા જનરલ ડાયરે કહ્યું હતું કે ‘‘અમૃતસરની સ્થિતિ જાણનારા સંખ્યાબંધ લોકો કહે છે કે મેં જે કર્યું તે બરાબર હતું… પણ બીજા ઘણા લોકો કહે છે કે મેં ખોટું કર્યું. હું માત્ર મરવા માગું છું અને મને જન્મ દેનારા પાસેથી જાણવા માગું છું કે મેં સાચું કર્યું કે ખોટું.’’ ડાયરનું ૬૨ વર્ષની વયે ઇંગ્લેન્ડમાં ૨૪ જુલાઈ, ૧૯૨૭ના રોજ મૃત્યુ થયું.